ગાંધીનગર-
અહમદ પટેલની બેઠક માટે દિનેશ પ્રજાપતિ, અભય ભારદ્વાજના સ્થાને રામભાઈ મોકરિયાને રાજ્યસભામાં મોકલશે ભાજપ
રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે ભાજપ દ્વારા બે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દિનેશ પ્રજાપતિ - અનાવડિયા અને રામભાઈ મોકરિયાના નામનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં ગુજરાતના બે સાંસદોના અવસાન થતાં બે બેઠકો ખાલી પડી હતી. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા એવા અહમદ પટેલ અને ત્યારબાદ ભાજપના અભય ભારદ્વાજના કોરોનાની બિમારી બાદ સારવાર દરમિયાન તેમના નિધન થયા હતા. જેના કારણે રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ 1 માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આ બે બેઠકો માટે આગામી તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ દ્વારા આજે આ બે બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
અહમદ પટેલના સ્થાને દિનેશ પ્રજાપતિ અને અભય ભારદ્વાજના સ્થાને રામભાઈ આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જનસત્તાને જણાવ્યું હતું કે, રાજ્યસભાની બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા બે ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં અહમદ પટેલની ખાલી પડેલી બેઠક માટે પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ દિનેશ પ્રજાપતિ- અનાવડિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકની મુદત વર્ષ 2023 માં પૂર્ણ થશે. જ્યારે અભય ભારદ્વાજની ખાલી પડેલી જગ્યા માટે મારૂતિ કૂરિયર વાળા પોરબંદરના રામભાઈ મોકરિયાને ઉમેદવાર બનાવવા છે. રામભાઈ છેલ્લા કેટલાય સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે.