તહેવારોની સિઝન ચાલી રહી છે. હવે ધનતેરસ અને દિવાળીને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર ૨૯ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણો, વાહનો, સોનું અને ચાંદીની ભારે ખરીદી કરતા હોય છે.દેશમાં સોનું ખરીદવાની પરંપરા ઘણી જૂની છે. આપણે ત્યાં સોનાના સુંદર આભૂષણોનો ઉપયોગ શ્રુંગાર તરીકે કરવામાં આવે છે. જાે તમે ધનતેરસના અવસર પર સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો તમે એ વિશે ખબર હોવી જાેઈએ કે તમે તમારા ઘરમાં કાયદેસર રીતે કેટલું સોનું રાખી શકો છો? આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આવકવેરા કાયદાના નિયમો હેઠળ ઘરમાં સોનું રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. નિયમો હેઠળ, તમે તમારા ઘરમાં એક મર્યાદિત માત્રામાં સોનું રાખી શકો છો. જાે તમે આનાથી વધુ સોનું રાખો છો તો તમારે તેની સાબિતી બતાવવી પડશે. આવકવેરા કાયદાના નિયમો અનુસાર જે મહિલાઓ પરિણીત છે તેઓ તેમની પાસે ૫૦૦ ગ્રામ સોનું રાખી શકે છે. આ સિવાય જે મહિલાઓ અપરણિત છે, તેઓ કુલ ૨૫૦ ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે.આ સિવાય પુરુષો તેમની પાસે ૧૦૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. જાે નિયમો હેઠળ નિર્ધારિત આ મર્યાદામાં સોનું મળે છે, તો સરકાર તમારી પાસેથી સોનું જપ્ત કરશે નહીં. જાે તમારી પાસે આવકવેરા કાયદાના નિયમો દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી મર્યાદા કરતાં વધુ સોનું છે, તો તમારે તેની રસીદ અને પુરાવા દર્શાવવા પડશે. સાથે જ તમારે એ વાતનું ધ્યાન પણ રાખવું જાેઈએ કે તમારે ઘરમાં રાખેલા સોના પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે. આ સિવાય જાે તમે તેને વેચો છો તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે.