પ્યોંગયોંગ-
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનની ક્રૂરતાના કિસ્સાઓ જગજાહેર છે. કેટલીકવાર તેઓ પોતાના રાજકીય વિરોધીઓને તોપથી ઉડાડી દે છે, તો કયારેક નાનકડી ભૂલ કરવા પર પોતાના સંબંધીઓને ભૂખ્યા જંગલી કૂતરાઓની સામે નાંખી દે છે. તેની ક્રૂરતાનો ઉલ્લેખ ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો હતો. તેમણે રેજ પુસ્તકના લેખક બોબ વુડવર્ડને કહ્યુ હતું કે કિમે તેના ફૂઆ ઝાંગ સોંગ થાયકની મુખ્ય કાપેલી લાશને ઉત્તર કોરિયાના અધિકારીઓને દેખાડી હતી. તાજેતરમાં ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગી ગયેલા એક કેદીએ ખુલાસો કર્યો છે કે વિદેશી ટીવી શો જાેવા બદલ તેને ભયંકર સજા પણ આપવામાં આવી હતી. આ કેદીઓને જેલમાં તેમના મૃત સાથી કેદીઓની રાખથી ભરેલા નદીનું પાણી પીવા માટે મજબૂર કરાયો હતો. કેદીએ કહ્યુ કે ઉત્તર કોરિયાના ચોંચરી કન્સ્ટ્રકશન કેમ્પમાં કેદીઓની સાથે જાનવરોથી પણ બદતર વર્તન કરવામાં આવે છે.
ઉત્તર કોરિયામાં માનવ અધિકારો માટે વૉશિંગ્ટન સ્થિત કમિટિ (એચઆરએનકે) દ્વારા આ કેદીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર કેદીનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃત કેદીઓના મૃતદેહને બાળી નાખતા પહેલા એક વેરહાઉસમાં રાખવામાં આવતા હતા, જ્યાં ઉંદરો અને અન્ય પ્રાણીઓ પણ તેમને ખાતા હતા. આ ટીમે સેટેલાઇટ ઇમેજની મદદથી કેદીએ કહેલી વાતોની પુષ્ટિ પણ કરી છે. આ શિબિરમાં લોકોને દક્ષિણ કોરિયામાં કોઇ ટીવી ચેનલ જાેવા અથવા ખ્રિસ્તી ધર્મને અનુસરવા પર કેદ કરવામાં આવે છે. જેલને એકાગ્રતા શિબિર નામ આપીને કેદીઓને અમાનવીય ત્રાસ આપવામાં આવે છે. દર અઠવાડિયે અહીં કોઇને કોઇ કેદીનું મોત પણ થઇ જાય છે. જેને શિબિરની અંદર બનેલા સ્મશાનમાં સળગાવી દેવામાં આવે છે.
પૂર્વ કેદીએ જણાવ્યું હતું કે દર અઠવાડિયે સોમવારે શિબિરમાં મૃતદેહોને બાળી નાખવામાં આવે છે. આ સ્થળ એક ઘર જેવી દેખાય છે. તેમાં બનેલી એક ગોળ ટેન્કમાં અમે લાશોને રાખી દેતા હતા. તેની ગંધના લીધે ત્યાં રહેવું પણ મુશ્કેલ હતું. બાદમાં અમે આ સ્મશાનગૃહની બહાર મૃતદેહોની રાખ રાખતા હતા. જેનો ઉપયોગ ખેતીમાં ખાતર તરીકે કરવામાં આવતો હતો. જ્યારે પણ વરસાદ પડે ત્યારે લાશની રાખ નજીકની નદીમાંથી વહેતી હતી. અમને આ નદીનું જ પાણી પીવા અને ન્હાવા માટે આપવામાં આવતું હતું. અહીં મોટાભાગના મૃત્યુ જેલના અધિકારીઓ દ્વારા ઈજા, માંદગી અથવા ‘શારીરિક અને માનસિક શોષણ’ના લીધે થયા હતા.