રાજકોટ કોંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર આરોપ, ફોર્મ પાછું ખેંચવા કરાઇ 10 લાખની ઓફર

રાજકોટ-

રાજકોટ જિલ્લા પંચાયતની દડવી બેઠકના કાૅંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલ રાજેશભાઇ બગડાને ફોર્મ પરત ખેંચવા ધમકી આપી રૂપિયા ૧૦ લાખની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રીના ભાજપના ૩ માણસો ઉમેદવારના ઘરે જઇ રૂપિયા ૧૦ લાખની ઓફર કરી ફોર્મ પરત ખેંચવા કહ્યું હતું. જાેકે, ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલા ઉમેદવાર સોનલબેન બગડા દ્વારા કરવામાં આવ્યો છે.

સોનલબેનના જણાવ્યા મુજબ, ધમકી મળતા તરત ઉમેદવાર વહેલી સવારે ૪ વાગ્યે જામકંડોરણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી. જેના કારણે મહિલા ઉમેદવાર જિલ્લા કલેકટર પાસે અનશનની માંગ કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો છે અને આ ૩૬ બેઠકો માટે ભાજપ કાૅંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ઉમેદવારી પત્રક નોંધાવી છે અને આજે આ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે. જેમાં અપક્ષ ઉમેદવાર સહિત કુલ ૩ ફોર્મ રદ થવાની શકયતા જાેવાઇ રહી છે.

મહત્વનું છે કે, હાલ રાજકોટ જિલ્લા પંચાયત કાૅંગ્રેસને ફાળે છે અને કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા તેમજ ભાજપ સત્તા પરિવર્તન માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે. આવા સમયે કાૅંગ્રેસના ઉમેદવારનો ઓડિયો વાયરલ થતાં રાજકારણમાં ચકચાર જાગી છે. નોંધનીય છે કે, ગઇકાલે એટલે રવિવારે કાૅંગ્રેસ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યુ હતુ કે, ઈવીએમમાં ભાજપનું નિશાન મોટું રાખવામાં આવ્યુ છે. ચૂંટણી પંચ ભાજપના દોરી સંચાર હેઠળ કામ કરી રહ્યુ છે. આ મામલે કોંગ્રેસે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution