દિલ્હી-
બિહારમાં આજે વહેલી સવારથી પોલીસ તંત્ર દ્વારા રાજ્યની વિવિધ જેલોમાં એક સાથે દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. પટણામાં રાજ્યની સૌથી મોટી જેલ બેઉર જેલમાં દરોડાનો દોર ચાલી રહ્યો છે. બેઉર જેલનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને ત્યારબાદ દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વહેલી સવારે પાંચ વાગ્યાથી જ બિહારના પૂર્ણિયામાં દરોડા ચાલી રહ્યા છે. આ દરોડા અભિયાનમાં અનેક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે. દરમિયાન જેલના તમામ વોર્ડની તપાસ ચાલી રહી છે. જ્યાં જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં નવાદા, કટિહાર સહિતનાનો સમાવેશ થાય છે અને અહીં બારીકાઈથી તલાશી અભિયાન શરૂ કરાઈ છે. દરોડા દરમિયાન જેલમાં મોબાઈલ ફોન, ચાર્જર, પેન ડ્રાઈવ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.