લેખકઃ હેમુ ભીખુ |
જીવનના કેટલાક સત્યને સમજવા માટે ભસ્મ એટલે કે “રાખ”નું પ્રતીક બહુ અગત્યનું ગણાય છે. રાખમાં રૂપાંતરણ એટલે કે જીવનના આ સ્વરૂપનો અંત. રાખ એ જિંદગીનું અંતિમ સત્ય છે. જિંદગીમાં અનેક અનિશ્ચિતતાઓ ભરેલી હોય છે, પણ અંતે રાખના સ્વરૂપની પ્રાપ્તિ એ નિશ્ચિત બાબત છે. રાખ એ સ્થૂળ અસ્તિત્વને સતત ઉજાગર કરતું તત્વ છે. રાખ એ બાબત સ્પષ્ટ કરે છે કે આ દેહ તમારો નથી, તેના પરની તમારી માલિકી કાયમની નથી. એ તો અંતે રાખમાં રૂપાંતરિત થઈ વિશાળ રાખના સમૂહમાં ભળી જવાનો છે. જેની માવજત માટે, જેને શણગારવા, જેને ટકાવી રાખવા, જેને પંપાળવા, જેને માણવા અથવા જેના થકી માણવા ઘણા પ્રયત્નો થાય છે,તે શરીર તો અંતે રાખ બની જવાનું છે. શરીર દ્વારા જાે રમત રમાતી હોય, અને શરીર માટે જાે રમત રમાતી હોય, તો બંને સ્થિતિમાં શરીર રમકડાં સમાન છે. આ રમકડાં રાખનાં બનેલા છે.
રાખ એ અગ્નિના પ્રભાવનું પરિણામ છે. અગ્નિને પાવક કહેવામાં આવે છે, તે બધાને શુદ્ધ કરે છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જે શેષ વધે તે રાખ. સુવર્ણને તપાવવામાં આવે તો એ શુદ્ધ થાય અને તેની અશુદ્ધિ બળીને, ભસ્મ થઈને રાખ બને. માનવીના અસ્તિત્વમાં આત્મા એ સુવર્ણ છે અને શરીર તે અશુદ્ધિ છે. અહીં ફેર એટલો કે જ્યારે શરીર અગ્નિને સુપ્રત કરવામાં આવે છે ત્યારે તેમાંથી આત્માએ વિદાય લઈ લીધી હોય છે. સુવર્ણની બાબતમાં તેમ નથી. સુવર્ણ અગ્નિને સુપ્રત કરવામાં આવે ત્યારે સુવર્ણ અને અશુદ્ધિ બંનેનું સહ-અસ્તિત્વ સાબૂત હોય છે. તેથી રાખમાં રૂપાંતર સુવર્ણ માટે શુદ્ધિની પ્રક્રિયા છે જ્યારે માનવી માટે હવે અર્થવિહીન બની રહેલ શરીરની તેના એક અગત્યના મૂળ તત્વ સાથે ભળી જવાની પ્રક્રિયા છે.
રાખ એ ભૂમિ તત્વનું એક સ્વરૂપ છે. દરેક જડ પદાર્થ અંતે તો રાખમાં જ પરિણામે છે. દરેક વૃક્ષ, દરેક પશુ, દરેક માનવી, દરેક ખનીજ અંતે રાખમાં રૂપાંતરિત થાય છે. અમુક બાબત માટે અમુક લોકોને શંકા થઈ શકે, પરંતુ જ્યારે મહાન અગ્નિ થકી પૃથ્વીનો પ્રલય થાય ત્યારે સ્વયં પૃથ્વી પણ રાખનો વિશાળ ગોળો બની વાતાવરણમાં છિન્નભિન્ન થઈ જશે.રાખ એ અહીં માટીનો વિકલ્પ છે. આમ તો એમ કહેવાય છે કે સંસાર માટીના રમકડાંંઓથી ભરેલો છે. સૃષ્ટિની રચનામાં જે પાંચ તત્વોની વાત થઈ છે તેમાં ભૂમિનો - માટીનો સમાવેશ કરાયો છે. રાખનો પણ અહીં તે જ રીતે સંદર્ભ લેવાયો છે. રાખ એ ચોક્કસપણે માટીની પ્રતીતિ કરાવતું તત્વ છે. રમકડાં ભલે માટીના બને પણ તે તો અંતે રાખ બનવાના છે. આ રાખ જ અન્ય સમીકરણોથી અન્ય તત્વો સાથે જાેડાઈને અન્ય રમકડાંનું સર્જન કરે છે. સૃષ્ટિની સર્જનમાં જે પાંચ મહાભૂતો સ્થાપિત થયા છે તેમાં ભૂમિ તત્વ સૌથી છેલ્લે અસ્તિત્વમાં આવ્યું એમ કહેવાય છે. તે સિદ્ધાંત પ્રમાણે, જ્યારે વળતો પ્રવાસ ચાલુ થાય ત્યારે સૌથી પહેલો લય પૃથ્વી - ભૂમિ તત્વનો થાય.
બાળક હોય કે વૃદ્ધ, બધાને રમત રમવી ગમે અને આ રમત માટે “રમકડું” હોવું જરૂરી છે. બાળક માટે રમકડું રમકડું હોય છે જ્યારે વયસ્ક કે વૃદ્ધ માટે માનવી રમકડાં બની જાય છે. સમાજનો વ્યવહાર જાેતા સમજાશે કે માનવીના શરીરની સાથે રમત તો રમાતી જ હોય છે, પણ સાથે સાથે તેની લાગણીઓ, તેની સંવેદનશીલતા, તેની ઓળખ, તેની ક્ષમતા, તેની સ્વીકૃતિ, તેના સપના, તેના પુરુષાર્થ, તેની લાયકાત, તેના વર્તમાન તેમજ તેના ભવિષ્ય સાથે પણ રમત રમાતી હોય. માનવીને રમત રમવી ગમે છે અને આ રમતમાં તે નીતનવા પડકારો ઝીલવા તૈયાર હોય છે, તેને નીતનવી સંભાવનાઓ જાેઈતી હોય છે, અને માનવીને રમકડું ગણી તેની સાથે રમત રમવામાં આ બધું સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. અહીં રમતનો પ્રકાર પણ તે નક્કી કરી શકે, રમતના નિયમો પણ તે નિર્ધારિત કરી શકે અને પરિણામે તેની જીતવાની સંભાવનાઓ પણ વધી જાય. માનવી રમતવીર છે અને “જીવતા રમકડાં” સાથે રમવાની તેને સૌથી વધારે મજા આવે છે. રાખના રમકડાંનું આ અનિચ્છનીય સત્ય છે. રમકડાંનો નાશ થતો જ રહે છે અને નવા રમકડાં સર્જાતા જાય છે. પરંતુ આ બધા પાછળ રહેલા આત્મા તો જેમનો તેમ નિર્વિકાર, નિર્લેપ અને માત્ર સાક્ષીભાવે હાજર રહે છે. વિનાશ રમકડાંનો થાય છે, આત્માનો નહીં. નાશવંત તેનું સ્વરૂપ બદલે છે, જે અવિનાશી છે તેનું સ્વરૂપ બદલાતું નથી કે નથી તે તો કોઈપણ રમતમાં ભાગીદાર થતા. જે સ્તરે રમત રમાતી હોય છે, જેના દ્વારા રમત રમાતી હોય છે, જે સંગતમાં રમત રમાતી, જે હેતુથી રમત રમાતી હોય છે તે બધું જ, આજે નહીં તો કાલે, રાખમાં પરિણમે છે.
રાખ એ ચિતા-દહન પછી વધેલી સામગ્રી છે. માનવી મૃત્યુ પામે ત્યારે તેના જીવનમાં ઉભરેલા સમીકરણોને આધારે - રહી ગયેલી કે નવી જન્મેલી વાસનાને આધારે - કર્મના સિદ્ધાંત પ્રમાણે સ્થાપિત થયેલ ભોગવટાના આધારે, તેનો નવો જન્મ નક્કી થાય છે - નવા રમકડાંની રૂપરેખા તૈયાર થાય છે. મજાની વાત એ છે કે અન્યને રમનાર માનવી કોઈ અન્ય માટે રમકડું પણ હોય છે. એક પરિસ્થિતિમાં તે રમતવીર બની જાય છે તો અન્ય પરિસ્થિતિમાં તે રમકડું બની રહે છે. જ્યાં સુધી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી આ રાખનાં રમકડાં અરસપરસ રમતાં જ રહેશે.
રાખ બહુ માર્મિક છે. તે બળી ગયેલા પદાર્થનો અવશેષ છે. એક રીતે તે નાશ થવાની નિશાની છે. તે નાશ પામેલ પ્રકૃતિનું પ્રતિક છે. તે કોઈપણ પ્રકારની વિવિધતા વિનાનો એકરસ પદાર્થ છે. અહીં બધું જ સમાન છે. અહીં કોઈ કણને કે કોઈ પરિસ્થિતિને વધુ મહત્વ નથી મળતું. આ આકાર વિનાનું અસ્તિત્વ છે જેનો રંગ પણ એક સમાન છે - નથી તેમાં શ્વેતની ચમક કે નથી શ્યામની નિરાશા. રંગના આલેખનમાં રાખ તટસ્થ છે. તેનો આકાર ન હોવાથી તેનું પ્રમાણ માપ પણ નથી હોતો. સમય જતાં તેની ગંધમાં તેના મૂળ તત્વની ખુશ્બુ પણ નથી રહેતી. રાખ તટસ્થ છે, નિષ્પક્ષ છે. રાખમાં કોઈ વિકારની સંભાવના પણ નથી હોતી. રાખ એ અદ્ભુત તત્વ છે જે પ્રતીકાત્મક રીતે નિર્લેપતા સાથે સૃષ્ટિની ક્ષણભંગુરતા વ્યક્ત કરે છે. અને તેથી જ તે રાખ શિવજીનું આભૂષણ છે.