વરસાદ અને મકાનો...

વરસાદ ઘણા પ્રકારના હોય છે. જેમકે ફરફર, છાંટા, હેલી, ફોરાં ઈત્યાદી.જુદા જુદા પ્રકારની આબોહવામાં જુદા જુદા પ્રકારનો વરસાદ વરસતો હોય છે. વળી આવી જુદી જુદી આબોહવામાં જુદા જુદા પ્રકારનું સ્થાપત્ય પણ વિકસે છે. આમ તો મકાનની રચનામાં ગરમી તથા પવનને વધારે મહત્વ અપાય છે પણ વરસાદના સંદર્ભમાં પણ મકાનને સમજવાની પણ મજા છે. એક રીતે જાેતાં જે તે વિસ્તારની આબોહવાનો પ્રકાર અને સામાન્ય રીતે ત્યાં આવતા વરસાદની તીવ્રતા પરસ્પર સંકળાયેલી હોય છે.

ફરફર એટલે એવો વરસાદ કે જેમાં હાથ-પગના ખુલ્લા ભાગના રુંવાળા જ ભીના થાય. આ પ્રકારના વરસાદવાળા ક્ષેત્રમાં ધાબાબંધ મકાનો જાેવા મળશે. આવા વિસ્તારમાં મકાનની રચનામાં વરસાદને વધુ મહત્વ ન અપાય. આવા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે વધારે રહેતું હોવાથી બહારની ગરમી મકાનમાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રખાય છે અને તે માટે બારી બારણા નાના જાેવા મળે છે..

છાંટા એટલે ફરફરથી થોડો વધુ વરસાદ કે જેમાં ચામડી પણ થોડી ભીની થઈ શકે. જે વિસ્તારમાં છાંટાવાળો વરસાદ વધુ આવતો હોય ત્યાં પણ ધાબાબંધ મકાનો જાેવા મળે. ફેર એટલો કે આવા વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા વિશે લોકો વિચારતા થાય, પણ એને એટલી ગંભીરતાથી લેવામાં ન આવે. અહીંના બારી બારણા પ્રકાશની વ્યવસ્થા પ્રમાણે પ્રયોજાય છે.

ફોરાં એટલે લગભગ છાંટા જેવો જ વરસાદ પણ તેનાં ટીપાં મોટા હોય. ફોરાં પ્રકારના વરસાદવાળા વિસ્તારમાં છતને થોડોક ઢાળ આપવાની શરૂઆત થાય તેથી ક્યારે વધુ વરસાદ આવે તો તકલીફ ન પડે. આ સાથે મકાનમાં અન્ય એક ફેરફાર પણ જાેવા મળે, અને તે એ છે કે હવે બારી-બારણાનું પ્રમાણ વધતું જાય. હવે હવામાં ભેજનું પ્રમાણ વધવાથી બારી બારણા પણ મોટા હોવા જરૂરી બને જેથી વધુ હોવાની અવરજવર શક્ય બને.

પછેડીવા વરસાદમાં વ્યક્તિ ભીનો થાય પણ તે પોતાની પાસેની પાસે રહેલી પછેડીથી પોતાની જાતને જાે તે ઢાંકી દે તો ભીના થવાથી બચી શકે. પછેડીવા વરસાદવાળા વિસ્તારમાં ઢળતા છાપરાવાળા મકાનોની શરૂઆત થાય છે. અહીં બારી-બારણા પણ પ્રમાણમાં મોટા જાેવા મળે છે. શેરીઓમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા વધુ અસરકારક બનાવાતી જાય.

નેવાધાર વરસાદમાં છાપરાના નેવા પરથી પાણીની ધાર વહેવા માંડે. આ પ્રકારના વરસાદવાળા વિસ્તારમાં છાપરામાં નેવા હોય છે એ જ સાબિત કરે છે કે અહીં મકાનો ઢળતા છાપરાવાળા હોય છે અને છાપરાનો ઢાળ પણ ૩૦ અંશ કરતાં વધારે જાેવા મળશે. અહીં પણ આબોહવા ભેજવાળી રહેતી હોવાથી બારી-બારણા પ્રમાણમાં મોટા અને મકાનમાં વરંડાઓ પણ જાેવા મળે. હવે બારી-બારણાના છજ્જા પણ વ્યવસ્થિત બનાવતા થશે.

મોલમેહ તરીકે ઓળખાતા વરસાદની ખેડૂતો રાહ જાેતા હોય છે. આ વરસાદ પાકને પૂરતો થઈ રહે તેટલો હોય છે. મોલમેહ વરસાદવાળા વિસ્તારમાં પણ નેવાધાર જેવી જ મકાનોની રચના જાેવા મળશે. કદાચ અહીં છાપરાનો ઢાળ તેના કરતાં વધારે હોય અને છાપરાની બનાવટ વધુ સાવચેતીપૂર્વક રખાઈ હોય.

અનરાધાર વરસાદમાં એમ લાગે કે જાણે એક ટીપું બીજા ટીપાંને અડીને વરસે છે. આનાથી સતત પડતી ધારની પ્રતીતિ થાય. જ્યાં અનરાધાર વરસાદ થતો હોય અને તે પણ વારંવાર આવતો હોય તો તે વિસ્તારના મકાનોના ઢળતા છાપરા ૪૫ અંશના ખૂણા કરતાં વધારે ઢાળવાળા જાેવા મળશે.આવા વિસ્તારમાં ક્યાંક મકાનોને ઊંચા મંચ ઉપર કે ઊંચી પ્લિન્થ ઉપર બનાવવાતા જાેવા મળશે. અહીં બારી-બારણાના છજ્જા વધુ વિસ્તૃત હશે.મુશળધાર વરસાદમાં વરસાદના પાણીની ધાર મુશળ સમાન હોય છે. આવા વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. આ વિસ્તારના મકાનો પણ અનરાધાર પ્રમાણેના હશે પણ સાથે સાથે જમીન પર સ્વાભાવિક રીતે રહેતા વહેણનું પણ ધ્યાન રાખવામાં આવશે. આવા વિસ્તારમાં પ્લિન્થને વધારે ચોકસાઈથી બનાવવામાં આવે છે.

ઢેફાં પ્રકારનો વરસાદ એવી તીવ્રતાથી આવે છે કે જેનાથી માટીના ઢેફા પણ ભાંગી જાય. આવા વરસાદની તીવ્રતા અને માત્રા બંને અતિશય હોય એમ કહેવાય. પાણ-મેહ પ્રકારના વરસાદમાં કુવા પાણીથી છલકાઈ જાય અને ખેતરો પણ પાણીથી ભરાઈ જાય. હેલી એ એ પ્રકારનો વરસાદ છે કે જે સતત સાત આઠ દિવસ ચાલુ રહે અને લગભગ પૂરની સ્થિતિ સર્જે. ઢેફાં કે પાણ-મેહ કે હેલી વરસાદવાળા વિસ્તારમાં ઉપરના જેવી જ કાળજી રખાય છે પણ એ બધાની માત્રા અને ચોકસાઈ વધારે હોય.

આભ-ફાટ વરસાદ એ એવો વરસાદ છે કે જેમાં વાદળ ફાટ્યાની પ્રતીતિ થાય, એમ જણાય કે જાણે વાદળ એકસામટું ખાલી કરી દેવાયું છે. આભ કે વાદળ ફાટ્યું હોય એવી પરિસ્થિતિમાં કશું જ કામમાં ના આવે. માત્ર રાહત કાર્યો પ્રારંભવા પડે.

અગાઉ જણાવ્યા પ્રમાણે સ્થાપત્યની રચનામાં વરસાદ સિવાયના પણ આબોહવાના અન્ય પરિબળો મહત્વના ગણાયા છે. ગરમ અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં ધાબાબંધ મકાનોમાં નાના બારી-બારણા જાેવા મળશે. ગરમ તથા ભેજવાળી આબોહવામાં બારી-બારણા પ્રમાણમાં મોટા હશે અને મકાનમાં વરંડા જેવી અર્ધખુલ્લી જગ્યાઓ વધારે મહત્વની બનતી હશે. ઠંડા પ્રદેશમાં મકાનમાં ઠંડીનો પ્રવેશ થતો રોકવા ઉષ્ણતા મંદવાહક સામગ્રીમાંથી દીવાલો તથા છત બનાવવા છે અને બારી બારણા પણ પ્રમાણમાં નાના રખાશે. અહીં ક્યાંક દિવસના સમયે સુરજના પ્રકાશમાંથી મળતી ગરમીને મકાનની અંદર પ્રવેશવા દઈ તેને મકાનની અંદર રોકી રાખવાનો પ્રયત્ન થશે. અતિ વરસાદવાળા વિસ્તારમાં ઢળતા છાપરા સાથે થોડા વિસ્તૃત બારી-બારણા જાેવા મળશે અને મકાનને જમીન પરના વરસાદના પાણીથી પ્રવાહથી પણ બચાવવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution