વડોદરા, તા.૨૭
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધવા જઈ રહેલા વડાપ્રધાન મોદી સવારે વડોદરા એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફત નેત્રંગ જવા રવાના થયા હતા. દરમિયાન એરપોર્ટ ખાતે તેઓ તેમના વડોદરાના ત્રણ જૂના સાથીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇ પૃચ્છા કરી હતી. જાે કે, માત્ર શુભેચ્છા મુલાકાત હતી, કોઈ રાજકીય ચર્ચા થઈ ન હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીને વડોદરા એરપોર્ટ ખાતે પૂર્વ ડે.મેયર દિનેશ ચોક્સી અને રામમનોહર તિવારી તેમજ સંઘના પૂર્વ કાર્યવાહક નારાયણ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમની સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દિનેશ ચોક્સીએ મુલાકાત અંગે કહ્યું હતું કે, ૧ર વર્ષ પછી મોદી સાથે મુલાકાત થઈ છે. તબિયતના હાલચાલ પૂછયા. આટલા વ્યસ્ત શિડયુલમાં પણ યાદ કરે છે એટલે મારા માટે આજનો આનંદનો દિવસ છે. રામમનોહર તિવારીએ કહ્યું હતું કે, નાનપણથી સાથે કામ કર્યું છે. પારિવારિક સંબંધ છે તે માટે મળવા બોલાવેલા. નારાયણ શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન સંઘના પ્રચારક હતા, ત્યારથી સંબંધ છે. વડોદરામાં સાથે કામ કર્યું છે અને આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી તેમ કહ્યું હતું.