રાહુલ ગાંધીને એક સાંધો ત્યાં તેર તૂટે એવી હાલત થઇ છે. ૨૦૧૪માં તેમણે પોતાના પરિવારની પરંપરાગત લોકસભા બેઠક અમેઠીથી સ્મૃતિ ઈરાનીને થોડી આરામદાયક લીડથી હરાવ્યા હતા. હારવા છતાં સ્મૃતિ ઈરાનીએ અમેઠી ન છોડ્યું અને આ બાબતની સારી છાપ અમેઠીના મતદારો પર પડી અને એ જ અમેઠીની જનતાએ રાહુલ ગાંધીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હરાવ્યા.
જાે કે કદાચ આ હારની ગંધ પહેલેથી જ આવી ગઈ હતી એટલે રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી પણ ઉમેદવારી પત્ર ભર્યું અને ત્યાંથી તેઓ જીતી ગયા. પરંતુ, પાંચ વર્ષમાં વાયનાડમાં પણ પરિસ્થિતિઓ બદલાઈ છે. આપણે આ કોલમમાં વારંવાર ચર્ચા કરી છે કે ઈન્ડી એલાયન્સ અંદરોઅંદરના ઝઘડાથી ત્રસ્ત છે અને વાયનાડ બેઠક પણ તેનું ઉદાહરણ છે.
આમ તો ભાજપને (વાંચો મોદીને) કોઇપણ ભોગે હરાવવા ભાતભાતના રાજકીય પક્ષોએ ભેગા થઈને ઈન્ડી એલાયન્સ બનાવ્યું હતું, પરંતુ કોઇપણ પક્ષ પોતાની મજબૂત ભૂમિ છોડવા તૈયાર ન થયો અને તેને કારણે તેઓ અંદરોઅંદર જ ચૂંટણી લડી રહ્યા છે અને એમાં પણ વાયનાડની સ્પર્ધા તો અનોખી છે.
વાયનાડમાં રાહુલ ગાંધી સામે ભાજપે કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રનને ઉભા રાખ્યા છે જે રાહુલને સારી એવી સ્પર્ધા આપી શકે તેમ છે. પરંતુ જે ઉમેદવાર રસપ્રદ છે તેમનું નામ છે એન્ની રાજા. આ એન્ની રાજા એ ઈન્ડી એલાયન્સના જ એક ભાગ એવા કમ્યુનિસ્ટ પક્ષના જનરલ સેક્રેટરી ડી. રાજાના પત્ની છે. ડી. રાજાને આપણે મનમોહન સિંહ સરકારના પહેલા હિસ્સામાં ઘણી વખત ટીવી પર જાેયા અને સાંભળ્યા છે.એન્ની રાજાનું કદ જાેતાં તેમને બિલકુલ નબળા ઉમેદવાર તો ન જ ગણી શકાય. વળી, હાલમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેરમાં ઘણી વખત રાહુલ ગાંધીની આકરામાં આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલે વાયનાડ કોઇપણ રીતે રાહુલ ગાંધી માટે સુરક્ષિત નથી એ સ્પષ્ટ છે.
હવે વિચાર કરીએ કે પોતાના જ સાથીદાર સામે લડવાનું હોય અને એ પણ જેવા તેવા ઉમેદવાર નહીં પરંતુ મજબૂત ઉમેદવાર તો પછી વાયનાડમાં રાહુલ ગાંધીની હાલત શું થઇ શકે છે? એટલે જે રીતે સ્મૃતિ ઈરાનીની મજબૂત ઉમેદવારીને જાેઇને ૨૦૧૯માં રાહુલ પોતાનું લોકસભાનું સભ્યપદ સુરક્ષિત કરવા માટે વાયનાડ આવ્યા હતા એ જ રીતે હવે તેઓ રાયબરેલી પહોંચ્યા છે.અમેઠીમાં જાે સ્મૃતિ ઈરાની સંસદ સભ્ય ન હોવા છતાં પાંચ વર્ષ કામ કરીને ચૂંટણી જીતી જતા હોય તો પછી સંસદ સભ્ય બન્યા પછી તો એમણે એમની સ્થિતિ મજબૂત કરી જ હોય ને? એટલે રાહુલ ગાંધીએ કદાચ વાયનાડમાં જાે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તો અમેઠીનું રિસ્ક લેવા કરતાં રાયબરેલીમાં સુરક્ષિત થઇ જવું કદાચ વધુ પસંદ કર્યું હોય એવું લાગે છે.
રાયબરેલીની ગત બે ચૂંટણીઓની વાત કરીએ તો ૨૦૧૪ અને ૨૦૧૯માં રાહુલ ગાંધીના મમ્મી સોનિયા ગાંધીએ બહુ મોટી લીડથી જીત મેળવી હતી. ૨૦૧૪માં સોનિયા ગાંધીએ કુલ મતોના ૬૩.૮૦% મત મેળવ્યા હતા, જ્યારે ૨૦૧૯માં આ ટકાવારી ઘટીને ૫૫.૮૦% જરૂર થઇ હતી પરંતુ અડધોઅડધ મતદારોથી વધુએ સોનિયા ગાંધીને મત જરૂર આપ્યા હતા. આથી, અત્યારે તો એવું લાગે છે કે રાયબરેલી એ રાહુલ ગાંધી માટે અત્યંત સુરક્ષિત બેઠક છે. આ લખાય છે ત્યાં સુધી રાહુલ ગાંધીએ અહિંથી ફોર્મ ભરી દીધું છે. ભાજપે આ બેઠક પર દિનેશ પ્રતાપ સિંઘને ટીકીટ આપી છે. દિનેશ પ્રતાપ સિંઘ એ જ વ્યક્તિ છે જેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીની લીડની ટકાવારી લગભગ ૮ ટકા જેટલી ઘટાડી દીધી હતી.
પરંતુ, જાે ભાજપ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલીને કોઈ લોકપ્રિય ચહેરો રાહુલ ગાંધી સામે ઉભો કરી દે તો કદાચ રાહુલ ગાંધીને અહીં પણ તકલીફ પડી શકે છે. ચાલો, દિનેશ પ્રતાપ સિંઘ જ રાહુલ સામે ચૂંટણી લડશે એમ માની લઈએ અને કોંગ્રેસની લીડ હજી વધુ ઘટે તો પણ રાહુલ ગાંધીને તકલીફ પડી શકે છે. કારણકે સોનિયા ગાંધીની જે લીડ પાંચ વર્ષમાં ૮ ટકા જેટલી ઘટી ગઈ હતી તે વધુ ટકાવારી સાથે ઘટે તો દિનેશ પ્રતાપ સિંઘના જીતવાના ચાન્સીઝ વધી પણ જાય. જાે આવું થશે અને રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠકો પરથી ભલેને પાતળી લઘુમતીથી હારે તો પણ તેમના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી જશે. હા, જાે આમ થાય તો કદાચ દૂરના ભવિષ્યમાં કર્ણાટક કે કોંગ્રેસના શાસિત કોઈ અન્ય રાજ્યમાંથી રાહુલ ગાંધીને રાજ્યસભામાં મોકલી દેવાશે પરંતુ બે-બે ભારત જાેડો યાત્રા કરવા છતાં પણ રાહુલ ગાંધી ભારતીય જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે એ જરૂર સાબિત થઇ જશે.
રાહુલ ગાંધીને જરૂર છે કે તેઓ હવે રાયબરેલીમાં જબરદસ્ત પ્રચાર કરે. વાયનાડનું તેમનું ભવિષ્ય તો ઈફસ્માં સીલ થઇ ગયું છે એટલે હવે ત્યાં તો જે થવાનું હશે એ થઈને જ રહેશે. જાે પોતાની જાતને સુરક્ષિત માનીને રાહુલ ગાંધી રાયબરેલી આવ્યા હોય તો તેમણે કોઇપણ ભોગે આ બેઠક જીતવી જ રહી કારણકે તો જ તેઓ આવનારા પાંચ વર્ષ માટે ભારતીય રાજકારણમાં પ્રસ્તુત રહેશે.