ફતેગંજ પીઆઈ સહિત ૪ની શિક્ષાત્મક બદલી

વડોદરા, તા.૨૮ 

ભારે ચકચારી બનેલા ફતેગંજના કસ્ટોડિયલ ડેથ મનાતા મામલામાં પીઆઈ સહિત ચાર જવાનોની શિક્ષાત્મક બદલી કરવામાં આવી છે. પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયા બાદ ગુમ થયેલા શેખ બાબુના પુત્રે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપિયર્સ દાખલ કરી હતી, જેના પગલે ધમધમાટ તપાસ શરૂ થતાં પીઆઈ સહિત ચાર પોલીસ કમચારીઓની બદલીઓ કરવામાં આવી છે. તા.૭મી જુલાઈએ હાઈકોર્ટે શેખ બાબુના ગુમ થવા અંગે વડોદરા પોલીસ પાસે વિસ્તૃત અહેવાલ માગ્યો છે. ‘લોકસત્તા-જનસત્તા’ સમક્ષ ગુમ થયેલા શેખ બાબુના પુત્રે પરિવાર સહિત ચોંધાર આંસુઓ સાથે જણાવેલી હકીકત બાદ બહાર પડાયેલા સૌપ્રથમ અહેવાલના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. એસીપી કક્ષાની તપાસમાં કોઈ નક્કર પરિણામ નહીં આવતાં તેલગંણા રાજ્યથી શેખ પરિવાર લાકડાઉનના બે દિવસ અગાઉ શહેર પોલીસ કમિશનરને રૂબરૂ મળવા આવ્યા હતા અને ૧૦મી ડિસેમ્બર, ૨૦૧૯થી ગુમ થયેલા શેખ બાબુની વિગતો વર્ણવી હતી. બાદમાં શેખ પરિવારે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપિયર્સ દાખલ કરી હતી.

શહેરના ફતેગંજ પોલીસ મથકે પૂછપરછ બાદ ગુમ થયેલા શેખ બાબુના પરિવારજનોએ હાઈકોર્ટમાં દાખલ કરેલી હેબિયર્સ કોપિયર્સની વડીઅદાલતે ગંભીર નોંધ લઈ આગામી તા.૭ જુલાઈએ પોલીસ મથકમાંથી જ ગુમ થયેલી વ્યક્તિને હાજર કરવા અને ૧૦મી ડિસેમ્બરથી ૩૧ માર્ચ સુધીના સીસીટીવી ફુટેજ તેમજ અત્યાર સુધીની થયેલી દરેક તબક્કાની તપાસ-નિવેદનો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની સૂચના આપી છે. જેના પગલે શેખ પરિવારને હવે ન્યાયની આશા ઊભી થઈ છે. બીજી તરફ ફતેગંજ પોલીસની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, આ મામલે હત્યાનો ગુનો પણ નોંધાઈ શકે એમ હોવાનું જાણકારોનું માનવું છે. તેલંગાણાના રહેશી બાબુ શેખ નિશાર અમદાવાદ ખાતે રહેતા હતા અને વડોદરા ટ્રેન મારફતે આવી સાઈકલ ઉપર ફેરી ફરતા હતા. ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ એસ.ટી. ડેપો પાસેથી ફતેગંજ પોલીસ મથકના ત્રણ ડી સ્ટાફ જવાનોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનોએ વારંવાર વડોદરા આવીને કરેલી તપાસ દરમિયાન ફતેગંજ પોલીસે એમને જણાવ્યું હતું કે, શેખ બાબુને પૂછપરછ માટે લાવ્યા હતા પરંતુ બાદમાં એમને છોડી દેવાયા હતા. પરંતુ એમનું નિવેદન લીધું કે નહીં, કયા ગુનામાં પૂછપરછ માટે લવાયા હતા એની વિગતો હજુ સુધી પરિવારજનોને અપાઈ નથી. પુત્ર સલીમે પિતા શેખ બાબુ સ્ટેશને ઉતરીને ડેપોની બાજુમાં આવેલી જગદીશ ફરસાણ ઉપર નાસતો કરતાં અને ત્યાંથી બે બાઈક પર આવેલા પોલીસ જવાનો એમને પૂછપરછ માટે લઈ જતાં સીસીટીવી ફુટેજ મેળવ્યા બાદ સયાજીગંજ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.  

અત્યાર સુધી એસીપી પરેશ ભેંસાણિયા, એસીપી સંદીપ ચૌધરી તેમજ ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ પણ આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં પીઆઈ બીપીએસઆઈ અને છ જવાનોના નિવેદનો લીધા હતા. પરંતુ તપાસ કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી. એસીપી એ ડિવિઝનના પાટીલે પણ આમાં તપાસ કરી હતી. જેમાં ફતેગંજ પોલીસની કામગીરી ઉપર શંકા જતાં સૌ પ્રથમ પીઆઈ ડી.બી.ગોહિલ અને પોલીસ કર્મચારી મહેશ, યોગેન્દ્ર અને રાજેશની બદલીઓ કરવામાં આવી છે. જ્યારે અન્ય સંડોવાયેલા મનાતા પીએસઆઈની અગાઉ બદલી થઈ ગઈ છે અને લાકડાઉન દરમિયાન એક ડી સ્ટાફ જવાનની પણ જિલ્લા બહાર બદલી થઈ ચૂકી છે.

જાણકારોના જણાવ્યા મુજબ પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો કસ્ટોડિયલ ડેથથી પણ વધારે પોલીસ મથકમાં જ હત્યાનો લાગે છે. કારણ કે કસ્ટોડિયલ ડેથ તો જાહેર થઈ જાય છે અને એની ખાતાકીય તપાસ થયા બાદ પ્રમાણમાં ઓછી શિક્ષાત્મક કાર્યવાહી થાય છે. પરંતુ ગુમ થયેલા પરિવાર જા એમના પરિવારજનોની પોલીસ મથકમાં હત્યા જ થઈ હોવાનું જણાવી રહ્યા છે અને જા એ તપાસમાં ખૂલે તો ફતેગંજ પોલીસ મથકના પીઆઈ સહિત પીએસઆઈ અને પોલીસ જવાનો ઉપર હત્યાનો ગુનો પણ નોંધાઈ શકે છે. જેને લઈને પોલીસબેડામાં હાલ તો ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે.

હજુ વધુ બે પોલીસકર્મી સામે કાર્યવાહી થઈ શકે છે?

ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયેલા શેખ બાબુના પ્રકરણમાં પીઆઈ ડી.બી.ગોહિલની બદલી ટ્રાફિક શાખામાં કરાઈ છે, જ્યારે પોલીસ કર્મચારી મહેશ, યોગેશ અને રાજેશની બદલી હેડ ક્વાર્ટર ખાતે કરી દેવાઈ છે. સામાન્ય રીતે આવી બદલીઓને શિક્ષાત્મક બદલીઓ કહેવાય છે, જ્યારે સંડોવાયેલા મનાતા એક પીએસઆઈ રબારીની અગાઉ બદલી થઈ ચૂકી છે અને એક ડી સ્ટાફ જવાન લાકડાઉન દરમિયાન જિલ્લા બહાર બદલી કરાવવામાં સફળ રહ્યા છે. આ બંને સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution