સુરતના બેગમપુરામાં જુગારધામ પર દરોડા,99 જુગારી પકડાયા

સુરત-

કોરોના કહેર વચ્ચે શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડામાં 99 જુગારી ઝડપાયા છે. સ્થાનિક સ્તરે કુખ્યાત આસિફ ગાંડાના જુગારધામ પરના આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. સ્ટેટની ટીમે દરોડા પાડ્યા બાદ સ્થાનિક લોકો સાથે ઘર્ષણના પગલે કંટ્રોલરૂમમાં જાણ કરી વધુ ફોર્સ બોલાવાઈ હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આસિફ ગાંડાનું જુગારધામ શટર બંધ કરીને ચાલતું હતું. જેથી સૌ પ્રથમ સ્ટેટની ટીમે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની રેડની જાણ થતાં જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં જુગારીઓને જાેતા અને સેન્સિટિવ વિસ્તાર હોવાથી સ્ટેટની ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ માંગી હતી. સ્થાનિક પોલીસ આવતાં તમામ જુગારીઓને ઝડપી લેવાયાં હતાં.

આસિફ ગાંડાનું બેગમપુરા વિસ્તારમાં આવેલું બે માળનું એરકન્ડિશન્ડ જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ દરમિયાન બન્ને માળમાં આરોપીઓને જુગાર રમતાં રંગેહાથ પકડી લીધાં છે. આરોપીઓ હારજીતનો જુગાર રમતા હોવાથી પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યુ છે ત્યારે આસિફ ગાંડાના એર કન્ડિશન વાળા જુગારધામ પર મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા આવતાં હોવાનું સામે આવ્યું છે.જુગારીઓમાં કોરોનાનો જરા પણ ડર ન હોય તે રીતે મોટી સંખ્યામાં બન્ને માળ પર જુગાર રમતાં રેડમાં ઝડપાયાં છે.

આસિફ ગાંડાના જુગારધામમાં પોલીસે રેડ કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં આ જુગારધામ કોઈન વડે રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ કલરના કોઈન, રોકડ રકમ,મોબાઈલ ફોન જુગાર રમવા માટેની કેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution