મુંબઇ
સોની ટીવીનો પોપ્યુલર શો 'મેરે ડેડ કી દુલ્હન' ટૂંક સમયમાં ઓફ એર થવાનો છે. વર્ષ 2019માં શરૂ થયેલો આ શો લિમિટેડ એપિસોડ સાથે તેના હેપ્પી એન્ડિંગમાં પહોંચી ગયો છે. આ શોમાં શ્વેતા તિવારી અને વરુણ બડોલા લીડ રોલ ગુનીત સિક્કા અને અંબરનો રોલ નિભાવી રહ્યા છે. શો બંધ થતા પહેલાં શ્વેતાએ આ એક વર્ષ ચાલેલા શોનો હિસ્સો બનવા પર ખુશી વ્યક્ત કરી છે. એક્ટ્રેસને ખુશી છે કે મેકર્સ કારણ વગર શોને ખેંચવાને બદલે યોગ્ય સમયે કોઈ નિર્ણય પર પહોંચી ગયા છે.
હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં શ્વેતાએ શોનો હિસ્સો બનવા પર કહ્યું, 'એક રોલ તરીકે ગુનીત સિક્કા હંમેશાં મારા દિલની નજીક રહેશે. મને ખુશી છે કે દર્શકોએ અમારો શો પસંદ કર્યો. આ લિમિટેડ એપિસોડવાળા શોનો હિસ્સો બનવાની સારી વાત એ છે કે અમને સ્ટોરીની કમાન ખબર હોય છે અને અમે તે આધારે અમારા રોલ પર કામ કરીએ છીએ. આ શો મારા માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે સુંદર સફર રહ્યો. હું આગળ પણ આ પ્રકારના પાથ બ્રેકિંગ શોનો હિસ્સો બનવાની ઈચ્છા રાખું છું.'
શોના હાલના પ્લોટમાં ગુનીત અને અંબરનાં લગ્ન થઇ ગયા છે. આ શો ગયા વર્ષે શરૂ થયો હતો અને આ વર્ષે 19 નવેમ્બરે ઓફ એર થઇ જશે. આ શોને 'સ્ટોરી 9 મંથ કી' શો સાથે રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે. શોમાં સુકીર્તિ કંડપાલ અને આશય મિશ્રા લીડ રોલમાં છે. આ અપકમિંગ શોનો પ્રોમો પણ રિલીઝ થઇ ગયો છે જેમાં બે અલગ અલગ વિચાર રાખનારાની સ્ટોરી દેખાડવામાં આવશે.