લેખકઃ વૈદ્ય પૂજા વિહારીયા
સ્ત્રીઓમાં નાની મોટી સમસ્યાઓ સહન કરવાની ગજબની ક્ષમતા હોય છે. ચાહે એ ઘરપરિવારની હોય કે શરીરની. તે તકલીફ પર ઘણી વખત ધ્યાન આપતી નથી. આથી મોટાભાગની સમસ્યાઓ એટલી બધી વકરી જાય છે કે વિલંબના કારણે કયારેક ખૂબ નુકસાન થાય છે. એમાંની એક સર્વ સામાન્ય છે સફેદ પાણી પાડવાની સમસ્યા. તેને લ્યુકોરિયા કે શ્વેતપ્રદર કહેવામાં આવે છે.મોટા ભાગની સ્ત્રીઓને આ સમસ્યા જ લાગતી નથી એટલે પહેલા તો એ સમજવાની જરૂર છે કે ખરેખર આ શ્વેતપ્રદર એટલે કે સફેદ પાણી પડવાની સમસ્યા છે શું અને તે ગંભીર ક્યારે ગણાય .
શ્વેત એટ્લે સફેદ અને પ્રદર એટ્લે સ્ત્રાવ - યોનિભાગમાંથી વધુ પડતું સફેદ પ્રવાહી આવવું જેના કારણે નીચેનો ભાગ ખૂબ ભીનો લાગ્યા કરે અને સતત પાણી જેવુ પ્રવાહી નીકળે. હવે આ પાણી જાે એકદમ પાતળું પ્રવાહી હોય, પરુ કે એવું ના દેખાતું હોય,પીળા રંગનું ના હોય , દુર્ગંધ ના આવતી હોય, અકળામણ ના થતી હોય અને અન્ય કોઈ સમસ્યા ઊભી ના કરે તો એ નોર્મલ ગણાય. કિશોરાવસ્થા, માસિક સ્ત્રાવ દરમિયાન અને આગળ પાછળના દિવસોમાં,સગર્ભાવસ્થા, સંભોગ દરમિયાન અને સ્તનપાન કરાવતી મહિલાઓમાં વધુ પડતું સફેદ પાણી પડતું હોય તો નોર્મલ ગણી શકાય.ગર્ભાશયના મુખ પર ચાંદી પડી હોય કે પછી ગર્ભાશય મુખ પર મસો હોય, ગર્ભાશય જાડુ થાય વગેરે કારણોસર પણ આ થઈ શકે છે.
યોનિગત કારણો જાેઈએ તો ગર્ભાશય નીચે ખસવું,ગર્ભાશય ઊંધું હોવું,પીઆઈડી(પેલવીક ઇંન્ફ્લામેટરી ડીસીસિજ), ગર્ભનિરોધક ગોળી લેતી બહેનો, અશક્ત શરીર હોય તો પણ શ્વેતપ્રદરની સમસ્યા થઈ શકે છે.આ બધા કારણોસર સફેદ પાણી પડતું હોઈ શકે જે યોગ્ય ડોક્ટરને બતાવીને જ તેની સારવાર કરવી. આજકાલ ટેક્નોલોજીના કારણે સફેદ પાણીની લેબોરેટરી દ્વારા તપાસથી તેનું સચોટ નિદાન જાણી શકાય છે.
આયુર્વેદમાં શ્વેતપ્રદર કરીને આ રોગનું વર્ણન મળે છે. જેમાં મોટા ભાગે કફ અને અપાન વાયુના વૈગુણ્યના કારણે આ રોગ થતો હોય છે. જેમાં રસ ધાતુની દુષ્ટિ કારણ ભૂત હોય છે. વધુ પડતો સંભોગ કરવાથી,ગર્ભપાત, અયોગ્ય જીવન શૈલી , માસિક સ્ત્રાવ દરમિયાન અયોગ્ય આહારવિહાર હોવા, યોનિમાર્ગની અસ્વછતા જેવા કારણોથી શ્વેતપ્રદર થાય છે. ક્યારેક શ્વેતપ્રદર સાથે અમુક લક્ષણો પણ જાેવા મળે છે. જેવા કે કમરનો દુખાવો, શારીરિક દુર્બળતા, યોનિમાર્ગમાં ખંજવાળ આવવી, યોનિમાર્ગની અંદર અને આસપાસ બળતરા થવી, યોનિમાર્ગમાંથી ખરાબ વાસ આવવી વગેરે. આયુર્વેદમાં શ્વેતપ્રદરની સંપૂર્ણ સારવાર આપી છે. તે મટી શકે છે પરંતુ તેની સાથે થોડી પરેજી પાળવી પડે છે.જેમકે દુધ અને દૂધની આઇટમો, ખાટા ફળો તેમજ સંભોગ કરવાનું ટાળવું . આ રોગ થી શારીરિકની સાથે માનસિક તણાવનો અનુભવ પણ થાય છે આથી સારવાર કરાવવી જરૂરી છે. કેમકે તેનાથી કામમાં મન લાગતું નથી અને સતત ચિંતા રહે છે . આયુર્વેદમાં અનેક ઔષધિઓ છે જેનાથી તે સંપૂર્ણ મટી શકે છે.