મુંબઇ
પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન હાલ પોતાના પરિવાર સાથે ખૂબ સમય વિતાવી રહી છે. પોતાના શૂટિંગ પ્રોજેક્ટ પૂરા કર્યા પછી કરીના ફેમિલી ટાઈમને માણી રહી છે. કરીના કપૂરે હાલમાં જ પોતાની મમ્મી સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં પ્રેગ્નેન્ટ દીકરી કરીનાને મમ્મી બબીતા કપૂર તેલ માલિશ કરી આપતી જોવા મળે છે. મમ્મીનું વહાલ મળે પછી બીજું શું જોઈએ. મા-દીકરીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
કરીનાએ મમ્મી બબીતા કપૂર સાથેની આ તસવીર શેર કરતાં લખ્યું, 'મમ્મીના હાથની માલિશ....તસવીરમાં કરીના પોતાનું ફેવરિટ કફ્તાન પહેરેલી જોવા મળે છે. તો બબીતા કપૂરે પિંક રંગનું લાઈનિંગવાળું શર્ટ પહેર્યું છે. તેઓ પ્રેમથી દીકરીના માથામાં માલિશ કરી આપતા જોવા મળે છે. તો માનો વહાલસભર હાથ માથામાં ફરતાં કરીનાના ચહેરા પર પરમાનંદ અને સંતોષ જોવા મળે છે.
કરીના અને બબીતા કપૂરની આ તસવીર પર બેબોની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ કોમેન્ટ કરીને 'સો સ્વીટ' લખ્યું છે. તો સ્વ. ઋષિ કપૂરની દીકરી અને કરીનાની કઝિન રિદ્ધિમા કપૂર સહાનીએ પણ કોમેન્ટમાં હાર્ટનું ઈમોજી મૂક્યું છે. આ સિવાય પણ ઘણા સેલેબ્સે કરીના કપૂરની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.