ગુજરાતમાં ગાજવીજ સાથે આ તારીખ વચ્ચે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

ગાંધીનગર-

સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા ૩૦થી ૩૫ ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ૮૦૦ મિલીમીટરથી લઈ ૧૦૦૦ મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ૭થી ૧૪મીમે વચ્ચે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્યમાં વરસી શકે છે વરસાદ.

હવામાન એક્સપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે ૨૬થી ૨૯ મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે અને ૧૫ જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં ૧૫ જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમ તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે. હાલ સુકા ગરમ પવનને કારણે ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે આગામી ૪થી ૫ દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સુધી રહેતા દિવસ દરમિયાન લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution