રાજકોટ-
ઉપલેટામાં છ માસ પહેલા ભાજપના નગર સેવકના કબજાવાળુ એકટીવા ચોરાઇ જતા આ ગુનામાં રાજકોટના બાવાજી શખ્સને રાજકોટ પોલીસે ઝડપી લઇ ઉપલેટા પોલીસને સોપ્યા બાદ ર૪ કલાક કસ્ટડીમાં રહ્યા બાદ કોર્ટમાં રજુ કરવાની તૈયારી ચાલતી તે વેળાએ પોલીસને ચકમો આપી આરોપી બાવાજી શખ્સ ભાગી જતા પોલીસમાં દોડીધામ મચી ગઇ હતી જીલ્લા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરી આરોપીને ઝડપી લેવા વિવિધ જગ્યાએ શોધખોળ આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને દુધ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભાજપના નગર સેવક મનોજભાઇ રાજાભાઇ નંદાણીયાનું એકટીવા મોટર સાઇકલ આજથી ૬ માસ પહેલા પોતાના ઘર પાસેથી ચોરાઇ ગયું હતું. આ એકટીવા મોટર સાઇકલ ચોર પ્રકાશ ઉર્ફે આકાશ ઉર્ફે પોલા બંસીભાઇ દુધરેજીયા (ઉ.વ.૭પ) જાતે માર્ગી સાધુ મુળ રહે ભાદર જાવીયાના તા. ધોરાજી હાલ રહે. અવેળા પાસે મુજકા રાજકોટ વાળાને થોડા દિવસ પહેલા રાજકોટ પોલીસે એકટીવા મોટર સાથે ઝડપી લીધો હતો. અને ઉપલેટા પોલીસને સોંપી દીધો હતો. તા.ર૪ ના ૪.૩૦ કલાકે આરોપી પ્રકાશ ઉર્ફે આકાશ બાવાજીની અટક કર્યા બાદ તેને ર૪ કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવાનો હોવાથી તા.રપ ને શનિવારે ૪.૩૦ કલાકે કસ્ટડીમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેસાડવામાં આવ્યો હતો. આ દરમ્યાન વિજય વસંતભાઇ સરાયા નામના પોલીસ સરકારી ગાડીના ડ્રાઇવર ને સરકારી ટેલીફોનમાંથી ફોન કરવા જતા પાછળથી આરોપી પ્રકાશ ઉર્ફે આકાશ પોલીસને ચકમો આપી નાસી છુટયો હતો. ત્યારબાદ સ્થાનીક પોલીસે જીલ્લા પોલીસને જાણ કરતા એલ.સી.બી. સહિત પોલીસ કાફલાએ આરોપીની શોધખોળ ચાલુ કરી પણ આરોપી હાથમાં આવેલ ન હોતો.