દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંઘની તુલના પાકિસ્તાનમાં આતંકીઓને તૈયાર કરતા મદરેસાઓ સાથે કરી નાંખી છે. પીએમ મોદી પર અવાર નવાર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ આજે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરએસએસ પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, આરએસએસ દ્વારા પોતાના સ્કૂલો થકી હુમલો કરાઈ રહ્યો છે. જે રીતે પાકિસ્તાન કટ્ટરપંથીઓ માટે મદરેસાઓનો ઉપયોગ કરે છે તે રીતે આરએસએસ પોતાની સ્કૂલોમાં એક વિશેષ પ્રકારની દુનિયા ભણનારા વિદ્યાર્થીઓને બતાવે છે.
કોઈ પૂછતુ નથી કે આરએસએસને આ પૈસા ક્યાંથી મળે છે. સેંકડો હજારો સ્કૂલો ચલાવવા માટે આ પૈસા ક્યાંથી આવે છે તે કોઈ પૂછતો નથી. આરએસએસ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કબ્જાે કરવામાં આવી રહ્યો છે. તેમના હાથમાંથી શિક્ષણ વ્યવસ્થા પાછી લેવી પડશે અને આ આસાન કામ નથી. આપણે એક લાંબી ચાલનારી સમસ્યા સાથે મુકાબલો કરી રહ્યા છે.
જાેકે સોશિયલ મીડિયા પર ઘણાને આ નિવેદન ગમ્યુ નથી અને લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોને મારે વગર માંગે એક સલાહ આપવી છે કે પપ્પુજીને તમે પોલિટિકલ પ્લે સ્કૂલમાં મોકલી આપો. જ્યાં તેમને દેશની સાચી હકીકત ખબર પડે. જાે પ્લે સ્કૂલમાં જગ્યા ના હોય તો સરસ્વતી શિશુ મંદિરમાં જતા રહે તો ત્યાં તેમને ખબર પડશે કે શું ભણાવવામાં આવી રહ્યુ છે.