પોતાની જ શાળામાં ધો.૧માં અભ્યાસ કરતી છ વર્ષીય વિદ્યાર્થિનીને પોતાની કારમાં બેસાડીને સ્કુલમાં લઈ જતી વખતે વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કર્યા બાદ તેનું મોંઢુ દબાવી રાખીને શ્વાસ રૂંધાવીને હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરાયેલા તોરણી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ગોવિંદ નટને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લીમખેડા કોર્ટમાં રજુ કરાયો હતો. જાેકે ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લાના વકીલોમાં પણ ઉગ્ર રોષ હોઈ ગોવિંદના બચાવ પક્ષે કોઈ વકીલ હાજર રહ્યા નહોંતા અને ત્યારબાદ ગોવિંદને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.
દાહોદના સિંગવડ તાલુકા સ્થિત તોરણી ગામમાં રહેતો તેમજ તોરણી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ ૫૫ વર્ષીય ગોવિંદ છગનભાઈ નટ ગત ૧૯મી તારીખે તેની કારમાં સ્કુલમાં જતો હતો તે સમયે તેણે માતા સાથે પગપાળા સ્કુલમાં જઈ રહેલી પોતાની જ સ્કુલની ધો.૧ની વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ તેણે એકાંતવાળા રસ્તામાં વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જેમાં વિદ્યાર્થિનીએ બુમરાણ મચાવતા તેણે મોંઢુ દબાવી રાખી તેમજ શ્વાસ રૂંધાવીને વિદ્યાર્થિનીની હત્યા કરી હતી અને લાશને પોતાની કારમાં મુકી હતી. શાળા છુટ્યા બાદ તેણે લાશને ઉંચકીને શાળાના કમ્પાઉન્ડમાં મુકી દીધી હતી અને તે કાર લઈને રવાના થયો હતો. આ સમગ્ર બનાવની રણધીકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગઈ કાલે ગોવિંદ નટની ધરપકડ કરી હતી.
શિક્ષણજગતને કલંકિત કરતા કિસ્સામાં માસુમ વિદ્યાર્થિનીના હત્યારા પ્રિન્સિપાલ ગોવિંદની કરતુતોનો પર્દાફાશ થતાં તેના વિરુદ્ધ સંમગ્ર પંથકમાં ફિટકાર અને ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે. બીજીતરફ માસુમ બાળકીના હત્યારા ગોવિંદ વિરુધ્ધ ઉભા થયેલા જનાક્રોશને જાેતા આજે રણધીકપુર પોલીસ મથકના પીઆઈ એન.કે.ચૈાધરી સહિતના સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજુ કર્યો હતો. પોલીસે ગોવિંદના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરતી અરજીમાં જણાવ્યું હતું કે ગોવિંદ નટને સાથે રાખીને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન અને પંચનામુ કરાવવાનું છે. ગોવિંદ નટ પ્રિન્સિપાલના પદે હોઈ આરોપોથી બચવા માટે વારંવાર નિવેદનો બદલીને પોલીસને ગોળગોળ જવાબ આપીને સમય પસાર કર્યો છે જેથી તેની સમગ્ર બનાવ સંદર્ભે ઘનિષ્ટ પુછપરછ કરી તેમજ તેના સાથે રાખીને જરૂરી પુરાવા એકઠાં કરવાના છે, તેણે આ રીતે આવો કોઈ ગુના કર્યા છે કે કેમ ? અને અન્ય કોઈ વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કર્યું છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. દરમિયાન જિલ્લા મદદનીશ સરકારી વકીલ એસ.બી.ચૈાહાણની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ગોવિંદ નટને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.
ગોવિંદ નટની તાત્કાલિક અસરથી પ્રિન્સિપાલ પદેથી હકાલપટ્ટી
સિંગવડ તાલુકાના તોરણી ગામ પ્રાથમિક શાળામાં સર્જાયેલા ઘૃણાસ્પદ બનાવની રાજયના શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લીધી છે. બીજીતરફ તોરણી ગામના પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ગોવિંદ નટની ધરપકડ થતાં જ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ગોવિંદ નટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ થતાં ગોવિંદની પ્રિન્સિપાલ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
ગોવિંદ નટના બચાવપક્ષે વકીલાતપત્ર નહીં ભરવાનો નિર્ણય
ગોવિંદ નટ વિરુધ્ધ લીમખેડાના વકીલોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે. આજે ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજુ કરવાનો છે તેવી જાણકારી મળતાં જ લીમખેડા વકીલ મંડળના પ્રમુખના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આરોપી ગોવિંદ નટના બચાવ માટે લીમખેડા વકીલ મંડળના કોઈ પણ વકીલ બચાવપક્ષે નહીં રોકાય તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.
મોંઢુ દબાતા માસૂમે ઊલટી કરી હતી
ગોવિંદ નટે વિદ્યાર્થી સાથે બળજબરી કરી તેનું મોંઢુ દબાવી રાખતા વિદ્યાર્થીએ ઉલ્ટી પણ કરી હતી જેનાથી ગોવિંદના કપડા બગડ્યા હતા. જાેકે તેમ છતાં તેને મોંઢુ દબાવી રાખી વિદ્યાર્થિનીની હત્યા કરી હતી અને શાળા છુટ્યા બાદ લાશને સ્કુલમાં મુકી તે તેની બ્રેઝા કારમાં ગોધરામાં તેના બીજા મકાને ગયો હતો જયાં તેણે બનાવ સમયે પહેરેલા કપડા બદલ્યા હતા અને કારને પણ વોશ કરાવી હતી. આ વિગતો મળતા પોલીસે આજે ગોધરાથી ગોવિંદ નટે બનાવ સમયે પહેરેલા કપડા અને બ્રેઝા કાર જપ્ત કર્યા હતા.
ફાંસી જ આપવી જાેઈએ ઃ ગેનીબેન ઠાકોર
ગોવિંદ નટનું ભાજપા અને આરએસએસ કનેકશન સપાટી પર આવતા જ કોંગ્રેસ પક્ષે સમગ્ર બનાવ અંગે ભારે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ બનાવ અંગે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ અને મિડિયા કન્વીનર મનીષ દોશીએ સ્કુલોમાં વિદ્યાર્થીઓની સલામતીનો મુદ્દો ઉઠાવી ગોવિંદ નટના પુર્વ મંત્રી અર્જુનસિંહ સાથેના ફોટા બતાવીને પ્રશ્ન કર્યો હતો કે ભાજપા સાથે જાેડાયેલા લોકો પર જ હત્યા અને દુષ્કર્મનો ગુના નોંધાય તો ગુજરાતમાં દિકરીઓ કેવી રીતે સુરક્ષીત રહેશે ? જયારે આ બનાવ અંગે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આવા કૃત્ય આચરનારને તો ફાંસી જ આપવી જાેઈએ.
રિમાન્ડથી બચવા કહ્યું ,મેં પોલીસને બધી વિગતો જણાવી દીધી છે
ગોવિંદ નટ વિરુધ્ધ લીમખેડા વકીલ મંડળે ઠરાવ કર્યો હોઈ ગોવિંદ નટના બચાવપક્ષે કોઈ વકીલ ન હોઈ કોર્ટ દ્વારા લીગલ એડમાં ગોવિંદ નટના વકીલની નિયુક્તી કરી હતી પરંતું આ વકીલ પણ આજે રિમાન્ડ કાર્યવાહીમાં હાજર રહી શક્યા નહોંતા. બીજીતરફ કોર્ટે ગોવિંદ નટની પુછપરછ કરતા તેણે રિમાન્ડ પર નહી સોંપવા માટે એવો બચાવ કર્યો હતો કે તેની પાસે જે માહિતી હતી તે બધી પોલીસને આપી દીધી છે અને તે આગળની તપાસમાં પોલીસને સહકાર આપશે. જાેકે પોલીસની રિમાન્ડ અરજી અને સરકારી વકીલોની દલીલોને જાેતાં કોર્ટે ગોવિંદને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો.
હત્યારા ગોવિંદને વિદ્યાર્થિનીની ઉંમરના બે પૌત્રો છે
ગોવિંદ નટની પત્ની અને બે પુત્રો હાલમાં ગોધરામાં રહે છે અને બંને પુત્રો પરિણીત હોઈ બંનેને એક એક સંતાન છે. પોતાના બે પૈાત્રોની ઉંમરની વિદ્યાર્થિની પર દાનત બગાડી તેની પર બળાત્કારનો પ્રયાસ અને હત્યા કરનાર ગોવિંદની કરતુતો સપાટી પર આવતાં ગોવિંદની પત્ની, બંને સંતાનો તેમજ પુત્રવધુઓ પણ સમગ્ર બનાવથી સ્તબ્ધ થયા છે અને તેઓએ આ સંદર્ભે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.
ગોવિંદ તેના સમાજમાં ૧૦૮ મહંત ગુરુપ્રસાદ તરીકે ઓળખાવે છે
ગોવિંદ નટની પાપલીલાનો પર્દાફાશ થતા જ તેના વિશે અનેક ચોંકાવનારી વિગતો હવે સપાટી પર આવવા માંડી છે. ગોવિંદ નટ તેના સમાજનો માત્ર અગ્રણી જ નહી પરંતું સંત તરીકેની પણ છાપ ધરાવતો હોઈ તેના અનુયાયીઓએ તેને સમાજના મહંત અને ૧૦૮ ગુરુપ્રસાદ તરીકેની પણ પદવી આપી હતી અને તે છાશવારે સમાજમાં મહંતના પદે કાર્યક્રમોમાં હાજરી આપતો હતો.
આરએસએસના કેમ્પમાં ખાખી ચડ્ડી પહેરેલા આરોપી ગોવિંદના ફોટા વાયરલ
ગોવિંદ નટ લાંબા સમયથી આરએસએસ સાથે જાેડાયેલો છે અને તે ભાજપાનો પ્રચારક તરીકે પણ કામગીરી કરી છે. ગોવિંદ નટ વિશ્વ હિન્દુ પરિષદ દાહોદના અધ્યક્ષ રહી ચુક્યો છે તેમજ રાષ્ટ્રીય સેવક સંઘ તૃતીય વર્ષ શિક્ષિત વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યો છે. એટલું જ નહી તે આરએસએસના કેમ્પમાં ભાગ લીધો હોઈ તેના ખાખી ચડ્ડીવાળા તેમજ રાજકિય અગ્રણીઓ સાથેના ફોટા પણ સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો.
Loading ...