એપ્લિકેશન એક્સના યુઝર્સ માટે ઈલોન મસ્કની જાહેરાત
પેટા - જો યુઝરના ફોલોઅર પૈકી 5000 વેરિફાઇડ ફોલોઅર્સ હશે તો પ્રીમિયમ પલ્સ સેવા સાથે એઆઈની સેવા પણ મળશે
ટેક્નોક્રસી
સિદ્ધાર્થ મણીયાર
siddharth.maniyar@gmail.com
ટેસ્લા, સ્પેસ એક્સ અને સોશિયલ મીડિયા એપ્લિકેશન Xના માલિક ઈલોન મસ્ક દ્વારા Xના યુઝર્સ માટે એક અગત્યની જાહેરાત કરાવમાં આવી છે. જે અંતર્ગત Xની પ્રીમિયમ સર્વિસ યુઝર્સને નિઃશુલ્ક આપવામાં આવશે. જેમાં યુઝર્સને એડ-ફ્રી, પોસ્ટમાં શબ્દની મર્યાદામાં વધારો અને પોસ્ટને એડિટ કરવાની સાથે-સાથે અનેક સુવિધાઓનો લાભ યુઝર્સને મળશે.
ઈલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના યુઝર્સ માટે સારા સમાચાર આપ્યા છે. હવે, યુઝર્સને ફ્રી પ્રીમિયમ સર્વિસ આપવાની જાહેરાત ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવી છે. જે અનુસાર 2500 કે તેથી વધુ વેરિફાઈડ ફોલોઅર્સ ધરાવતા યુઝર્સને ફ્રી પ્રીમિયમ સર્વિસનો લાભ મળશે. જયારે 5000 અથવા વધુ વેરિફાઈડ ફોલોઅર્સ ધરાવતા યુઝર્સને પ્રીમિયમ પ્લસની સુવિધાનો લાભ નિઃશુલ્ક આપવામાં આવશે.
જ્યારે, પ્રીમિયમ પલ્સ સેવા ધરાવતા યુઝર્સને તમામ પ્રીમિયમ સુવિધાઓ ઉપરાંત કંપનીની પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ 'Grok' સર્વિસનો પણ ઍક્સેસ આપવામાં આવશે. જો કે, લગભગ એક અઠવાડિયા પહેલાં મસ્કે પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સને પણ ગ્રોકની ઍક્સેસ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે યુઝર્સમાં આનંદ છવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને સેવાઓ પર યુઝર્સને એપ્લિકેશન એક્સની સેવા મળે છે. કંપની દ્વારા બન્ને ઇન્ટરફેસ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી. જેમાં સતત અપડેટ પણ આપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં એક્સનો ઉપયોગ યુઝર્સ વેબના માધ્યમથી પણ કરી શકે છે. ત્યારે એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઈલ એપ્લિકેશનના યુઝર્સ માટે બ્લ્યુ ટીક સબ્સ્ક્રિપશન માટે દર મહિને રૂ. 900નો ખર્ચ કરવો પડે છે. જયારે વેબ યુઝર્સને આજ સેવા દર મહિને રૂ. 600 માં મળે છે. બ્લ્યુ સબ્સ્ક્રિપશન સેવાથી કંપનીની ધારણા અનુસાર આવક વધી રહી ન હતી. જેથી કંપની દ્વારા મોબાઈલ એપ્લિકેશન અને વેબ માટેના સબ્સ્ક્રિપ્શન ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બોક્સ
2022માં ઈલોન મસ્ક એક્સના સીઈઓ બન્યા
એપ્લિકેશન એક્સ એટલે કે ટ્વીટરની શરૂઆત 2006માં જુલાઈ મહિનામાં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ ઓક્ટોબર 2022માં ટેસ્લાના માલિક અબજોપતિ ઈલોન મસ્ક દ્વારા ટ્વીટરને 44 બિલિયન યુએસ ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું. જે બાદ તેના સીઈઓ તરીકેનો ચાર્જ ઈલોન મસ્કે સાંભળ્યો હતો.
બોક્સ
ઈલોન મસ્કે લીધેલા વિવાદાસ્પદ નિર્ણયો
- અડધાથી વધુ કર્મચારીઓને છૂટા કર્યા : ઓક્ટોબર 2022માં ટ્વીટર ખરીદ્યા બાદ ઈલોન મસ્કે સૌથી પહેલા કંપનીના ચાર ટોચના અધિકારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. જેમાં સીઈઓ પરાગ અગ્રવાલ, ફાઈનાન્સ ચીફ નેડ સેગલ, લીગલ એક્ઝિક્યુટિવ વિજયા ગડ્ડે અને સીન એજેટનો સમાવેશ થાય છે. ઓક્ટોબર 2022માં ટવીટરના 7500 કર્મચારી હતા. પરંતુ આજે માત્ર 2500 કર્મચારી જ બાકી રહ્યા છે.
- બ્લોક એકાઉન્ટને અનબ્લોક કર્યા : ટ્વીટરના નિયમો અનુસાર કામ ન કરતા યુઝર્સના એકાઉન્ટ મેનેજમેન્ટ દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા. પરંતુ ઈલોન મસ્કે એપ્લિકેશન ખરીદ્યા બાદ નવેમ્બર 2022માં એકાઉન્ટ અનબ્લોક કરવાની શરૂઆત કરી હતી. જેમાં સૌથી પહેલા યુ.એસ.ના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને અનબ્લોક કરવામાં આવ્યું હતું. જે પહેલા મસ્કે ટ્વીટર પર એક પોળ કરી ટ્રમ્પનું એકાઉન્ટ રિકવર કરવા માટે એક પોલ કર્યો હતો. જેમાં 15 મિલિયન યુઝર્સ દ્વારા હા કે નામાં જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં 52 ટકા યુઝર્સે હાનો જવાબ આપ્યો હતો. જેથી જ ટ્રમ્પનું એકાઉન્ટ અનબ્લોક કરાયું હતું.
- બ્લૂ સબસ્ક્રિપ્શન સેવા : ઈલોન મસ્કે ટ્વીટર એક્વાયર કરતા પહેલા બ્લ્યુ ટીકના નિયમો જુદા જ હતા. પરંતુ ઈલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદ્યા બાદ તેને બ્લ્યુ ટીક સબસ્ક્રિપ્શન વેચવાની શરૂઆત કરી હતી. જેથી ઓછા ફોલોઅર્સ ધરાવતા યુઝર પણ રૂપિયા ખર્ચી બ્લ્યુ ટીક મેળવી શકતા હતા. ભારતની વાત કરી એ વેબ યુઝર્સ માટે બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમત દર મહિને રૂ. 650 છે. અને તેનું વાર્ષિક સબસ્ક્રિપ્શન 6,800 રૂપિયા છે. જયારે મોબાઈલ યુઝર્સ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ દર મહિને રૂ. 900 છે.
- પોસ્ટની શબ્દ સંખ્યામાં વધારો કરાયો : ટ્વીટર પર પોસ્ટમાં શબ્દોની એક મર્યાદા હતી. ટ્વીટરના જૂના મેનેજમેન્ટ દ્વારા તે મર્યાદા 280 શબ્દો રાખવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ ઈલોન મસ્ક દ્વારા તે મર્યાદાને વધારીને 25,000 શબ્દ કરવામાં આવી છે. જેન પાછળનું કારણ સબ્સ્ક્રિપશન બેઝ સિસ્ટમ હોવાનું માનવામાં આવે છે.
- પોસ્ટ વાંચવાની પણ મર્યાદા : ટ્વીટર પર પહેલા યુઝર અનલિમિટેડ પોસ્ટ વાંચી શકતા હતા તેના પર રીપ્લાય કરી શકતા હતા. પરંતુ હવે, વેરિફાઇડ યુઝર્સ માટે પોસ્ટ વાંચવાની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અનુસાર વેરિફાઇડ યુઝર્સ એક દિવસમાં માત્ર 10,000 પોસ્ટ વાંચી શકશે. જયારે અનવેરિફાઇડ યુઝર્સ રોજ માત્ર એક હજાર પોસ્ટ જ વાંચી શકશે. તો બીજી તરફ નવા અનવેરિફાઇડ યુઝર્સ માટે પોસ્ટ વાંચવાની રોજની મર્યાદા માત્ર 500 જ રાખવામાં આવી છે.
- ટ્વીટરનું નામ અને લોગો બદલ્યો : 24 જુલાઈ 23ના રોજ ઇલોન મસ્કએ 'Twitter' ના નામ અને લોગો બદલવાની જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટર પર અચાનક જ નામ એક્સ (X) કરી દેવામાં આવ્યું થયુ. જે બાદ ઈલોન મસ્ક દ્વારા નામ બદલવાની જાહેરાત કરાઈ હતી. નામની સાથે ટ્વીટરનો લોગો જેમાં ચકલી હતી તે પણ બદલીને એક્સ કરી દેવામાં આવ્યો છે.
- ઓડિયો અને વીડિયો કોલ ફીચર : એપ્લિકેશન એક્સ પર 26 ઑક્ટોબર 23ના રોજ ઑડિયો-વીડિયો કૉલ ફીચર રોલઆઉટ કરાયું હતું. ઈલોન મસ્કએ X ઉપર એક પોસ્ટ કરી માહિતી આપી હતી. તેમાં જણાવ્યું હતી કે, ફીચરનું આ પ્રારંભિક વર્ઝન છે, જેમાં જરૂરિયાત અનુસાર ફેરફારો અને અપડેટ આપવામાં આવશે.