ગાંધીનગર-
હવે 30 દિવસમાં બીજી વખત પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. મોદી કચ્છ ભૂજની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે. તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપને આપવા બદલ મતદારોનો આભાર પણ માનશે. પીએમ મોદી કચ્છના સફેદ રણમાં રણોત્સવમાં પણ જાય તેવી સંભાવના છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ઓકટોબરે ગુજરાત આવ્યા હતા. પીએમ મોદી નવી દિલ્હીથી સીધા અમદાવાદ આવી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સંગીતકાર બેલડી મહેશ નરેશના અવસાન પછી શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘેર ગયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાંથી તેઓ કેવડિયા કોલોની ગયા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 17 જેટલા પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. તા. 31 ઓકટોબરે એકતા પરેડમાં ભાગ લીધો હતો અને સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. પીએમ મોદી દેવદિવાળીના દિવસે નવી દિલ્હીથી સીધા કચ્છ આવશે અને કચ્છ ભૂજમાં બે કાર્યક્રમમાં હાજરી આપે તેવી શકયતા છે.