કરાંચીનું નામ પડતાં આજની નવી પેઢીને પાકિસ્તાન, ઈસ્લામ અને ઉર્દુ અને સિંધી ભાષાનું જ કદાચ સ્મરણ થાય. પરંતુ સિંધનું આ પાટનગર એક સમયમાં ગુજરાતી સંસ્કાર, સાહિત્ય અને ગુજરાતી અસ્મિતાના ત્રિવેણી સંગમ સમાન હતું. ગુજરાતના મુખ્ય નગરો ઉપરાંત ગુજરાતના સંસ્કારોને ઉજાગર કરતાં નગરોમાં મુંબઈ અને કલકત્તા પછી એ સમયે કરાંચીનું નામ લેવાતું.
જૈન મૂનિ વિદ્યાવિજયજીએ ઈસવીસન ૧૯૩૯માં કચ્છમાં ચાતુર્માસ કર્યા અને એ દરમ્યાન એમણે 'મારી કચ્છ યાત્રા’ પુસ્તક લખ્યું હતું. એથી પહેલાંના ચાતુર્માસ એમણે પાડોશી પ્રદેશ સિંધમાં કર્યા હતાં અને તેમના સિંધના મૂકામ દરમ્યાન પણ એમણે 'મારી સિંધ યાત્રા’ નામનું પુસ્તક ઈસવીસન ૧૯૪૩ના પ્રસિદ્ધ કર્યુ હતું. જે પુસ્તક આજથી આઝાદી પહેલાનાં સિંધને ઓળખવા અને સમજવા માટે ખૂબ જ માર્ગદર્શક નીવડે એવું છે.
વિજયસૂરિ જૈન ધર્મગ્રંથમાળાના પ૩માં મણકારૂપે પ્રસિદ્ધ કરાયેલા આ પુસ્તકમાં જે વાતો મૂનિરાજે કરી છે તેમાં સિંધ પ્રદેશમાં કચ્છીઓ અને ગુજરાતીઓનો પ્રવેશ અને તેમના વિકાસ અને વિસ્તારની પણ વાતો કરી છે. મારવાડથી વિહાર કરતા મુનિરાજે સિંધમાં પ્રવેશ કર્યો ત્યારે સિંધના એક સાવ નાના ગામડામાં પણ તેમને ખેતરોમાં અનાજ કાપવાનું કામ કરતા એક ગુજરાતી પરિવારનો મેળાપ થઈ ગયો ત્યાંથી જ મૂનિરાજે સિંધમાં ગુજરાતીઓની વાતનો આરંભ કર્યો છે.
મૂનિરાજના કથન પ્રમાણે એ સમયે ઈ.સ.૧૯૩૯માં કરાંચીની કુલ ત્રણ લાખની વસતીમાં નેવું હજાર ગુજરાતીઓ હતાં. આથી કરાંચીને ગુજરાતીઓએ 'ગુજરાતી કરાંચી’ બનાવી દીધું હતું. જેમાં કચ્છી, કાઠિયાવાડી અને ગુજરાતીઓનો સમાવેશ થતો હતો. તો હૈદરાબાદમાં પણ ખાસ્સી ગુજરાતીઓની વસતી હતી. સિંધમાં વસતા ગુજરાતીઓમાં કચ્છી લોહાણા, ભાટિયા અને મેમણોની વસતી વધારે હતી. મૂનિરાજ નોંધે છે કે કચ્છના સાહસિક મેમણભાઈઓ, સિદ્ધપુરના વોરાજીઓ અને દક્ષિણ ગુજરાતના પારસીઓની વસતી મોટા પ્રમાણમાં કરાંચીમાં છે. કચ્છી લોહાણા, ભાટિયા, જૈન, મોચી, હજામ, વાઘરી મેઘવાળ, કડીયા, મિસ્ત્રી સુથાર, પારસી, વોરા, ખોજા અને મેમણ વગેરે કોમના ગુજરાતી પરિવારો કરાંચીમાં એ સમયે એકસંપ થઈને રહેતાં હતાં. તો સનાતની, જૈન, રામાનુજ, વલ્લભ સંપ્રદાયી, કબીરપંથી કે સ્વામીનારાયણી, પારસી કે મુસલમાન અનેક ધર્મના ગુજરાતી અનુયાયીઓએ કરાંચીમાં હતાં.
ગુજરાતીઓ સિંધમાં કયાંથી અને કયારે આવ્યા હશે તેની ચર્ચા કરતાં તેમણે નોંધ્યું છે કે, એ સમયે કચ્છનું રણ કે થરપારકરના રેતીના પહાડ જેવડા ઢુંવા પસાર કરવા એ સહેલી વાત ન હોવા છતાં સાહસી કચ્છી અને ગુજરાતીઓએ તેમ પણ કરીને સિંધમાં પ્રવેશ કર્યો હતો. અઢારમી સદીના અંત ભાગમાં સિંધમાં મીરોનું રાજ હતું એ સમયે કચ્છી લોહાણા અને ભાટિયાઓેએ નગરઠઠામાં પ્રથમ પ્રવેશ કર્યો હતો. કરાંચીના એ સમયના આગેવાન હિરાલાલ ગણાત્રાએ મુનિરાજ પાસે રજૂ કરેલા ઈતિહાસ મુજબ કચ્છ અને કાઠિયાવાડની પ્રજા બંદરી વેપાર કરવાના ઈરાદે ઓગણીસમી સદીના આરંભે કરાંચી બંદરે દેશી વહાણોમાં આવી વસ્યા હતાં. તો કેટલાક પરિવારો પગરસ્તે કચ્છનું રણ પાર કરીને નગરઠઠા, જુંગશાહી કે તેના જેવા અન્ય ટૂંકા રસ્તે આવતા હતાં. દરિયામાર્ગે માંડવી, જાેડીયા અને જામનગર બંદરેથી કરાચી આવતાં. કરાંચીમાં કચ્છીઓના લતાને 'કચ્છી ગલી’ અને કાઠિયાવાડથી આવીને વસેલાઓના લતાને 'જાેડીયા બજાર’ તરીકે ઓળખવામાં આવતાં. કરાંચીની જૂની અને તે સમયે જાણિતી પેઢી લાલજી લક્ષ્મીદાસની પેઢીમાં સંવત ૧૮૭પના શેઠ પે્રમજી પ્રાગજીના ચોપડા હયાત હોવાનું મૂનિરાજે નોંધ્યું છે. આથી ઈસવીસન ૧૮૧૯ની સાલથી તો કરાચીમાં ગુજરાતીઓ હોવાનું પૂરવાર થાય છે.
મુનીજી નોંધે છે તેમ સિંધમાં વસતા તમામ ગુજરાતીઓએ સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય બાબતોમાં પોતાનું ઓજસ્ બતાવી આપ્યું હતું. 'ગુજરાતી ધૂળમાંથી ધન સર્જે છે’ એવી કહેવતને બુદ્ધિથી, શ્રમથી, નિજના ઓજસથી અને વર્ચસ્વથી સાચી પાડી હતી.
એ સમયે કરાંચીની એક પણ પ્રવૃત્તિ એવી નહતી કે જેમાં કચ્છી કે ગુજરાતી ઝળકયા વિના રહ્યા હોય! કોઈ પણ પ્રવૃત્તિમાંથી ગુજરાતીની બાદબાકી કરો એટલે લગભગ શૂન્ય રહે એવું મજબૂત સ્થાન કચ્છી અને ગુજરાતીઓએ પોતાનું જમાવ્યું હતું. ઈસવીસન ૧૮૭પમાં કરાંચીમાં કોંગ્રેસ મહાસભાના અધિવેશનની સફળતાનો સંપૂર્ણ યશ એ સમયે ગુજરાતીઓને અપાયો હતો. તો ઈસવીસન ૧૯૩૯માં 'શ્રી ગુર્જર સાહિત્ય કળા મહોત્સવ’ કવિ ન્હાનાલાલના અધ્યક્ષતામા્રં યોજાયો તથા એ જ વર્ષમાં કનૈયાલાલ મુનશીના અધ્યક્ષ પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૩મું અધિવેશન ભરાયું ત્યારે સવાસો વર્ષથી પોતાની માતૃભૂમિ અને દેશ બાંધવોથી દૂર હોવા છતાં તેઓ પોતાના દેશ, વેશ, જાતિ, ભાષા અને સાહિત્ય સંપૂર્ણ વફાદાર રહ્યા હોવાનું પૂરવાર કર્યુ હતું.
