25, માર્ચ 2025
સુરત, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કટકનાં વૃદ્ધ સાથે થયેલા ૬.૧૬ કરોડનાં ઓનલાઇન ચીટિંગ કેસમાં ફરાર થઈ ગયેલા વરાછાનાં પ્રવીણ ભાલાળા હવે હનીટ્રેપનાં વિવાદમાં સપડાયો છે. લેસપટ્ટીનાં વેપારીને લલના સાથે શરીર સુખ માટે મોકલ્યા બાદ પોલીસ કેસની વાતોથી ડરાવી ધમકાવી ૧૪ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. સાયબર ફ્રોડમાં નામ આવ્યા બાદ નવ દસ વર્ષ પહેલાની આ હનીટ્રેપની ઘટના અંગે પ્રવીણ ભાલાળા સામે ફરિયાદ નોંધાવાઈ છે. સરથાણા યોગીચોક વિસ્તારમાં આવેલ યોગી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતો હિતેશ બોરડ વર્ષ ૨૦૧૪-૧૫માં પ્રવિણ ભાલાળાની લેસપટ્ટી એસો.નાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોય તેના સંપર્કમાં આવ્યો હતો. ૨૦૧૫ના ઓગસ્ટ મહિનામાં દિવ્યા ઉર્ફે દક્ષા નામની યુવતીએ કાર લોન સંદર્ભે હિતેશને કોલ કર્યો હતો. પોતાને લોનની જરૂર ન હોવાનું કહી હિતેશે વાત પુરી કરી હતી. એક અઠવાડિયા બાદ દિવ્યા ઉર્ફે દક્ષાએ બે બિભત્સ વીડિયો હિતેશને વોટ્સએપ પર મોકલ્યા હતા. દિવ્યાએ મોકલેલા કામોત્તેજક વીડિયો અંગે હિતેશે પ્રવીણ ભાલાળાને વાત કરી હતી. એ સમયે પ્રવિણે હિતેશને તેણી સાથે વાત કરવા અને સંબંધ રાખવા ઉશ્કેર્યો હતો. મારી પોતાની પાસે પણ આવી ૩- ૪ સ્ત્રી મિત્ર છે પછી આપણે ફાર્મ ઉપર જાશુ તેવું કહી હિતેશને પણ ગર્લફ્રેન્ડ રાખવા કહ્યું હતું. ત્યારબાદ પણ દિવ્યાએ વીડિયો મોકલવાનું ચાલુ રાખતાં આખરે હિતેશ લપસ્યો હતો. તેણે વોટ્સએપ પર મેસેજ કર્યા અને પછી તેણીએ હિતેશને પુણાગામ ડી.આર.વર્લ્ડ પાસે મળવા બોલાવ્યો હતો. હિતેશ તેના મિત્ર મયુર સાથે કારમાં પહોંચ્યો એટલે દિવ્યા મળી હતી. તેણી કારમાં બેઠી અને તેઓ પુણાગામ કેનાલ રોડ થઈને કામરેજ-વાવ બાજુ ગયા હતા, દરમિયાન દિવ્યાએ હોટેલનાં રૂમમાં જઇએ એમ કહયું હતું. રસ્તામાં ગણેશ હોટેલ આવતા હિતેશે ગાડી ઉભી રાખી અને ત્યાં તેઓએ રૂમ બુક કરાવ્યો હતો. હિતેશ અને દિવ્યા રૂમમાં ગયા અને થોડા સમયમાં તેણીએ મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, સારું લાગતું નથી, આપણે ફરી ક્યારેક આવીશું એમ કહી ઘરે જવાની વાત કરી હતી. ત્યારબાદ હિતેશ તેણીને કારમાં બેસાડી પરવતપાટીયા સુધી લાવ્યો હતો. અહીંથી તેઓ છૂટા પડ્યા હતાં. બાદમાં રાત્રિનાં આશરે આઠેક વાગ્યે હિતેશનાં મોબાઇલ નંબર ઉપર અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. કોલરે હું પી.એસ.આઇ. બોલુ છુ, તમે આજે જે છોકરીને હોટેલમાં લઇ ગયા હતાં તેણે તમારી સામે છેડતીની ફરિયાદ કરી છે, તમારી સામે ગુનો નોંધાશે એમ કહીને કોલ કટ કરી દીધો હતો. થોડા સમયમાં હિતેશને અન્ય એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. તેણે હું છોકરીનો સંબંધી બોલુ છું તેમ કહી ગાળાગાળી કરવા માંડી હતી. ઉપરા છાપરી કોલ આવતા હિતેશ ગભરાઈ ગયો હતો. એવા સમયે તેને પોલીસ સાથે ઘરોબો ધરાવતો પ્રવીણ ભાલાળા યાદ આવ્યો હતો. તેણે કોલ કર્યો એટલે પ્રવીણે તેને ઓફિસે મળવા બોલાવ્યો હતો. જ્યાં ભાલાળાએ કહ્યું હતું કે તું ચિંતા નહિં કર, હું તારૂ કાંઇ થવા નહી દઉં હું પી.એસ.આઈ.ને મોટા વરાછા મળતો આવુ” તેમ કહીને પ્રવીણ ગયો હતો.પ્રવીણે હું ઉપરના લેવલેથી મેટર પતાવું છું એમ કહી હિતેશને વિશ્વાસમાં લીધો હતો. જાે કે ત્યારબાદ રાત્રે અઢી વાગ્યે ભાલાળાએ વેપારીને ફોન કરીને જણાવ્યું હતું કે, છોકરી અને તેનાં પરિવારવાળા ફરિયાદ પાછી ખેંચવાના ૨૫ લાખ રૂપિયા માંગે છે, જાે પૈસા નહી આપીએ તો તારી સાથે તારો મિત્ર મયુર પણ લાંબામાં જશે એમ કહી સેટલમેન્ટ માટે દબાણ કર્યું હતું, હાલ પ્રવીણ ભાલાળાનું નામ સાયબર ફ્રોડમાં આવતા હિતેશે હિંમત કરી અને વરાછા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા ભાલાળા સાથે જ કામ કરતી હોવાનો વેપારી બોરડનો આરોપ
