વડોદરા,તા.૧૩
વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વેરા માફીના પ્રશ્ને પક્ષના આદેશની વિરુદ્ધમાં શાસક પક્ષ ભાજપના ખોળામાં બેસી ગયેલા વિપક્ષી નેતાને આજ વેરા માફીના પ્રશ્ને આંદોલનમાં આગળ ધરીને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જાણેકે શિર્ષાસન કરાવ્યું હોય એવી સ્થિતિ ઉભી થવા પામી હતી.સમી સાંજે અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે યોજાયેલા કોંગ્રેસના ત્રણ વોર્ડના પ્રમુખોની હાજરીવાળા વિરોધ પ્રદર્શનમાં આ સ્થિતિને લઈને વિપક્ષી નેતાના ચહેરાનું નૂર ઉડી ગયેલું જોવા મળ્યું હતું. કોંગ્રેસે વેરા માફી સહિતના પ્રશ્નોને લઈને ઉઘાડી લૂંટ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ત્રણ વોર્ડના કાર્યકરોએ પ્લે બોર્ડ સાથે દેખાવો યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ જનમત મેળવવાને માટે હેલ્પલાઇન નંબર પર મિસ્સડ કોલ કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તથા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની હાજરીમાં વોર્ડ નંબર ૧૦,૧૧ અને ૧૨ માં વોર્ડ પ્રમુખ ચિરાગ ભાઈ શાહ, સુરેશભાઈ સાતીયા ઇન્ચાર્જ અશોકભાઈ ગુપ્તા દ્વારા કાૅંગ્રેસ કાર્યકરો સાથે કોરોના વાયરસની મહામારીમાં પ્રજાના મિલકતવેરાની માફી, લાઈટ બિલની માફી, સ્કૂલ અને કોલેજની ફી માફી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાની માંગને લઈને વિરોધ પ્રદશન કર્યું હતું. જેના અંતર્ગત ત્રણ ત્રણ વોર્ડની ટીમ બનાવી કોંગ્રેસના કાર્યકરોએ પ્રજાની વચ્ચે જઈને પ્રજા હિતમાં પ્રજાના પ્રશ્નો માટે સરકારની ઉઘાડી લૂંટના વિરોધમાં વિરોધ પ્રદશન કર્યું હતું. મહામારીના સમયમાં આર્થિક મોરચે લડી રહેલી જનતા પર અનેક પ્રકારના વેરા ટેક્સ અને ઉપરથી દુકાળમાં અધિક માસની જેમ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાના માથે ઠોકી દેતી અસંવેદનશીલ સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ જનતાની કમર તોડી રહી છે, આ આંદોલન આગામી દિવસોમાં પણ જારી રહેશે.તેમજ પ્રજાને જ્યાં સુધી ન્યાય મળશે નહિ ત્યાં સુધી કોંગ્રેસ તેઓની પડખે રહેશે એમ ઉમેર્યું હતું.