કરાચીમાં એ સમયે અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ગુજરાતીઓના સંરક્ષણ નીચે ચાલતી હતી. કરાચીમાં 'પ્રભુત્વ પ્રચારક મંડળ’, 'ગુજરાતી કલબ’, 'ગુજરાતી જીમખાના’, 'ગુજરાતી વ્યાયામ શાળા’, 'ગુજરાતી મહિલા સમાજ’, 'ગુજરાતી ભગીની સમાજ’ વગેરે સંસ્થાઓ પણ ગુજરાતીઓના સંગઠનને વધુ મજબૂત બનાવવા પાયાની કામગીરી કરતા હતાં.
રાજકીય ક્ષેત્રે પણ ગુજરાતીઓનું સ્થાન ઊચું હતું. સિંધની ધારાસભા જમશેદ મહેતા, ભાઈ સીંધવા, ડૉ. પોપટલાલ તથા નારાયણદાસની ગર્જનાઓથી ગાજતી રહેતી. કરાંચી નગરપાલિકાના પ૬ સભ્યોમાંથી ર૦ જેટલા ગુજરાતી સભ્યો હતા. હાતીમ અલવી અને ભાઈ સીંધવા તો મેયર પણ બની ચૂકયા હતા. કરાંચીમાં ગુજરાતીઓનું 'ગુજરાતનગર’ પણ એક ગુજરાતીઓ માટે ગૌરવ લઈ શકાય એવું સ્થાન છે. કોંગે્રસનું અધિવેશન જે સ્થળે ભરાયું હતું તે સ્થાને જ મહાત્મા ગાંધીના કરાંચીના નિવાસસ્થાને એક કાયમી સ્મારક બનાવી 'ગુજરાતનગર’ની સ્થાપના કરાઈ હતી.
આજે પણ કરાંચીમાં કચ્છીયત અને ગુજરાતીયતનો દીવો પ્રજ્વલિત છે. ઉર્દુ સાથે કચ્છી અને ગુજરાતી ભાષામાં સર્જન આજે પણ થાય છે તો પત્રકારિત્વ ક્ષેત્રે પણ પાંજા માડુઓએ ખાસ્સું કાઠું કાઢયું છે. આદમ ભગત નામના ઉદ્યોગપતિ ગુજરાતીમાં સર્જન કરે છે તેમના પ્રતિષ્ઠાનનું સરનામું છે 'લક્ષ્મી બિલ્ડીંગ’. આજે પણ આ ભવનમાંથી 'મેમણ ન્યૂઝ’ સાપ્તાહિક પ્રસિદ્ધ થાય છે. જૈનલ આબેદીન કાદરબક્ષ 'નિયાપો’ નામક કચ્છી માસિક પણ ચલાવતાં. તો આદમ સૂમરોએ પણ 'પાક સમાચાર’ અને 'પરિચય’ નામે વર્તમાનપત્રો પ્રકાશિત કર્યા હતાં.
ગુજરાતનો એક પર્યાય એટલે આપણો ગરબો. આ ગરબો પણ દબદબાભેર કરાંચી પહોંચેલો અને મુખ્યત્વે કચ્છી અને કાઠિયાવાડીઓની વસતીને કારણે કરાંચીમાં ગરબી ગુજરાતથી ‘સવાઈ ગરબી’ બની હતી. કરાંચીથી આવેલા જૂના ગુજરાતીઓ ગર્વ સાથે કહે છે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, મુંબઈ, ભાવનગર કે કયાંય કરાંચી જેવી ગરબી કે દાંડીયારાસ આજે પણ જાેવા મળતાં નથી.
Loading ...