કાઠમાંડૂ-
નેપાળની રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ સંસદને ભંગ કરતાં વચગાળાની ચૂંટણીની જાહેરાત કરી છે. નેપાળમાં ૧૨ અને ૧૯ નવેમ્બરના રોજ વચગાળાની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા અને પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી બંનેના સરકાર બનાવવાના દાવાને નકારી કાઢ્યા છે.કેપી શર્મા ઓલી અને વિપક્ષી દળો બંનેએ જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સાંસદોના હસ્તાક્ષરવાળા પત્રને સોંપીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઓલી વિપક્ષ દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા.
ઓલીએ સંવિધાનના અનુચ્છેદ ૭૬ (૫) ના અનુસાર પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે પોતાની પાર્ટી સીપીએન-યૂએમએલના ૧૨૧ સભ્યો અને જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ (જેએસપી-એન) ના ૩૨ સાંસદોના સમર્થનના દાવાવાળા પત્રને સોંપ્યો હતો. તો બીજી તરફ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ ૧૪૯ સાંસદોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. દેઉબા પ્રધાનમંત્રી પદનો દાવો રજૂ કરવા માટે વિપક્ષી દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા. ઓલીએ ૧૫૩ સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ દેઉબાએ દાવો કર્યો હતો કે તેમના પક્ષમાં ૧૪૯ સાંસદ છે. નેપાળની ૨૭૫ સદસ્યીય પ્રતિનિધિ સભામાં ૧૨૧ સીટો સાથે સીપીએન-યૂએમએલ સૌથી મોટો પક્ષ છે. બહુમતથી સરકાર બનાવવા માટે ૧૩૮ સીટોની જરૂર હોય છે.