વોશિંગ્ટન:ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે ૮૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવ્યો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂ કર્યુ છે. જેની અસર માત્ર અમેરિકા જ નહીં સમગ્ર વિશ્વ પર થઇ રહી છે. ત્યારે હવે, ટ્રમ્પના આદેશ હેઠળ અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વનો બંધારણીય કાયદો રદ કરાયો છે. જેનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ હવે, આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વ વાળા ૨૨ રાજ્યો અને અનેક સિવિલ રાઈટ ગ્રૂપે ટ્રમ્પના અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો છે. ડેમોક્રેટિક પ્રભુત્વ ધરાવતા રાજ્યોની સાથે-સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોએ મંગળવારે બોસ્ટનની સંઘીય કોર્ટમાં પ્રથમ કેસ નોંધાવ્યો છે. જેમાં કહેવાયું છે કે, પ્રમુખ ટ્રમ્પનો અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વ રદ કરવાનો ર્નિણય બંધારણનું ઉલ્લંઘન છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ઈમિગ્રન્ટ્સ ઓર્ગેનાઇઝેશને પણ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે.
ન્યુ જર્સીના ડેમોક્રેટિક એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને જણાવ્યું હતું કે, અમે ટ્રમ્પના આદેશ પર રોક લગાવવા માટે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. પ્રમુખ પાસે વ્યાપક સત્તાઓ છે, પરંતુ તેઓ કોઈ રાજા નથી. ટ્રમ્પના ર્નિણય વિરુદ્ધ કોર્ટમાં જવાથી ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ મળી ગયો છે કે, અમે અમારા લોકો અને તેમના મૂળભૂત બંધારણીય અધિકારો માટે તેમની પડખે ઉભા રહીશું.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા ભારત અમેરિકાની મદદ કરશે
ટ્રમ્પ તંત્ર ગેરકાયદે ઇમિગ્રેશનને લઈને આકરી કાર્યવાહી કરવાનું છે. ટ્રમ્પ સરકાર મેક્સિકોની સાથે દક્ષિણ સરહદ પર ગુનેગારોને ટાર્ગેટ કરી રહ્યું છે, જે કોઈ ડૉક્યુમેન્ટ વિના દેશમાં દાખલ થયા છે. અમેરિકામાં લગભગ ૨૦,૦૦૦થી વધુ ભારતીય છે, જે કોઈ ડૉક્યુમેન્ટ વિના અમેરિકામાં રહે છે. આ તમામ ભારતીય દેશનિકાલ આદેશનો સામનો કરી રહ્યા છે. ડેટા અનુસાર ૨૦૨૪ સુધી ૨૦૪૭ ભારતીય એવા હતા જે કોઈ ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં રહે છે. તેમાંથી ૧૭,૯૪૦ અંતિમ દેશ નિકાલ આદેશ હેઠળ છે અને અન્ય ૨,૪૬૭ અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ અને દેશનિકાલ સંચાલન હેઠળ કસ્ટડીમાં છે. ત્યારે રિપોર્ટ અનુસાર ભારત સરકાર આ લોકોને પાછા લાવવા માટે ટ્રમ્પ તંત્રની સાથે મળીને કામ કરવા તૈયાર છે. ભારત નથી ઇચ્છતું કે ગેરકાયદે નાગરિકોના મુદ્દે એચ-૧બી વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર કોઇ અસર થાય. અમેરિકન સરકારના આંકડા અનુસાર ૨૦૨૩માં ૩,૮૬,૦૦૦ લોકોને એચ-૧બી વિઝા અપાયા હતા, જેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ ભારતીય છે.
અમેરિકાનો બર્થ રાઈટ સિટિઝનશીપ કાયદો શું છે?
અમેરિકાના બંધારણમાં થયેલા ૧૪મા સુધારા હેઠળ જન્મના આધાર પર નાગરિકતા આપવાની જાેગવાઈ છે. આનો અર્થ એ થયો કે, અમેરિકામાં જન્મેલું દરેક બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતાની નાગરિકતા ગમે તે હોય. આ બંધારણીય સુધારો ૧૮૬૮માં અમેરિકામાં દરેકને સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી લાગુ કરાયો હતો. પરંતુ ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને ઘૂસણખોરીનો મુદ્દો સતત ઉઠાવાઇ રહ્યો છે. ખાસ કરીને ટ્રમ્પ તેની વિરુદ્ધ હતા અને શપથ લેતાની સાથે જ તેમણે કાયદામાં ફેરફાર સામે ઠરાવ પસાર કર્યો છે.
ટ્રમ્પનો આદેશ અમેરિકાના કાયદાની વિરુદ્ધ
ટ્રમ્પનો બર્થ રાઈટ સિટીઝનશીપ રદ કરવાનો આદેશ અમેરિકાના કાયદાની વિરુદ્ધ છે જે ત્યાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા આપે છે. પરંતુ નવા આદેશ પ્રમાણે જન્મ સાથે જ કોઈ બાળકને અમેરિકાની નાગરિકતા જાેઈએ તો તેમના માતા અથવા પિતામાંથી કોઈ એકનું અમેરિકન નાગરિક હોવું ફરજિયાત રહેશે. આ સાથે જ તેમાંથી એક પાસે ગ્રીન કાર્ડ હોવું આવશ્યક છે અથવા તેમાંથી કોઈ એક યુએસ આર્મીમાં હોવું જરૂરી છે.
ચાર દેશોના અમેરિકામાં ઈમિગ્રેશન પર રોક
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા યુરોપમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. ટ્રમ્પના પ્રથમ દાવ દરમિયાન ઉદાસીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી શીખ્યા પછી, યુરોપિયન દેશો હવે ચિંતિત છે કે તેમને ફરીથી સમાન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનને લઈને કડકાઈ બતાવી છે. બાયડન વહીવટીતંત્રએ ચાર કટોકટીગ્રસ્ત દેશોના ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં અસ્થાયી રૂપે રહેવાની મંજૂરી આપી હતી. જાેકે, સત્તા સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે તેનો અંત લાવી દીધો છે. ગયા વર્ષના અંત સુધીમાં, આ પહેલ દ્વારા ૫,૦૦,૦૦૦ થી વધુ સ્થળાંતરકારો યુએસમાં પ્રવેશ્યા હતા. ગયા વર્ષના અંત સુધીમાં, આ પહેલ દ્વારા ૫,૦૦,૦૦૦થી વધુ સ્થળાંતરકારો યુએસમાં પ્રવેશ્યા હતા. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટીના વડાને આ પોલિસી ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, ટ્રમ્પ ઇમિગ્રેશન કાર્યવાહી માટે એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે સેનાનો ઉપયોગ કરી શકે છે. તેમણે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જે સૈન્ય માટે સરહદ સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ નિર્દેશ યુએસ સૈનિકોને ઇમિગ્રેશન અમલીકરણમાં સીધી ભૂમિકા ભજવવાની મંજૂરી આપી શકે છે.