સુરત, રાંદેરમાં હિદાયત નગર પોલીસ ચોકી સામે જ ગાડી પાર્ક કરી દારૂનો નશો કરતા ઝડપાયેલા પીએસઆઇ પટેલને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે, પટેલની ગાડીમાં દારૂ ભરેલો ગ્લાસ અને વ્હીસ્કીની બોટલ પડી હોવાનો વિડીયો બન્યો અને વાયરલ થયો હોવા છતાં એ મામલે તેમની સામે ફોજદારી રાહે કોઇ કાર્યવાહી કરાઇ નથી, સામાન્ય પ્રજાના કાયદાનાં પાઠ ભણાવતી પોલીસ તેમના જ અધિકારીએ યુનિફોર્મમાં ચાલુ ફરજે કરેલા ગંભીર કૃત્યને છાવરવા આકાશ પાતાળ એક કરી રહી છે. રાંદેર પોલીસ સ્ટેશન તાબાની હિદાયત નગર પોલીસ ચોકીમાં છેલ્લા દોઢેક મહિનાથી પીએસઆઇ એ. એ. પટેલ ફરજ બજાવે છે. ૨૮મી માર્ચની રાતે પીએસઆઇ પટેલ તેમની આદત અનુસાર હિદાયત નગર પોલીસ ચોકીની બહાર જીજે ૦૨ સીએલ ૧૫૭૩ નંબરની લાલ રંગની મારુતિ બ્રિઝા ગાડીમાં બેઠા હતાં. આગળના કાચ પાસે પોલીસ લખેલું પાટિયું મૂકી કાર ચાલુ રાખી બેસેલા પટેલ છાંટોપાણી કરી રહ્યા હતાં. આ દરમિયાન ગાડી હટાવવા માટે તેમને સ્થાનિક રહેવાસીઓ સાથે માથાકૂટ થઇ હતી. આ વાત એટલી વધી કે ત્યાં ટોળું થઇ ગયું હતું. હોબાળો મચાવવા માંડેલા ટોળાએ ફોજદાર સાહેબને ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કરી દીધા હતાં. પટેલ ગાડીની બહાર પગ મૂકતાં જ લથડિયું ખાઈ ગયા હતાં. દરવાજો ખુલ્યો અને ટોળાએ ડોકિયું કર્યું તો કારમાં આગળની સીટ ઉપર દારૂ ભરેલો ગ્લાસ સાથે વ્હીસ્કીની બોટલ પણ દેખાય હતી. સાહેબ પોલીસ ચોકી સામે જ કારમાં બેસી દારૂ પી રહ્યાની વાત ફેલાઈ અને ટોળાને ફાવતું મળ્યું અને ભારે હોબાળો મચ્યો હતો. દરમિયાન કોઇકે કંટ્રોલમાં કોલ કરી દેતા રાંદેર પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી આવી હતી. દરમિયાન પીએસાઇ રિક્ષામાં બેસી ત્યાંથી નીકળી ગયા હતાં. તેઓ પોલીસ મથકે જાઉ છું એમ કહી નીકળ્યા હોય લોકો પોલીસ મથકે ગયા હતાં, ટોળાએ પીએસઆઇ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. દબાણ ઊભું થતાં રાંદેર પોલીસે ઘરભેગા થઇ ગયેલા ફોજદાર પટેલ બોલાવી નવી સિવિલ લઇ જઇ એમએલસી અને બ્લડ ટેસ્ટ કરાવવા પડ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આખી ઘટનાનો ઉપરી અધિકારીઓને રિપોર્ટ પણ કરાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઇ ઉપરી અધિકારીઓએ પીએસઆઇ પટેલને સસ્પેન્ડ કર્યા હતાં. જો કે, અધિકારીઓનું આ પગલુ વિવાદ ઠારવા માટેનું છે એવી ચર્ચા પણ ઉઠી છે. પટેલ યુનિફોર્મ પહેરી, પોલીસ ચોકીની સામે જ દારૂનો નશો કરે એ ખૂબ ગંભીર બાબત છે. પટેલની ગાડીમાં દારૂ ભરેલો ગ્લાસ અને વ્હીસ્કીની બોટલ હોવાનો વીડિયો વાયરલ થયો એટલે તેમણે ગેરકાયદે દારૂ સાથે રાખ્યાનું સાબિત થઇ જાય છે. આમ છતાં તેમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાઇ નથી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી ગુલબાંગો પોકારતાં અધિકારીઓ કાયદાના લીરેલીરા ઉડાવતાં તેમના અધિકારી સામે કાયદેસર કાર્યવાહી મુદ્દે પીછેહટ કરતાં જોવા મળી રહ્યા છે.