અમદાવાદ-
શહેરના નવરંગપુરામાં એક અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારે ભગવાન ઠાકોરજીની ચિંતા કરી તેઓને ગરમી ન લાગે તે માટે પૂજા રૂમ ખુલ્લો રાખી ઠાકોરજી પાસે ટેબલ ફેન રાખી આ પરિવાર સુઈ ગયો હતો. જોકે તસ્કરોએ આ જ પૂજા રૂમમાંથી પ્રવેશી ઘરમાંથી ૧.૪૭ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારે જે ભગવાનની ચિંતા કરી હતી તે જ રીતે તસ્કરોએ પણ ભગવાન ની ચિંતા કરી ઠાકોરજીની મૂર્તિ ને ગેલેરી માં મૂકી બાદમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવની વિગત એવી છે કે શહેરના નવરંગપુરામાં આવેલી પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઈ ગાંધી નિરમા યુનિવર્સિટી પાસે પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે તેઓ તથા તેમના પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા અને તેમના ઘરના પહેલા માળે આવેલા બેડરૂમમાં તે તથા તેમના પત્ની સુઈ ગયા હતા. તારીખ ૨૪ના રોજ સવારે ઉઠ્યા ત્યારે મનોજભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા. પરંતુ તેમના પત્નીએ કહ્યું કે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ હતી. તેમના ઘરમાં રહેલા ભગવાન ઠાકોરજીને ગરમીના થાય એ માટે દરવાજો ખુલ્લો રાખી ટેબલ ફેન ચાલુ મૂક્યો હતો. તે પૂજા રૂમ ના બારણે થી કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી આ પૂજા રૃમમાંથી ઠાકોરજીને ગેલેરીની જગ્યામાં મૂકી દીધા હતા અને બધો સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો.
જેથી ત્યાં જઈને મનોજભાઈએ જોયું તો એક લોખંડની તિજોરી ખુલ્લી હાલતમાં હતી અને તિજોરીના અલગ અલગ ડ્રોઅર તથા ચોર ખાનામાંથી કીમતી દાગીના તથા રોકડા સહિત ૧.૪૭ લાખની મતા ચોરી થઈ હતી. જેથી તેઓએ આ મામલે નવરંગપુરા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આમ એક પરિવારને ધર્મ કરતા ધાડ પડી હતી. જોકે, પોલીસ કેસ નોંધાતા હવે આ ધાર્મિક ચોરની તપાસ શરૂ કરી છે.