ગાંધીનગર ભાજપમાં ચાલી રહેલો આંતરિક ખટરાગ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. તેમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ એક પત્ર વાયરલ થતાં સામે આવ્યો છે. આ પત્રમાં રૂપિયાથી ટિકિટ વેચવાનો આરોપ લગાવાયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી સામે ખનીજ માફિયાઓના ભાગીદાર હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે એક તરફ તારીખો પર તારીખો પડી રહી છે તેવા સંજાેગોમાં ભાજપના સંગઠનમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ કે ખટરાગ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના મહત્વના એવા રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલી રહેલો અંદરો અંદરનો ખટરાગ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા મહામંત્રી રવિ માંકડિયા વિરૂદ્ધનો પત્ર સોશિયલ મીડિયામાં વહેતો થયો છે જેના કારણે રાજકોટ જિલ્લા ભાજપમાં અનેક જાતની ચર્ચાઓ વહેતી થઇ છે. રાજકોટ જિલ્લા ભાજપમાં ચાલતા ખટરાગને આ પત્રમાં ખૂલ્લો પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ પત્રમાં ઉપલેટા નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતની ડુમિયાણીની પેટાચૂંટણીમાં રૂપિયા લઈને ટિકિટો વેચવાનો જિલ્લા મહામંત્રી રવિ માંકડિયા પર કરવામાં આવ્યો છે. આ પત્રમાં એવું પણ લખાયું છે કે, રવિ માંકડિયાને ભાજપ પક્ષ કે ભાજપની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કેટલાક આગેવાનોની ખુશામતખોરીથી જિલ્લા ભાજપનો મહત્વનો હોદ્દો મેળવ્યો છે. આ વ્યક્તિ સામે લોકો પાસેથી તોડ કરતો હોવાના, બુટલેગરોને સેટિંગ કરાવી હપ્તા ઉઘરાવવા સહિતના આક્ષેપો છે. આ ઉપરાંત આ પત્રમાં હિન્દુ તબીબની પુત્રવધૂને વિધર્મી નબીરા સાથે ભગાડવામાં મદદ કરી હોવાનો તેમજ આ વિધર્મીને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ચાર કોરા મેન્ડેટ આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે આ વ્યક્તિના ધોરાજી-ઉપલેટા વિસ્તારના ખનીજ માફિયાઓ સાથે ભાગીદારી હોવાનો આક્ષેપ કરાયો છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી વિરુદ્ધનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા ભાજપના આગેવાન અશોક લાડાણી સહિતનાની અટકાયત કરાઇ હોવાનું તેમજ તેમને ટોર્ચર કરાયા હોવાનો આક્ષેપ ભાજપના આગેવાન અશોક લાડાણી દ્વારા કરાયો છે.
મોબાઇલમાં આવેલો પત્ર મેં મારા મિત્રને મોકલ્યો હતો : અશોક લાડાણી
આ મામલે ભાજપનાં અગ્રણી અશોક લાડાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, મારા મોબાઈલમાં એક લેટર આવ્યો હતો, જે મે મારા મિત્રને મોકલ્યો હતો. ત્યારબાદ મને જાણ કર્યા વિના પોલીસ મારી ઉલટ તપાસ કરવા માટે પોલીસ મારા ઘરે પહોંચી હતી. ત્યારબાદ મને પોલીસ મથકે લઈ જવાયો હતો અને મને માનસિક ટોર્ચર કર્યો હતો. ઉપલેટા અને રાજકોટનાં કહેવાતા આગેવાનોનાં કહેવાથી મને બઉ હેરાન-પરેશાન કર્યો છે. આ પછી પોલીસ દ્વારા અમને આશ્વાસન અપાયું હતું કે, આની તપાસ પૂર્ણ કરશું. પરંતુ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ, લખીરાજ બાપુ આ તમામ મિત્રોનું નિવેદન લેવામાં આવ્યું છે. આજે ઘટનાને સાત દિવસ પૂરા થવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે.