બ્રિટનની મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષે નિધન

લંડન-

બ્રિટનની મહારાણી એલિઝાબેથના પતિ પ્રિંસ ફિલિપનું શુક્રવારે નિધન થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. હાલમાં જ તેમની હાર્ટ સર્જરી થઈ હતી. ઈન્ફેક્શન પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ૨૮ દિવસ રહ્યા બાદ હાલમાં જ તેમને રજા અપાઈ હતી. પ્રિંસ ફિલિપે જાન્યુઆરીમાં ક્વિન સાથે કોરોના રસી મૂકાવી હતી.

બકિંઘમ પેલેસ દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે નામદાર ધ પ્રિંસ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગ હવે રહ્યા નથી. રાજઘરાનાના વડાનું આજે સવારે વિંડસર કેસલ ખાતે નિધન થયું છે. પ્રિંસ ફિલિપે ૨૦૧૭માં પોતાની જવાબદારીઓમાંથી મુક્તિ લઈ લીધી હતી. ત્યારબાદ તેઓ ક્યારેક જ નજરે પડતા હતા. ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન તેઓ લંડનમાં વિંડસર કેસલમાં મહારાની સાથે રહેતા હતા.

બ્રિટિશ રાજપરિવારના સૌથી વયોવૃદ્ધ સભ્ય હતા

પ્રિન્સ ફિલિપનો જન્મ ૧૦ જૂન, ૧૯૨૧ના રોજ ગ્રીસમાં થયો હતો. તેઓ બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રાજા રહ્યા હતા. સાથે જ બ્રિટિશ રાજ પરિવારના સૌથી વયોવૃદ્ધ પુરુષ સભ્ય પણ તેઓ હતા. ગ્લુક્સબર્ગ રાજઘરાનાના સભ્ય ફિલિપનો જન્મ ગ્રીસ અને ડેનિશ પરિવારોમાં થયો હતો. બાળપણ દરમિયાન જ તેમના પરિવારને દેશનિકાલ કરી દેવાયો હતો. ફ્રાંસ, જર્મની અને યુકેમાં અભ્યાસ કર્યા બાદ ૧૮ વર્ષની ઉંમરે તેઓ ૧૯૩૯માં શાહી નૌસેનામાં સામેલ થઈ ગયા હતા. રાણી એલિઝાબેથની સાથે તેમની પહેલી મુલાકાત ૧૯૩૪માં થઈ હતી. ત્યારે એલિઝાબેથની ઉંમર ૧૩ વર્ષની હતી. તેઓ ફિલિપના દૂરના સગા થતા હતા. ફિલિપે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો.

યુદ્ધ પછી એલિઝાબેથ સાથે લગ્નની પરવાનગી મળી.

યુદ્ધ પછી જ્યોર્જ છઠ્ઠાએ ફિલિપની સાથે પોતાની બેટી એલિઝાબેથ સાથે લગ્નની મંજૂરી આપી હતી. સગાઈની જાહેરાત પહેલા જ તેમણે પોતાની ગ્રીસની અને ડેનિશ શાહી પદવી છોડીને બ્રિટિશ નાગરીક બનવું પડ્યું હતું. સગાઈના ૫ મહિના પછી તેમણે ૨૦મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ એલિઝાબેથ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેમને ડ્યુક ઓફ એડિનબર્ગની ઉપાધી અપાઈ હતી. ૧૯૫૨માં એલિઝાબેથ મહારાણી બનતાં ફિલિપે સેના છોડી દીધી હતી. ત્યારે તેઓ કમાન્ડરના પદ પર હતા. રાજગાદી સંભાળ્યા બાદ રાણી એલિઝાબેથ-ટૂ પહેલીવાર ૧૯૬૧માં પહેલીવાર ૧૯૬૧માં ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પ્રિન્સ પણ ફિલિપ પણ આવ્યા હતા. અહીં જયપુરના રાજપરિવારે તેમની શાહી સરભરા કરી હતી.

૨૧મી જાન્યુઆરી, ૧૯૫૯ના આ ફાઈલ ફોટોમાં ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બ્રિટનના પ્રિન્સ ફિલિપને તેમની ભારતની યાત્રાના પ્રસંગે દિલ્હી ખાતે આવકારતા નજરે પડે છે. તે વખતની પોતાની ૩૬૦૦૦ કિલોમીટરની વિશ્વની યાત્રા દરમિયાનના પહેલા તબક્કામાં તેઓ ભારતમાં બે અઠવાડિયા રહેનારા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution