વડોદરા,તા. ૩૦
એમ.એસ.યુનિવર્સીટી દ્વારા આગામી ૫ ઑગષ્ટથી ઓનલાઇન પરીક્ષાઓ યોજાવાની છે. તે માટે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને ઈમેઈલ તથા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા જાણ કરવામાં આવવાની છે. પરંતુ જે વિદ્યાર્થીઓને તેમાં સુધારા કરવા હોય તે માટેનું યુનિ.નું ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થિત રીતે કામ ન કરતુ હોવાથી હેડ ઓફિસ ખાતે તૈયાર કરવામાં આવેલા હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓએ ધક્કા ખાવા પડતા હોય છે. આ ઉપરાંત પોર્ટલ પર એસ.વાય બીકોમની ફી પણ ઓનલાઇન સ્વીકારાતી ન હોવાથી વિદ્યાર્થીઓએ ફી ભરવા માટે યુનિવર્સીટીમાં ધક્કા ખાવા પડે છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષાને લગતી જે માહિતી ઓનલાઇન મુકવામાં આવી છે, તેમાં ઘણાબધા વિષયોના સબ્જેક્ટ કોડ પણ ખોટા હોવાથી અને પી.જી ડિપ્લોમાનું ટાઈમટેબલ પણ ઓનલાઇન ન મુકાયું હોવાથી આજે વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા યુનિવર્સીટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી.