રાજકોટ-
આમ તો રાજકોટ રંગીલું શહેર છે, પરંતુ અહીં તાકીને સામે જાેવા જેવી સામાન્ય બાબતે પણ હત્યા થયાના બનાવો બન્યા છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ ગઈ હોય એવા બનાવો પણ અસંખ્ય બન્યા છે. કહેવાય છે કે અહીંના લોકો રંગીન મિજાજી છે પરંતુ તેમનો પારો ક્ષણવારમાં ૧૦૦ ડીગ્રી ઉપર પહોંચી જાય છે! શહેરમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ થતાં રાજકોટ શહેરમાં હત્યાના બનાવો શરૂ થઈ ગયા છે. અહીં ગાળ દેવા જેવી બાબતે એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી છે. આ કેસમાં ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે હત્યાના આરોપીઓને ઝડપી લીધો છે.
રાજકોટ શહેરની એ ડિવિઝન પોલીસને જાણકારી મળી હતી કે, સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બની રહ્યો છે તે જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી એ ડિવિઝન પોલીસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. એ જ જગ્યાએ હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યુ છે. કાળુભાઈ પરમાર નામના શખ્સના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવના પગલે એ.ડિવિઝન પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર અને આરોપીઓ વચ્ચે કોઈ કારણોસર ગાળાગાળી થઈ હતી, જેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ જતા મરણ જનારના માથામાં પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમમાં ખસેડવામાં આવી છે.