રાજકોટ: હોસ્પિટલમાં આગ અંગે SCએ નોંધ લીધી, 'અત્યંત આંચકારૂપ છે અને આ પહેલી ઘટના નથી' 

દિલ્હી -

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. રાજકોટ હોસ્પિટલ આગ દૂર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કરી ગુજરાતને ફટકાર લગાવી છે. 'અત્યંત આંચકારૂપ છે અને આ પહેલી ઘટના નથી' કહી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, જામનગરમાં ઘટનાઓ બની ચૂકી છે. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. 

ગઇકાલે રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલમાં કુલ ૩૩ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ઘટના સમયે આઈસીયુમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ ઘટનામાં ૫ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા અન્ય દર્દીઓને બચાવી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. બીજી તરફ મ્યુન્સિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, આ ઘટના અંગે CM રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત થઈ છે. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. જે કોઈ પણ આ ઘટનામાં કસૂરવાર ઠરશે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પ્રત્યેક મૃતક પરિવારને 4 લાખની સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution