પેરિસ: પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે 26મો મેડલ જીત્યો છે. પ્રવીણ કુમારે શુક્રવારે મેન્સ હાઈ જમ્પ T-64ની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2.08 મીટર કૂદીને એશિયન રેકોર્ડ બનાવ્યો. આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છેઅગાઉ, ગઈકાલે જૂડો ખેલાડી કપિલ પરમારે પુરૂષોની J-1 કેટેગરીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને માત્ર 33 સેકન્ડમાં 10-0થી હરાવ્યો હતો. કપિલ પહેલાં હરવિંદર સિંહ અને પૂજાની મિક્સ્ડ તીરંદાજી ટીમ પણ બ્રોન્ઝ મેડલ મેચ હારી ગઈ હતી.ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સમાં ભારતનું આ ઓલટાઇમ બેસ્ટ પરફોર્મન્સ છે. આ પહેલા ટોકિયો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા. ભારતીય જુડોકા કપિલ પરમાર પુરૂષોની 60 કિગ્રા J1 વર્ગની સેમિફાઈનલમાં હારી ગયો. તેને ઈરાનના ખોરામ બનિતાબાએ 10-0થી હરાવ્યો હતો. બાદમાં કપિલે બ્રોન્ઝ મેડલ મેચમાં કમબેક કર્યું હતું. તીરંદાજીની મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં હરવિંદર સિંહ અને પૂજાની ભારતીય જોડીને 4-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના ત્રીજા સેટ સુધી ભારતીય ટીમ 4-2થી આગળ હતી, પરંતુ સ્લોવેનિયન તીરંદાજે છેલ્લો સેટ જીતીને સ્કોર 5-4 કરી દીધો અને મેડલ જીત્યો.અગાઉ ભારતીય જોડી સેમિફાઈનલથી આગળ વધી શકી ન હતી. તેઓને નંબર-1 ક્રમાંકિત ઇટાલીની ટીમે 6-2થી હાર આપી હતી. વુમન્સ T-12 કેટેગરીમાં ભારતની સિમરન ગાઈડ 100 મીટર રેસમાં મેડલ જીતી શકી નથી. તે 4 ખેલાડીઓની રેસમાં ચોથા ક્રમે રહી હતી. તેણે 12.31 સેકન્ડમાં રેસ પૂરી કરી. ક્યુબાની ઓમારા ઈલિયાસે 11.81 સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતનો અશોક પુરુષોની પાવરલિફ્ટિંગ 65 કિગ્રા વજન વર્ગમાં છઠ્ઠા સ્થાને રહ્યો. તેણે બીજા પ્રયાસમાં 199 કિલોગ્રામનું સર્વશ્રેષ્ઠ વજન ઉપાડ્યું. ચીનની યી ઝોઉએ 215 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રેટ બ્રિટનના માર્ક સ્વાન 213 (કિગ્રા)એ સિલ્વર મેડલ જીત્યો અને અલ્જીરિયાના બેટિર હોસૈને (209 કિગ્રા) બ્રોન્ઝ મેડલ જીત્યો.