રાજકોટ-
સમાજમાં અંધશ્રદ્ધાને દૂર કરવાનું કામ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવે છે. સરકારી નિવૃત અધિકારી એવા રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કિ અવતાર ગણાવ્યો છે. જેને લઈને વિજ્ઞાન જાથાની ટીમ આજે બુધવારે પોલીસ સાથે રમેશચંદ્રના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં રમેશચંદ્ર પોતે ભગવાન વિષ્ણુનો અવતાર હોય તો તેના પુરાવા આપવાની માંગ કરી હતી. રમેશચંદ્રે આ અંગે વિજ્ઞાન જાથાની ટીમ સાથે ચર્ચા કરવાને બદલે તેના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને ઘરમાં જ પુરાઈ ગયા હતા. જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને રમેશચંદ્ર વચ્ચે થોડા સમય માટે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.
વર્ષ 2017માં પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર અને કલ્કિ અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. તેઓ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા પોતાના નિવાસસ્થાને નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જ્યારે તેઓ દ્વારા નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખવામાં આવ્યો છે. રમેશચંદ્ર દ્વારા માંગ કરવામાં આવી છે કે, તેમનો છેલ્લા એક વર્ષનો બાકી રહેતો રૂપિયા 16 લાખ પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેચ્યુટી આપવામાં આવે છે. તેમજ એક વર્ષમાં તેમના દ્વારા કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવામાં આવ્યું છે. જ્યારે કોરોના કાળમાં સરકાર દ્વારા વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને પણ પગાર આપ્યો છે. તો તેમને પણ આ પગાર આપવામાં આવે.