વેપારી હિતેશ બોરડે એવું જણાવ્યું હતું કે, પોલીસ અને દિવ્યાનાં પરિવાર સાથે સેટલમેન્ટ માટે પ્રવીણે પહેલા ૨૫ લાખની માંગણી કરી હતી. જાે કે, વાતચિતમાં હિતેશ બોરડ આટલી મોટી રકમ વધારે નહીં આપે એવું લાગતાં તેણે હિતેશને પંપાળી મેં જવાબદારી લઇ ૧૪ લાખમાં મેટર પતાવી છે, હું હમણાં પૈસા આપી દઉ છું, તું મને પછી આપી દેજે એમ કહ્યું હતું, ત્યારબાદ હિતેશ અને મયુરે ભાલાળાને એ રકમ ચૂકવી દીધી હતી. ભાલાળાએ આ વેપારીનો ફોન ફોર્મેટ મરાવીને કહ્યું હતું કે પરિવારજનોએ ફરિયાદ પાસે ખેંચી લીધેલી છે હવે તુ છૂટો. જાે કે, હિતેશને શંકા જતાં તેણે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેને ફસાવનાર દિવ્યા ઉર્ફે દક્ષા તો પ્રવીણને ત્યાં જ કામ કરે છે.
કટકમાં નોંધાયેલા સાયબર ફ્રોડનાં કેસમાં પ્રવીણ ભાલાળા અને તેનો ડ્રાઈવર વોન્ટેડ
ઓરિસ્સા કટક ખાતે રહેતા ૬૦ વર્ષીય વેંકટેશ્વર શીલાને ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગમાં સારો નફો થશે એમ કહી જુદા જુદા એકાઉન્ટમાં ઓનલાઈન ૬.૧૬ કરોડ ટ્રાન્સફર કરાવી લેવાયા હતાં. આ રૂપિયા પરત નહીં મળતાં વેંટકેશ્વર શીલાએ કટક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કટક પોલીસે વેંકટેશ્વર પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવાયા હતાં એ એકાઉન્ટ હોલ્ડરને પકડવા માંડ્યા હતાં. જેમાં સુરતનાં રવિકુમાર સભાયા તેની પત્ની સેજલ, પિતા ખુમાનભાઈ સભાયા તથા પારસ જેસાણી તેમજ ધર્મેશ સાવલીયાની ધરપકડ કરવામાં આવી હતી. આ તપાસનો રેલો પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા સુધી પહોંચ્યો હતો. વેંકટેશ્વર પાસે પડાવાયેલા પૈસા પૈકી પ્રવીણનાં કોટક બેંકનાં ખાતામાં ફ્રોડના ૧૫ લાખ અને તેના ડ્રાઇવર બળવંતરાય મહેતાનાં આઇસીઆઇસીઆઇ બેંકનાં એકાઉન્ટમાં ૧૦ લાખ રૂપિયા જમા થયાં હતાં.
ભાલાળાએ ફેસબુક પર બે વીડિયો અપલોડ કરી પોતાને નિર્દોષ ઠેરવવા પ્રયાસ કર્યો
ઓરિસ્સામાં વેપારી સાથે ૬.૧૬ કરોડની છેતરપિંડીનાં કેસમાં ફરાર પ્રવિણ ભાલાળાએ ગતરોજ રાત્રે ફેસબુક પર બે વિડિયો અપલોડ કર્યા હતા. તેણે એવો દાવો કર્યો કે, ઓરિસ્સાનાં કેસમાં તેનું નામ ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યું છે. ૧૦ મહિના પહેલા રવિભાઈ સભાયાએ મને પ્લોટ લેવા માટે ૧૫ લાખની એન્ટ્રી આપી હતી. જાે કે, મને યોગ્ય નહિ લાગતા તે પૈસા રવિભાઈને બેંકમાં જ પરત કરી દીધા હતા. ત્યારબાદ મારા બેંક એકાઉન્ટમાં ઓડિસાથી ૨ લાખની એન્ટ્રી આવી હતી. જેની બેંકમાંથી માહિતી કઢાવીને હું સાયબર ક્રાઇમમાં ગયો હતો. ત્યાંથી મને એવું કેવામાં આવ્યું હતું કે આ મેટર ગુજરાતની નથી એટલે આમાં કંઈ વિગત બતાવતી નથી. તમને કંઈ નોટિસ આવે ત્યારે જવાબ આપજાે. ઓડિસા જાઉ એ પહેલા પોલીસ અહીં આવી ગઈ. પોલીસે કબ્જે લીધો છે તે મારો જ ફોન છે. તેમાં છેલ્લા ૭ વર્ષનું બેકઅપ હશે. પોલીસ ચેક કરી શકે છે.