વડોદરા. તા. ૪
અહિંસા પરમો ધર્મનો સમાજને સંદેશો આપનાર ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે માંડવી-નજરબાગ ખાતેથી ધામધૂમપૂર્વક ભવ્ય શોભાયાત્રાનું આજે સવારે પ્રસ્થાન થયું હતું. જેમાં વેશભૂષા સજજ બાળકો, દાંડિયા રાસ રમતી મહિલાઓ સહિત ચાંદીના રથમાં બિરાજીત પ્રભુ શ્રી મહાવીરના દર્શન કરી ભાવિકો ધન્ય થયા હતા.
જૈનોના ૨૪માં તીર્થંકાર મહાવીર સ્વામીના ૨૬૨૧મા જન્મ કલ્યાણ મહોત્સવ પ્રસંગે આજે ચૈત્ર સુદ તેરસ મંગળવારે મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત વડોદરા શ્રી જૈન સંઘ દ્વારા સવારે ૮ વાગ્યાના સુમારે માંડવી નજરબાગથી પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. બેન્ડવાજાના તાલે ભક્તિ ગીતોની રમઝટ સહિત વિવિધ ભજન મંડળીઓ શોભાયાત્રામાં જાેડાઈ હતી. આ ઉપરાંત વિવિધ વેશભૂષા સજ્જ બાળકો શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે વિવિધ સંઘના શ્રાવકો ભરેલી ટ્રકો સાથે જાેડાયા હતા. શોભાયાત્રામાં ધર્મ ધ્વજા, અશ્વસવારો શણગારેલી બગી, ભગવાન શ્રી મહાવીરની બીરાજીત મૂર્તિ સાથેની ચાંદીની પાલખીમાં બિરાજીત પ્રભુના દર્શન કરીને જૈન શ્રાવકો સહિત સૌ કોઈ ભક્તજનો ધન્ય થયા હતા. શોભાયાત્રામાં ચાંદીની પાલખી ખેચી ધન્ય થતા શ્રાવકોની આગળ નૃત્ય મંડળીઓ, મહિલા મંડળો સહિતની શોભા યાત્રા માંડવીથી પ્રસ્થાન થઈને ન્યાયમંદિર અમદાવાદી પોળના માર્ગે આગળ વધીને મામાની પોળ ખાતે શ્રી મહાવીર સ્વામી જિનાલય ખાતે સંપન્ન થઈ હતી. ત્યારબાદ સલાટવાડામાં સ્વામી વાત્સલ્યનો લાભ હજારો ભક્તજનોને મળ્યો હતો. સાંજે ૭ વાગ્યાના સુમારે મહાવીર રંગ લાવ્યો કાર્યક્રમનું આયોજન નવલખી ખાતે કરવામાં આવ્યું છે.