રાજ કપૂરઃ ધ ગ્રેટેસ્ટ શો મેન ઓફ ધ મિલેનિયમ

ધ ગ્રેટ શો-મેન તરીકે જાણીતા, સૃષ્ટિનાથ કપૂર એટલે કે ‘રાજ’ કપૂર , ભારતીય સિનેમાના ચાર્લી ચેપ્લિન તરીકે ઓળખાય છે. ફિલ્મ નિર્માણને લગતા તમામ પાસાઓમાં એ પારંગત હતા. તેઓએ કુલ ૪૧ વખત નોમિનેશન મેળવ્યાં હતાં. જેમાંથી ૧૧ ફિલ્મફેર,૩ નેશનલ,૫ બંગાળી સહિત અન્ય ૮ મળી કુલ ૨૭ પુરસ્કારના વિજેતા હતાં. તેમની ફિલ્મો ‘આવારા’ અને ‘બૂટ પોલિશ’, પલ્મે ડી'ઓર અને કેન્સ ફિલ્મ ઉત્સવ માટે નામાંકિત થઇ હતી. ભારત સરકારે તેમને ૧૯૭૧માં પદ્મભૂષણ અને ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતાં.

રાજ કપૂરનો જન્મ ૧૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ પેશાવરમાં થયો હતો.કપૂર પરિવાર મૂળ લ્યાલપુર, જે હવે આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ફૈસલાબાદના નામે ઓળખાય છે, ત્યાંનો રહેવાસી હતો.

તેઓ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામશરણી દેવી કપૂરના છ બાળકોમાં સૌથી મોટા હતાં. દિવાન બશેશ્વરનાથ કપૂરના પૌત્ર અને દિવાન કેશવમલ કપૂરના પ્રપૌત્ર હતાં. રાજના બે ભાઈઓ શશી કપૂર(ઉર્ફ બલબીરરાજ કપૂર )અને શમ્મી કપૂર(ઉર્ફ સમશેરરાજ કપૂર) અભિનેતા બન્યાં, પરંતુ બીજા બે ભાઈઓ બાલ્યાવસ્થામાં મરણ પામ્યા હતાં. તેઓને ઉર્મિલા નામની એક બહેન પણ હતી.

રાજ કપૂરે ૧૯૩૦ના સમયમાં કર્નલ બ્રાઉન કેમ્બ્રીજ સ્કૂલ, દહેરાદૂનમાં અભ્યાસ કર્યો હતો.અગિયાર વર્ષની વયે, તેઓ ફિલ્મોમાં પ્રથમ વાર ૧૯૩૫ની ફિલ્મ ‘ઇન્કલાબ’માં દેખાયીં. બીજા ૧૨ વર્ષ જુદી જુદી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ,૧૯૪૭માં ‘નીલકમલ’માં રાજ કપૂરને નાયકની ભૂમિકા ભજવવાની તક મળી. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મધુબાલા હતી. મધુબાલાની પણ નાયિકા તરીકેની આ પહેલી ભૂમિકા હતી. ૧૯૪૮માં ૨૪ વર્ષની વયે જ તેઓએ પોતાના સ્ટુડિયો આર.કે. ફિલ્મ્સની સ્થાપના કરી, અને તેમના સમયના સૌથી યુવાન ફિલ્મ નિર્દેશક બન્યાં.૧૯૪૮ની ફિલ્મ આગ, નિર્માતા, નિર્દેશક અને નાયક તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી. અભિનેત્રી નરગીસ સાથે તેમની આ પહેલી ફિલ્મ હતી.૧૯૪૯ માં તેઓ ફરી એક વાર નરગીસ અને દિલીપકુમાર સાથે મહેબૂબ ખાનની ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ ‘અંદાઝ’માં ચમક્યા,જે તેઓની એક અભિનેતા તરીકેની પ્રથમ મોટી સફળતા હતી.

ત્યારબાદ તેમણે નરગીસ જાેડે અનેક ફિલ્મો કરી.રાજ કપૂર અને નરગીસે ૧૬ ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે, જેમાં ૬ ફિલ્મો તેઓએ પોતે નિર્મિત કરી હતી.

તેઓએ બરસાત, આવારા, શ્રી ૪૨૦, ચોરી ચોરી અને જીસ દેશ મેં ગંગા બહતી હૈ જેવી ઘણી બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો નિર્મિત,અભિનિત અને નિર્દેશિત કરી.આ ફિલ્મોએ તેમની પડદા પર એક અલગ ઈમેજ બનાવી જે ચાર્લી ચેપ્લિનના પડદા પરના સૌથી પ્રખ્યાત કેરેક્ટરની નકલ હતી. ૧૯૬૦ના સમયની મહત્વાકાંક્ષી ફિલ્મ, ‘મેરા નામ જાેકર’માં નિર્દેશન અને અભિનય કર્યો જેને પૂર્ણ થતા છ વર્ષ લાગ્યા. ૧૯૭૦માં જ્યારે તે રજૂ થઇ, ત્યારે તે બોક્સ ઓફિસ પર કંગાળ નીવડી અને તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા.આ વિપત્તિ છતા,રાજે આ ફિલ્મને પોતાની પ્રિય ફિલ્મ ગણાવી હતી.

તેમણે ૧૯૭૧માં પુનરાગમન કર્યુ જ્યારે તેઓ તેમના સૌથી મોટા પુત્ર રણધીર કપૂરની અભિનેતા અને નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ માં રણધીરના સહ-અભિનેતા બન્યાં, જેમાં રાજના પિતા પૃથ્વીરાજ કપૂર અને રણધીરની પત્ની બબિતાએ પણ અભિનય કર્યો.

૧૯૭૩માં ‘બોબી’ ફિલ્મ બનાવી જેણે તેમના બીજા પુત્ર રિશી કપૂરની કારકિર્દી શરૂ કરી. સાથે જ તેણે અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને પણ રજૂ કરી હતી. તે પછી ઝીન્નત અમાન સાથે સત્યમ શિવમ સુંદરમ, પદ્મિની કોલ્હાપુરે સાથે પ્રેમરોગ અને મંદાકિની સાથે રામ તેરી ગંગા મૈલી ફિલ્મ બનાવી હતી.

૧૯૮૨માં રાજ કપૂરની મુખ્ય ભૂમિકામાં અંતિમ ફિલ્મ ‘વકીલ બાબુ’ હતી. કિમ શીર્ષક ધરાવતી ૧૯૮૪માં રજૂ થયેલ ટેલીવિઝન માટે બનાવેલી બ્રિટીશ ફિલ્મમાં મહેમાન ભૂમિકા, તેમનો છેલ્લો અભિનય હતો.

તેમની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે. તેમની ફિલ્મો આફ્રિકા,મધ્ય પૂર્વ, પૂર્વ સોવિયેત સંઘ,ચીન, અને દક્ષિણપૂર્વી એશિયાનાં પ્રેક્ષકો પણ પસંદ કરતા હતાં.

રાજ કપૂર તેમના અંતિમ વર્ષોમાં અસ્થમાથી પીડાતા હતાં.૧૯૮૮માં ૬૩ વર્ષની વયે અસ્થમાને લગતી તકલીફોને લીધે તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ સમયે તેઓ ફિલ્મ ‘હીના’ પર કામ કરી રહ્યા હતાં. તે ફિલ્મ બાદમાં તેમના પુત્ર રણધીર કપૂરે પૂરી કરી અને ૧૯૯૧માં રજૂ કરી, જે બોક્સ ઓફિસ પર ખૂબ સફ્ળ રહી. જ્યારે તેઓને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો ત્યારે ત્યાં તેમના ભાઈઓ શશી કપૂર અને શમ્મી કપૂર સાથે ત્યાં હાજર હતાં. એવોર્ડ આપવા આવ્યાં ત્યારે જ એકાએક રાજ કપૂર ફસડાઇ પડ્યા,તેમને તાત્કાલિક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સમાં સારવાર માટે લઇ જવાયાં. દેશના ટોચના હૃદયરોગ નિષ્ણાંતોએ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા, પરંતુ તેમને બચાવી ન શક્યાં.અને આખરે ૨ જૂન, ૧૯૮૮ના રોજ ધ ગ્રેટ શો મેન આ ફાની દુનિયાનું મંચ છોડીને એક્ઝીટ કરી ગયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution