રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેને વિનેશ ફોગટ વિશે ન બોલવા દેતા વિપક્ષનો વોકઆઉટ

નવીદિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ અને સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સામાં આવીને ખુરશી છોડી દીધી. વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા કરવામાં આવતા સૂત્રોચ્ચારથી તેઓ નારાજ થયા હતા. તેમણે કહ્યું કે આજે અહીં જે પણ થયું તે યોગ્ય નથી. અહીં મને નહીં, પરંતુ અધ્યક્ષ પદને પડકારવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા મારી વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે. તેઓ મારું અપમાન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હું આ ખુરશી પર બેસી શકવા સક્ષમ નથી. આ દરમિયાન વિરોધ પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વાસ્તવમાં, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વિનેશ ફોગાટનો મુદ્દો ગૃહમાં ઉઠાવવા માંગતા હતા. મંજૂરી ન મળતાં વિપક્ષી નેતાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેના પર અધ્યક્ષ જ ગુસ્સે થઈ ગયા.

વિપક્ષના હોબાળા વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને બોલવા દીધા. તેમણે ખડગેને પૂછ્યું કે તમે શું કહેવા માગો છો. તેના પર ખડગેએ કહ્યું કે અમે ગઈકાલે પણ આ વાત કરી હતી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આ માત્ર વિનેશ ફોગટની વાત નથી. અમે ચર્ચા કરવા માંગીએ છીએ કે આની પાછળ કોણ છે? આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરૂ થયો હતો.હોબાળો ત્યારે વધી ગયો જ્યારે અધ્યક્ષે કહ્યું કે રેકોર્ડ પર કંઈ જશે નહીં. આ દરમિયાન ચેરમેન જગદીપ ધનખર ગુસ્સે થઈ ગયા હતા. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન પર ગુસ્સો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ગૃહમાં તમારું વર્તન સૌથી ખરાબ છે. તમે ખુરશી તરફ ચીસો પાડી રહ્યા છો. હું તમારા વર્તનની નિંદા કરું છું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution