ભરૂચ
છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી મનમૂકીને વરસેલા મેઘરાજાએ ભરૂચ જીલ્લામાં નેત્રંગ અને વાલિયા સિવાયના વિસ્તારોમાં ખમૈયા કર્યા છે.આજે પણ નેત્રંગમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ અને વાલીયામાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદને લઈ અનેક માર્ગોના ધોવાણ થતાં યાતાયાત ઉપર પણ અસર ઉભી થઈ હતી. સ્ટેટ હાઈવે તથા નેશનલ હાઈવેના મોટાપાયે ધોવાણ થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજેરોજ જોવા મળતા હતા. સતત વરસાદથી હાડમારીઓ ઉઠાવતા લોકોએ મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન આજરોજ મેઘરાજાએ નેત્રંગ અને વાલિયા સિવાય જિલ્લાના તાલુકાઓમાં જાણે ખમૈયા કર્યા હતા. નેત્રંગ અને વાલિયામાં વરસાદનંુ જોર યથાવત રહ્યું હતું. આઠમા દિવસે પણ નેત્રંગમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઈંચ અને વાલીયામાં ૩.૫ જેટલો વરસાદ ખાબક્યો હતો.જ્યારે અન્ય તાલુકાઓમાં જોઇએ તો આમોદમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આમોદમાંથી વહેતી ઢાઢર નદીની સપાટીમાં પણ ઘટાડો થતાં આસપાસના એલર્ટ કરાયેલા ગામના રહીશો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અંકલેશ્વરમાં ૧૬ મી.મી., ભરુચમાં ૩૭ મી.મી., હાંસોટમાં ૩૫ મી.મી. જંબુસરમાં ૩ મીમી, વાગરામાં ૨૪ મીમી અને ઝઘડીયામાં ૯ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.