આણંદ : આણંદ જિલ્લા માટે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસી દ્વારા વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાય તેવી અદ્યતન બે એમ્બ્યુલન્સની ભેટ જિલ્લા આરોગ્ય તંત્રને આપવામાં આવી છે. સાંસદ મિતેશભાઈ પટેલ, કલેકટર આર.જી. ગોહિલને વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસીના જનરલ સેક્રેટરી પરેશભાઈ શાહ, સિનિયર વાઈસ પ્રેસિડન્ડ કાંતિભાઈ ભુવા અને ચીફ ઓફિસર ડિમ્પીબેન પટેલ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસી દ્વારા અપાયેલી એમ્બ્યુલન્સ માટે આભાર વ્યક્ત કરી કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ ઉપયોગી સાબિત થશે, તેમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર આર.જી. ગોહિલે વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસીના સભ્યો સાથેની બેઠકમાં જીઆઈડીસીમાં આવતાં અને કામ કરતાં કર્મચારી અને મજૂરીયાત તમામ લોકોનું રોજે રોજ આરોગ્યની ચકાસણી થાય અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે માસ્ક, સેનિટાઈઝર જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી મહેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, ખંભાતના પ્રાંત સ્નેહલ ભાપકર. જિલ્લાના આરોગ્ય અધિકારી એમ.ટી છારી, આરસીએચ એન.જી. પરમાર, આણંદના મેડિકલ ઓફિસર અમર પંડ્યા, પેટલાદનાં મેડિકલ ઓફિસર ગોવિંદ પટેલ અને જીઆઈડીસી એસોસિયેશનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.