રાજકોટ-
શહેર-જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા તંત્ર કામે લાગ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ‘‘સાવચેતી એ જ સલામતી’’ના આધારે શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કામ ચલાઉ ચેક પોસ્ટ ઉભી કરવામા આવી છે. રાજકોટ શહેરમા પ્રવેશતી ખાનગી ટ્રાવેલ્સના પ્રવાસીના હેલ્થ સ્ક્રિનિંગની સાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત અન્ય જે કોઇ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા માગતા હોય તો તેમનો પણ ટેસ્ટ કરવામાં આવે છે. થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર વગેરે અદ્યતન સાધનો દ્વારા તેમના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. તેમના ચેકઅપના આધારે તેમની જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવે છે.જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવે તેમને હેલ્થ સેન્ટર આ બાબતની જાણ કરી ક્વોરન્ટાઈન કરવાની સાથે તેમની જરૂરી સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
આ માટે ધન્વંતરી રથના આરોગ્ય કર્મીઓ પોઝિટિવ દર્દીની સારવાર માટે મુલાકાત લઈ, સારવાર અને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામા આવે છે. ઉપરાંત સંજીવની રથના માધ્યમથી ક્વોરન્ટાઈન કરાયેલ દર્દીઓનું સતત ફોલોઅપ લેવામા આવે છે. દર્દીઓને જરૂરી સારવાર મુજબ એઝીથ્રોમાઈસીન, સીપીએમ, પીસીએમ, ફોલીક એસિડ, વિટામીન બી-૧૨, વિટામીન-સી, ઝીંક, પેન્ટો પ્રેજોલ વગેરે દવાઓ આપવામા આવે છે.