વડાપ્રધાનપદે મોદી સત્તારૂઢ ૭૧ મંત્રી સાથે શપથવિધિ સંપન્ન

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી બીજા એવા નેતા છે કે જેઓ સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે. પીએમ મોદીની ત્રીજી ટર્મમાં સાથી પક્ષોની ભૂમિકા પણ ખાસ્સી મહત્વપૂર્ણ રહેવાની છે ત્યારે કેબિનેટમાં કોણ હશે અને કોની એક્ઝિટ થશે તેની પણ જાેરદાર અટકળો હતી. નવી સરકારમાં રાજનાથ સિંહ નંબર ટૂ રહેશે જ્યારે રાજનાથ પછી અમિત શાહ અને ત્યારબાદ નીતિન ગડકરીએ શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓની સંખ્યા ૩૦ હતી જેમાં ગુજરાતના મનસુખ માંડવિયા અને સી.આર. પાટીલનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર પ્રભાર મેળવનારા પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ૭ દેશોના લીડર્સ ઉપરાંત દેશના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. જેમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન, વિક્રાંત મેસ્સી અને રાજકુમાર હિરાણીનો સમાવેશ થાય છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ જાેવા મળ્યા હતા. સાથે જ ગૌતમ અદાણીએ પણ હાજરી આપી હતી.

મોદી ૩.૦માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને ભાજપના સિનિયર નેતા શિવરાજસિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ૨૦૨૪માં થયેલી વિધાનસભા ચૂંટણી શિવરાજ નહોતા લડ્યા પરંતુ ભાજપે તેમને લોકસભાની ટિકિટ આપી હતી અને એમપીમાં ભાજપે જ્વલંત દેખાવ જાળવી રાખ્યો હતો જેનું શિવરાજને ઈનામ મળ્યું છે.

નરેન્દ્ર મોદીએ પોતાની ત્રીજી ટર્મમાં ર્નિમલા સિતારમણને પણ જાળવી રાખ્યા છે, આ ઉપરાંત એસ. જયશંકરને પણ રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે સીએમમાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી બનનારા શિવરાજસિંહ ચૌહાણ બાદ મનોહરલાલ ખટ્ટર બીજા નેતા બન્યા છે. મનોહરલાલ હરિયાણાના પૂર્વ સીએમ છે, હરિયાણામાં આ જ વર્ષમાં ચૂંટણી થવાની છે અને ભાજપની સ્થિતિ હાલ નબળી છે ત્યારે મનોહરલાલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવાનો ર્નિણય ઘણો જ સૂચક છે.

પીએમ મોદી સહિત ભાજપના કુલ નવ નેતાઓના શપથ બાદ એનડીએના સાથી પક્ષ જેડીએસના નેતા કુમારસ્વામીએ શપથગ્રહણ કર્યા હતા. કુમારસ્વામીના ભત્રીજા પ્રજ્વલ્લ રેવન્ના ચૂંટણી પહેલા જ પોતાની કથિત સેક્સ ક્લિપ્સને કારણે વિવાદમાં આવ્યો હતો તેમજ લોકસભા ચૂંટણીમાં પણ તેની હાર થઈ હતી, આ કેસમાં વિદેશ ભાગી ગયા બાદ પાછો ફરેલો પ્રજ્વલ્લ હાલ જેલમાં છે.

નરેન્દ્ર મોદી સરકારમાં અગાઉ પણ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા ધર્મેન્દ્ર પ્રધાનને પણ કેબિનેટમાં રિપીટ કરવામાં આવ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાના સીએમ બનાવાશે તેવી અટકળો હતી પરંતુ તેમણે કેન્દ્રિય મંત્રી તરીકે શપથ લેતા જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. મોદી સરકારના મહત્વપૂર્ણ સાથી પક્ષ નીતિશ કુમારના એક સમયના રાજકીય પ્રતિદ્વંદી તેમજ બિહારના પૂર્વ સીએમ રહી ચૂકેલા જિતનરામ માંઝીને પણ સરકારમાં સ્થાન મળ્યું છે. હિન્દુસ્તાની આવામ મોરચાના સ્થાપક જિતનરામ માંઝી દલિત નેતા છે અને ગયા લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે. માંઝી ઉપરાંત જેડીયુના નેતા રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે પણ આજે શપથગ્રહણ કર્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદો સર્વાનંદ સોનોવાલ તેમજ ડૉ. વિરેન્દ્ર કુમારે શપથ લીધા હતા. એનડીએના સાથી પક્ષ ટીડીપીના સાંસદ કિંજરપ્પુ રામમોહન નાયડુ સરકારના સૌથી યુવા મંત્રી બન્યા છે, તેઓ માત્ર ૩૬ વર્ષના છે અને સતત ત્રીજીવાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે. નાયડુ બાદ ઓડિશાથી ચૂંટાયેલા ભાજપના સાંસદ જુએલ ઓરામે શપથ લીધા હતા અને ત્યારબાદનો ક્રમ બિહારના ભાજપના નેતા ગિરિરાજ સિંહનો હતો. પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા તેમજ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાને પણ નવી સરકારમાં સ્થાન મળ્યું છે, જ્યારે નવસારી બેઠકના સાંસદ સી.આર. પાટીલ પણ દ્ગડ્ઢછ સરકારમાં મંત્રી બન્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution