તો આપણે સનાતન ધર્મના છ વૈદિક દર્શનોની યાત્રા ગયા લેખથી શરૂ કરી. વેદોના સમાપન બાદ ઋષિઓ દ્વારા વૈદિક દર્શન લખવાનું કાર્ય શરૂ થયું. દરેક દર્શન વેદ સાર રૂપે શું જ્ઞાન અને ઉપદેશ આપે છે તે અલગ અલગ દૃષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરતું હતું. એમાં સૌથી પ્રાચીન દર્શન મનાય છે સાંખ્ય દર્શન, જેને આપણે ગયા લેખમાં પાયારૂપ વિગતો સાથે જાણ્યું. આજે એના કેન્દ્રમાં પ્રવેશ કરી એના મૂળ દૃષ્ટિકોણને ઊંડાણથી જાણીએ.
તો, સાંખ્ય દર્શનમાં સૃષ્ટિ કુલ ૨૫ પદાર્થોથી બનેલી કહેવામાં આવી છે. એમાંથી બે પદાર્થ આપણે ગયા લેખમાં જાણ્યા; એક પ્રકૃતિ અને બીજાે પુરુષ. આ ૨૫ પદાર્થોનું વર્ગીકરણ ચાર ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રકૃતિ, બીજું વિકૃતિ, ત્રીજું જે પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે, અને ચોથું કે જે પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. પ્રકૃતિ આપણે જાણીએ છીએ. ચોથું કે જે પ્રકૃતિ પણ નથી અને પુરુષ પણ નથી એ પુરુષ છે.
- વિકૃતિઃ પુરુષ જ્યારે પ્રકૃતિમાં પ્રવેશ કરી તેના પર પ્રકાશ પાડે છે, ત્યારે પ્રકૃતિમાં સોળ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. સોળ વિકૃતિઓ છે; પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કમેર્ન્દિ્રય અને એક મન (અથવા બુદ્ધિ). પાંચ મહાભૂતમાં આવે છે ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પાંચ જ્ઞાનેન્દ્રિયમાં આવે છે નાક, જીભ, આંખ, ચામડી અને કાન. તે પંચમહાભૂતોમાંથી આવતી વિવિધ સંવેદનાઓને મન અથવા બુધ્ધિ સુધી પહોંચાડે છે. પાંચ કમેર્ન્દિ્રયમાં આવે છે મળ-મૂત્રનું ઉત્સર્જન, પ્રજનન, પ્રચલન ( ચાલવું), હાથથી પકડવું અને બોલવું. તે મન કે બુદ્ધિ દ્વારા નિર્ધારિત કાર્યને ક્રિયાન્વિત કરે છે.
આ સિવાય સાત વસ્તુઓ છે જે પ્રકૃતિ પણ છે અને વિકૃતિ. પાંચ તન્માત્રાઓ, એક મહત અને એક અહંકાર. તન્માત્રાઓ એટલે પંચ મહાભૂતોમાંથી આવતી ગંધ, સ્વાદ, દ્રશ્ય, સ્પર્શ અને ધ્વનિ જેવી સંવેદનાઓ. મહત એટલે પુરુષ દ્વારા પ્રકૃતિનું ભેદન કરવાથી સંસારના નિર્માણનું જે પહેલું બીજ બહાર નીકળે તે. અને અહંકાર એટલે ત્રણ ગુણોયુક્ત ઓળખ.
પુરુષ દ્વારા પ્રકૃતિ પર પ્રકાશ પાડવાથી સૌથી પહેલાં આ સાત વસ્તુ પેદા થાય છે, પછી સોળ વિકૃતિઓ. આમ, પુરુષ, પ્રકૃતિ, સોળ વિકૃતિઓ અને સાત પ્રકૃતિ વિકૃતિ એમ બંને પ્રકારના પદાર્થ - એમ પચ્ચીસ પદાર્થોથી સાંખ્ય સૃષ્ટિને સમજાવે છે.
સૃષ્ટિનું સ્વરૂપઃ
પુરુષ જ્યારે પ્રકૃતિ પર પ્રકાશ પાડે છે ત્યારે સૌથી પહેલા મહત તત્વ ઉત્પન્ન થાય છે. આ મહત એ સૃષ્ટીનું સૌથી પહેલું અને મૂળભૂત તત્વ છે જેમાં પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. ત્યાંથી બધું શરૂ થાય છે. વેદોમાં તેને હિરણ્યગર્ભ કહેવામાં આવ્યું છે, એ આદિ ગર્ભ જેમાંથી બધું ઉત્પન્ન થાય છે. મહત તત્વને જાેઈને પુરુષની ઉત્સુકતા વધે છે, કારણકે પુરુષ અને પ્રકૃતિના મિલનથી તૈયાર થયેલો એ હિરણ્યગર્ભ અસીમિત સર્જનની સંભાવનાઓથી ભરેલો દેખાય છે. આથી પુરુષ પ્રકૃતિમાં હજુ વધારે પ્રવેશ કરી, હજુ વધારે પ્રકાશ નાંખી મહતનું ભેદન કરે છે, અને તેનાથી ઉત્પન્ન થાય છે અહંકાર. આ અહંકાર પ્રકૃતિના ત્રણેય ગુણોની ઓળખ ઊભી કરે છે. બીજા શબ્દોમાં પ્રકૃતિમાં જડ બનીને રહેલા ત્રણ ગુણો અહંકારરૂપે વ્યક્ત થાય છે. આથી અહંકારના પણ ત્રણ પ્રકાર પડે છે. તમસ અહંકાર, રજસ અહંકાર અને સત્વ અહંકાર. પુરુષ આ અહંકારને જાણવા માટે હજુ વધારે પ્રકાશ નાખે છે, અને તેનું ભેદન કરે છે. આમ, પુરુષ પોતાના પ્રકાશને પ્રકૃતિમાં તીવ્ર બનાવતો જાય છે, અને તેનું ભેદન કરતો કરતો મહત તત્વની પરતો ખોલતો જાય છે.
સૌ પ્રથમ સત્વ અહંકારનું ભેદન થઈને એક એવી વસ્તુ ઉત્પન્ન થાય છે જે પ્રકૃતિનું જ્ઞાન પુરુષ સુધી પહોંચાડી શકે. તે હોય છે મન. પુરુષ હજી વધુ પ્રકાશ નાંખી ભેદન કરતાં રજસ અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કમેર્ન્દિ્રયો ઉત્પન્ન થાય છે. આ રીતે દસ ઇન્દ્રિયો રૂપે મનના સાધનો ઉત્પન્ન થાય છે જેના દ્વારા મન પ્રકૃતિનું જ્ઞાન અર્જિત કરે છે. હજી વધુ પુરુષનો પ્રકાશ ઊંડો ઉતરતાં તમસ અહંકારનું ભેદન થાય છે અને તેમાંથી તન્માત્રાઓ રૂપે આ ઇન્દ્રિયોના વિષય ઉત્પન્ન થાય છે. આ તન્માત્રાઓ હોય છે; રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને ધ્વનિ. હજુ વધુ ભેદન થતાં આ પાંચ તન્માત્રાઓ જે સૂક્ષ્મ વિષયો રૂપે હોય છે, તે સ્થૂળ સ્વરૂપ લઇ લે છે, અને બને છે પાંચ મહાભૂત. રૂપમાંથી અગ્નિ, રસમાંથી જળ, સ્પર્શમાંથી વાયુ, ધ્વનિમાંથી આકાશ અને ગંધમાંથી ધરતી કે જમીન. આ પંચમહાભૂત રૂપે તમસ અહંકાર સ્થાયી બની જાય છે, અને ત્યાં પુરુષ પોતાના પ્રકાશ વડે મહતનું ભેદન અટકાવી દે છે.
પણ અહીં સુધી આવતાં આવતાં પુરૂષ પ્રકૃતિના ત્રણ ગુણોથી રચાયેલી વસ્તુઓથી બંધાઈ ચૂક્યો હોય છે, ઘેરાઈ ચૂક્યો હોય છે. તેનો અરીસો હવે તેને પોતાનું મૂળ શુદ્ધ ચેતન સ્વરૂપ નથી દેખાડતો. તે હવે અરીસામાં શરીરની ઇન્દ્રિયો, અહંકાર અને પંચમહાભૂતથી બનેલી પ્રકૃતિને જ મન દ્વારા જુએ છે. તે તેનું સાચું સ્વરૂપ ભૂલી જાય છે. તે સીમિત બની જાય છે. આમ, પ્રકૃતિ પુરુષને પોતાના ભેદન વડે વિવિધ વસ્તુઓ ઉત્પન્ન કરીને દેખાડે છે, અને પુરુષને તેમાં વીંટાળી દે છે. પ્રકૃતિમાં અસીમિત ક્ષમતા હોય છે ફેલાવાની, પણ તે પોતે જાતે ફેલાઈ નથી શકતી, તેને પુરુષના પ્રકાશની જરૂર હોય છે. આથી તે ચાહે છે કે પુરુષ આવે અને તેનું ભેદન કરે, અને તેને વધુમાં વધુ જાણે. પણ પુરુષ પ્રકૃતિમાં ફસાય છે, અને ભૂલી જાય છે કે પોતે ફક્ત એક અનંત ચેતના છે. આ કારણે પુરુષ ત્રણ પ્રકારના દુઃખ ભોગવે છે. એક, આધિભૌતિક દુઃખ, અર્થાત્, શરીરની વ્યાધિ, અકસ્માત અને અન્ય શારીરિક પીડાનું દુઃખ. બીજું, આધિદૈવિક દુઃખ, અર્થાત્, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ભૂકંપ, મહામારી જેવા દૈવી પ્રકોપથી દુઃખ. અને ત્રીજું, આધ્યાત્મિક દુઃખ, અર્થાત્, સંસારમાં થતી હિંસક અને અન્યાયી ઘટનાઓના કારણે અન્ય જીવો અને મનુષ્યો પર દયા આવવાના કારણે થતું દુઃખ. સંસારમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર અને અનૈતિકતાથી અનુભવાતું દુઃખ.
આ ત્રણ પ્રકારના દુઃખ સતત ભોગવીને પુરુષ ત્રાહિમામ થઈ ઊઠે છે. હવે તેને પ્રકૃતિથી મુક્ત થઈ શાંતિ મેળવવી હોય છે, પણ તેનામાં સક્રિયતા હોતી નથી, એટલે તે જાણતો નથી કે આમાંથી કેવી રીતે છૂટવું? આ માટે સાંખ્ય દર્શનમાં એક આંધળા અને એક લંગડા વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે જે જંગલની આગમાં ફસાઈ ગયા છે. પુરુષ લંગડો છે, અને પ્રકૃતિ આંધળી. પુરુષ પ્રકૃતિને કહે છે કે 'ચારે બાજુ સંસારની આગનો તાપ છે, ચાલ અહીંથી ભાગ.’ પણ પ્રકૃતિ કહે છે કે 'કેવી રીતે ક્યાં ભાગું? મને તો ક્યાં જવાનું છે એ રસ્તો જ ખબર નથી. મને દેખાતું નથી.’ તો, પુરુષ પ્રકૃતિ પર આરૂઢ થઈ જાય છે અને પ્રકૃતિના સાધનોનો જ હાથ-પગ તરીકે ઉપયોગ કરી સંસારના તાપથી બહાર નીકળવાની કોશિશ કરે છે. પુરુષની આજ કોશિશને કહેવાયો છે અષ્ટાંગ યોગ, જેની સમજૂતી યોગ દર્શનમાં આવે છે. આમ, સાંખ્ય દર્શન અને યોગ દર્શન એકબીજાથી જાેડાયેલા દર્શન છે, સળંગ દર્શન છે. એટલે જ ગીતામાં કહેવાયું છે કે સાચો પંડિત કે જ્ઞાની એજ છે જે સાંખ્ય અને યોગને એક જુએ છે. સાંખ્ય સિદ્ધાંતની વાત કરે છે, અને એ સિદ્ધાંતને યોગમાં વ્યવહારમાં ઉતારવામાં આવ્યો છે. સાંખ્ય થિયરી છે, યોગ એજ થિયરીનું પ્રેક્ટિકલ છે.
Loading ...