નિષ્ઠાને પ્રપોઝ

તે પછી લગભગ તરતના એક રવિવારે વહેલી સવારે મેં નિષ્ઠાને ગુડમોર્નિંગ સાથે મેસેજ કર્યો કે તે ક્યાં છે. એ નજીકનાં ગાર્ડનમાં થોડી કસરત કરવા ગઈ હતી.

આરતીના ઘરમાં, ખાસ તો એના પપ્પા દ્વારા જે વર્તન થયું અને આરતીની જે મારી ઉપરની પઝેસીવનેસ નિષ્ઠાને ઘેર બહાર આવી તે પછી હું વિચાર કરતો થઈ ગયેલો. જાે આ લાંબી, પાતળી કાયાવાળી દેવીવ માનતી હોય તો આરતી સાથે મિત્રતા રાખું અને તેને મદદ ચોક્કસ કરું, પણ જિંદગી નિષ્ઠા સાથે જાેડું.

કદાચ કાકાએ આપેલી ચેતવણી અને હવે અનુભવના કારણે હું માનવા લાગેલો કે આરતી સાથે કાયમી જીવન કપરાં નહીં, પણ અશક્ય ચઢાણ છે. પર્વત ચડી આસપાસની સુંદરતા થોડીવાર જાેવાય. ત્યાં ધ્વજ ખોડીને ફરકાવાય પણ ત્યાં રહી ન પડાય.

આરતી અત્યારથી જ મને સમર્પિત લાગે છે તો એને લગ્ન કરી પૂરેપૂરો પ્રેમ આપવા હું કૃતનિશ્ચયી હોત પણ હમણાં જે કાંઈ બન્યું એ પરથી લાગ્યું કે પછી બે ચાર વર્ષમાં મનમેળ ન થાય કે મારાથી આરતીને એની અપેક્ષા મુજબ ન સચવાય અને છૂટાછેડા થાય એ કરતાં ભલે એ મોડાં લગ્ન કરતી કે કુંવારી રહેતી. એને સુખી કરવાનો મેં ઠેકો હજી સુધી તો નથી લીધો.

હું જલ્દીથી એ ગાર્ડન ગયો. નિષ્ઠા એક લોનમાં એકલી કસરત કરતી હતી. તે સ્પોર્ટ્‌સ ડ્રેસમાં એકદમ સ્લિમ એન્ડ ટ્રીમ, સેક્સી લાગતી હતી. મેં એની સાથે થોડી યોગિક જાેગિંગ ક્રિયાઓ અને થોડું રનિંગ કર્યું. એક બાંકડા સામે બે ઈંટ રાખી બાંકડે પગ અને ઈંટ પર હાથ રાખી મેં પુશઅપ કર્યા. ઉભો થયો ત્યાં નિષ્ઠાએ જ મારા બાવડાંના મસલ્સ દબાવ્યા. 'યુ આર મેસ્ક્યુલાઈન એન્ડ સેક્સી. કુલ.’ તેણે કહ્યું. મેં થેન્ક્સ કહેતાં એને ગાર્ડનની બહાર જ્યુસ પીવા ઓફર મૂકી. એણે સામેથી કહ્યું કે તેને નીરો પીવો છે. અમે બહાર એક ટેબલે જાતજાતના રસ સાથે નીરો વેંચાતો હતો તે લઈ નિરાંતે ચુસ્કીઓ લેતાં એકબીજાના સૌંદર્યના પણ ઘૂંટ ભર્યા.

મેં મઝાક કરી કે ડ્રિન્ક બ્રિન્ક હોય તો તે લે ખરી? એ પહેલાં તો ખડખડાટ હસી પડી. પછી કહે કે એ ખૂબ ચુસ્ત છે. અમુક સમયે કાંદા કે લસણ પણ અડતી નથી.

મેં પૂછ્યું કે ગાર્ડનમાં રોજ આવે છે? તો જવાબ આપ્યો કે આ તો શનિવારે મોડે સુધી જાગેલી અને વહેલી ઉઠી ગઈ એટલે ફ્રેશ થવા આવી.

એને પણ એમસીએમાં ફર્સ્ટકલાસ લાવવાની ઈચ્છા છે. એ માટે ઘણી મહેનત કરે છે. આરતી સાથે ટચમાં રહેવાય એટલે કોલેજ ઉપરાંત એને વચ્ચેવચ્ચે મળે છે. બાકી હાલમાં બીજા બધા શોખ ભોંમાં ભંડારી દીધા છે.

મેં કહ્યું કે ચાલ, થોડો ટાઈમ ગાર્ડનમાં જ એક જગ્યાએ બેસીએ. સવાર ચડતી હતી તેમ કસરત માટે આવેલ લોકો પણ ઘટવા માંડેલા. અમે સામે કમળો ખીલ્યાં હતાં તે જાેતાં એક લતામંડપ સાથેની છત્રીમાં બાંકડો ગોતી બેઠાં. સાંજે આ જગ્યા પ્રેમી યુગલોથી ભરેલી રહેતી. ક્યાં જાય એ પ્રેમી પંખીડાઓ જ્યાં આરતીને ઘેર હતો તેવો દાબ હોય? સ્પ્રિંગને દબાવી રાખો તેમ વધુ ઉછળે.

અમે એકબીજા સામે મન ડોલાવતું સ્મિત કરતાં બેઠાં. નિષ્ઠા પગ ઝુલાવવા લાગી. ચુસ્ત સ્પોર્ટ્‌સ લેગીન્સમાં તેના પાતળા ઘાટીલા પગો ધ્યાન ચોંટાડી રાખે તેવા લાગતા હતા.

મેં વાત શરૂ કરી. 'તે દિવસે આરતીને મુકવા એને ઘેર તો ગયો પણ અપમાનિત થયો. એના પપ્પા બિલકુલ વિચિત્ર છે. એમનું વર્તન કોઈ પણ નમ્ર માણસને ગમે એવું નથી. એમની કટાક્ષો કરવાની સ્ટાઇલ પણ વીંધી નાખે તેવી છે. એની મમ્મી આમ તો બોલવામાં ભોળી છે પણ એ પણ સામાને ન ગમે એવું વર્તન વચ્ચે વચ્ચે કરી લે છે. એમ થયું કે કાં તો કોઈને બે લાફા મારી લઉં ને કાં તો ગાળ બોલી ભાગી જાઉં. આરતીએ વચ્ચે પડીને મારો પક્ષ લીધો એટલે મૂંગો રહ્યો. મને સખત ત્રાસ થયો એ અર્ધા કલાકમાં.’

'ફરી છેલ્લું વાક્ય બોલ.’ નિષ્ઠાએ કહ્યું. મને થયું કે મારાથી કાંઈ વધુ પડતું બોલાઈ ગયું? બને કે અંકલ, આંટીને એની ઉપર સોફ્ટ કોર્નર હોય. એની દીકરીની એક માત્ર બહેનપણી, બોડીગાર્ડ ખરી ને! મેં વાક્ય ફરી દોહરાવ્યું.

'મને સખત ત્રાસ થયો એ અર્ધા કલાકમાં.’

'મારૂં એ જ કહેવું છે. તને જે અર્ધા કલાકમાં ત્રાસ થઈ ગયો તો આરતીએ અર્ધો ભવ કેમ સહન કર્યો હશે?

નિષ્ઠા મારી નજીક સરકી. મેં એનો હાથ મારા હાથમાં લઈ પસવાર્યો. ઠંડો અને એકદમ કુણો હતો. યુવાન સ્ત્રીનો સ્પર્શ યુવાન પુરુષને લાગે તેવો. એણે હાથ હટાવ્યો નહીં પણ ઉલટી સાવ અડોઅડ સરકીને બેઠી.

'સાંભળ. વિનય, તે દિવસનાં આરતીના વર્તન પરથી એ દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું કે આરતી તને ખૂબ ચાહે છે. એટલું જ નહીં, તને કે એને ખબર પણ ન પડે એમ તને સમર્પિત થઈ ચૂકી છે. એની જિંદગીમાં તું પહેલો આવ્યો અને બીજાે કોઈ એના મનમાં આવશે પણ નહીં. એટલે મારી તો, તમારા બેયની એકદમ વેલવિશર તરીકે સલાહ છે કે તું આરતીને કહી દે કે તું પણ એને પ્રેમ કરે છે.’

'નિષ્ઠા, કરતો હતો. એક વાર મંદિરમાં એને લોકોથી બચાવી ત્યારથી એ મારામાં વસી ગઈ છે. પણ એક તો એના ઘરનાં લોકો સાથે મને તો શું, કોઈને પણ ન જામે. બીજું, એને માત્ર માતાજી આવે ત્યારે ધુણવાનું થાય છે એ જ તકલીફ હોય તો મને વાંધો નહતો. આ તો હીસ્ટેરિયાનાં લક્ષણો છે. એવાં કે ટેકલ કરવાં ભારે પડી જાય.’

'હું એની ઉપરના હક્કથી કહું છું વિનય, એને કોઈને નુકસાન કરે એવો હીસ્ટેરિયા નથી. કોઈને કશી વસ્તુ છુટ્ટી મારવી, ઘર છોડી કસમયે ભાગી જવું, કે કોઈને નુકસાન પહોંચાડવું એવાં લક્ષણો માનસિક રોગના અમુક દર્દીઓને થાય છે એવો એનો મનોરોગ નથી. એ બધું પોતાની ઉપર લઈ લે છે. જે પણ દુઃખ પડે એ. મારી સાથેના અને અમારા ક્લાસમાંના તેના વર્તાવ પરથી કહું છું કે તેને જે કાંઈ પણ છે એ કોઈ, ખાસ તો તું- પ્રેમ અને હૂંફ આપે એટલે જતું રહેશે. એને એના વર્તમાન દોઝખમાંથી છોડાવ. એ બધું જ એના અતિશય તણાવને કારણે ઉદ્‌ભવેલા મનોરોગનું કારણ છે.

‘યાદ રાખ, એ તને સુખી કરશે એટલું કોઈ પણ નહીં કરે.’

'તું પણ નહીં?’ મારાથી પૂછાઈ ગયું.

'આઈ એમ આઉટ ઓફ ક્વેશ્ચન. કોઈના અગાધ પ્રેમના છલોછલ તળાવમાં હું પથરો નાખી વમળ ઊભાં નહીં કરું. એ તારી થઈ જ ચુકી છે. એણે તને કહ્યું નહીં હોય પણ એ તને જ ચાહે છે. ખૂબ ખૂબ.’

'મારા સાઈકિયાટ્રીસ્ટ કાકા સામે એણે એ કબુલ કરેલું મેં કાનોકાન સાંભળ્યું છે. લેટ મી કન્ફેસ નિષ્ઠા, હું તો એને રીતસર પ્રપોઝ કરવાની રાહમાં જ હતો. ત્યાં તેને બીઆરટીએસ પર જે થયું એવું ક્યારેક સોલ્વ ન થાય એવો પ્રોબ્લેમ કરે એમ લાગ્યું. એ પછી તારે ઘેર થયું એમાં એની પઝેસીવનેસ બહાર આવી. એ વહેમી હોય અને કોઈ સ્ત્રી સાથે વાત કરું એ પણ સહન કરે એમ ન હોય, સાથે એનું કુટુંબ જે મને શું, કોઈને એડજસ્ટ થાય એવું નથી એ જાેયું. એટલે પાછો ફરવા હજી વિચાર કરું છું. તો નિષ્ઠા, તેં જ એકવાર કહેલું કે હું તને ગમું છું, તું મને પસંદ કરે છે. તો હું તેને સપોર્ટ કરવાનું વચન આપી તને મારી કરવા માગું છું.’

ઓચિંતું આ રીતે કોઈ છોકરીને પ્રપોઝ થઈ જશે એમ મેં ધાર્યું નહતું. મારા પગ ધ્રુજવા માંડ્યા. મારા હાર્ટબીટ્‌સ વધી ગયા, શ્વાસ થંભી જતો લાગ્યો ને મોં સુકાઈ ગયું.

'બ્રેવો. હું માનતી જ હતી કે તું પૂરો પારદર્શક છે. જે વિચારે એ સ્પષ્ટ કહી દે છે. જાે વિનય, મને તું ગમે છે પણ આરતીએ તને પોતાનો કરી લીધો છે. બીઆરટીએસમાં એણે બીજા મવાલીઓને ફટકાર્યા. એટલે એ પોતાનું રક્ષણ કરી શકે એવી છે. અભાનાવસ્થામાં પણ પોતાનાં શીલ પ્રત્યે જાગૃત રહે છે એ તેં એના જાેયેલા ત્રણે પ્રસંગો પરથી કહી શકીશ. ખરું? તું તો સિક્યોરિટીને બોલાવવા દોડેલો. માફ કર, સ્ત્રીને ઇનસિક્યોરિટી થાય ત્યારે સિક્યોરિટી એની સાથેનો પુરુષ જ હોય. કમ વ્હોટ મે. છતાં તેં ખોટું કર્યું એમ નથી કહેતી.’

‘પઝેસિવનેસ એટલે જ પોતાનું અને માત્ર પોતાનું લાગવું. બાળકનું ગમતું રમકડું લઈ લો તો એ નિરાશ થઈ જાય કેમ કે એને એ વસ્તુ પર પોતાની માલિકી લાગે છે. એ તારી માલિક એટલે તને બાંધી રાખે એવી નથી. તો તો અમારી ઓળખાણ તારી સાથે કરાવી ન હોત અને હું તને ફોન કે વોટ્‌સએપ કરું એ ચલાવ્યું ન હોત.’

‘એ દિવસે એ પિરિયડમાં હતી અને એને, તારા કાકાને પૂછી જાેજે, પિરિયડ સાથે આવતી આ તકલીફ શરીર,મનને કેવી પીડાકારક હોય. એ કઈ રીતે દૂર થાય? શિષ્ટ રીતે કહું તો લગ્નસુખ સાથે એ જતી રહે એમ સાંભળ્યું છે. તારો સમજભર્યો છતાં રોમેન્ટિક પ્રેમ એને સંતોષ આપવા પૂરતો છે એમ મને લાગે છે.’

‘એને તારે જ એ કુટુંબથી છોડાવવાની અને સુખી કરવાની છે. જે કારણે તને એની ઉપર અનુકંપા થઈ પ્રેમ ઉપજયો એ જ કારણે, મને પણ મૂળમાં એની પ્રત્યેની હમદર્દી, દયાને કારણે લાગણી થઈ છે. જાે, સાંભળ. તું બે ચાર વાર એની સાથે જેમ મારી સાથે સમય ગાળ્યો એમ ગાળી વાત કર. એ ના પાડે તો હું તૈયાર છું જ. બોલ, આ છે મારું તારી પ્રપોઝલનું એક્સેપ્ટ કરવું. હવે કાંઈ?’

હું નિરુત્તર રહ્યો. એની વાત સાચી હતી. એ સારી હતી કે એની ખાસ સખીને એની સમસ્યાઓમાં સળગતી મૂકી પોતે સુખના હિંચકે હિંચકવા માંગતી નહતી.

મારે શું કરવું? એણે તો એનો વિકલ્પ જાહેર કરી દીધો હતો. મારે હવે એને અનુસર્યા સિવાય છૂટકો નહતો.

મેં આરતી સાથે વધુ સમય ગાળી એને હજુ નજીકથી જાણવા નક્કી કર્યું. પણ એ દરમ્યાન ક્યાંક આ હાથમાંથી ચાલી ન જાય.

નહીં જાય. એ મારો હાથ પકડી ઉભી થઇ અને અમે હાથમાં હાથ રાખી ગાર્ડનની બહાર નીકળ્યાં ત્યારે દસેક વાગી ચૂકેલા. તડકો ચડી ગયેલો. એમાં નિષ્ઠાની ત્વચા સુવર્ણ જેવી ચમકતી હતી. મેં છુટા પડતાં એને બ્રેકફાસ્ટનું કહ્યું. એણે ઘેર ફોન કર્યો કે વિનય મળ્યો છે અને એની સાથે છે. હમણાં આવે છે. એણે વટથી ઇડલીનો ઓર્ડર અપાવડાવ્યો.

અમે નિરોની હળવી તાજગી બાદ ઈડલી સાંબારની સ્પાઈસી મઝા માણતાં, એકમેકનાં સ્પાઈસીપણાને જાેતાં, એનો સ્વાદ આંખોથી મમળાવતાં છૂટાં પડ્યાં.

ક્રમશઃ

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution