જ્યાં રસ્તો હોય ત્યાં દુકાનો થાય. શહેરી વિકાસનો આ એક સામાન્ય નિયમ છે. આમ તો આ નિયમ પુલને લાગુ ન પડવો જાેઈએ, પરંતુ તેમ થતું નથી. ભારતના દરેક શહેરમાં પુલની પગદંડી પર ફેરીયા બેસી જાય છે, અને તેઓ સારો ધંધો પણ મેળવે છે. આ કંઈ નવીન વાત નથી. ભૂતકાળમાં પણ પુલનો કેટલો વિસ્તાર, હંગામી કે કાયમી વ્યાપારી પ્રવૃત્તિ માટે થતો જ હશે. અહીં એક એવા પુલની વાત છે કે જ્યાં આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં આવી સગવડતા માટેની સુયોજિત રચના કરાઈ હતી. આ એક એવો પુલ છે જેમાં બંને તરફ પહેલેથી જ દુકાનો બનાવાઈ છે, અને આજની તારીખે પણ કાર્યરત છે. એકવાર તો એમ લાગે કે દુકાનોની વચ્ચેથી આર્નો નદી પર જતો માર્ગ બનાવવામાં આવ્યો છે.
બીજા વિશ્વયુદ્ધમાં ફ્લોરેન્સ શહેરના એક માત્ર પુલ છે જે ખંડિત નહતો થયોે. આ પુલના આવન-જાવનના માર્ગની બંને તરફની દુકાનોનો શરૂઆતમાં ખેડૂતો તથા કસાઈઓ જ ઉપયોગ કરતા. સમય જતા પ્રવાસીઓનું આકર્ષણ વધતા અહીં પ્રવાસીઓની પસંદગી પ્રમાણેની સામગ્રી વેંચાતી થઈ. આજે અહીં સ્થાનિક પરંપરાગત શૈલીના ઘરેણા અને ઝવેરાત સૌથી વધુ વેંચાય છે. પણ આજની તારીખે અહીં ખરીદીનું મહત્વ જ નથી, અહીં તો માત્ર પ્રવાસન-સ્થાન તરીકે મુલાકાત લેવાતી હોય છે અને ખરીદી થઈ જતી હોય છે.
રસ્તાની સરખામણીમાં પુલ પરની અવરજવર વધુ નિર્ધારિત હોય કારણ કે પુલ વડે જ નદીના બે કિનારે આવેલા શહેરના વિસ્તાર અર્થપૂર્ણ રીતે જાેડાતા હોય છે. પુલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના નદીને કારણે ભિન્ન થઈ પડેલા વિસ્તારોને જાેડવાનો છે. અહીં વાહનોની ગતિ વધુ અને સુનિશ્ચિત પણ હોય છે. પણ આ તો ૧૪મી સદીની વાત છે. તે વખતે નહતી વાહનોની એવી ઝડપ કે નહતી વાહનોની એટલી સંખ્યા. પછી તો દુકાનો વિકસે એ સ્વાભાવિક જ છે. અહીં તો સભાનતાપૂર્વક દુકાનો વિકસે તેનો ખ્યાલ રખાયો છે.
સન ૧૩૪૫માં સ્થપતિ ટાડ્દેઓ ગડ્દી દ્વારા નિર્ધારિત કરાયેલ આ એક રસપ્રદ રચના છે. આ પુલ ત્રણ કમાન ઉપર બનાવાયો છે. જેમાં બે બાજુની કમાન આશરે ૨૭ મીટર જેટલી લાંબી છે અને વચ્ચેની કમાનનો ગાળો આશરે ૩૦ મીટર જેટલો રખાયો છે. શહેરના આ સૌથી જૂના પુલની લંબાઈમાં વચ્ચેના ગાળામાં દુકાનો ન બનાવી ખુલ્લો રખાયો છે, જ્યાંથી નદી અને ઐતિહાસિક શહેરની વિવિધ સ્થાપત્યકિય રચનાઓ જાેઈ શકાય. અહીં દુકાનો પ્રવાસીઓની જરૂરિયાતો સંતોષાઈ શકે તેવા પ્રમાણમાપવાળી છે. આ દુકાનોની છત પુલના વચ્ચેના ખુલ્લા ભાગ પર પણ નીકળતી હોવાથી સમગ્ર પુલ જાણે છત-આચ્છાદિત હોય તેવી પ્રતીતિ થતી હશે. નદીની સપાટીથી આશરે ૪.૫ મીટર ઉપર ઉઠતા આ પુલની પહોળાઈ ૩૨ મીટર જેટલી છે. પુલના આ માપથી સમજી શકાય કે આજથી આશરે ૧૦૦૦ વર્ષ પહેલાની આ રચના તકનીકી બાબતે પણ કેટલી સચોટ હશે.
આ રચનાનો માત્ર ઉપરનો ભાગ જાેતા એવું લાગે જ નહીં કે આ પુલ છે. પથ્થરના આ પુલમાં આવન જાવનના માર્ગની બંને તરફ દુકાનો બનાવાઈ હોવાથી દૂરથી પુલ માટે જે પરંપરાગત છબી બંધાઈ છે તેનો સંપૂર્ણતામાં અહીં વિરોધ થયો છે. આ રચના જાણે સ્થાપત્યનું એક વિદ્રોહક વિધાન છે. અહીં આવનજાવન કરતાં દુકાનની ખરીદી ક્યાંક મહત્વની થઈ જાય છે. આ પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે અહીં વાહનો નિષેધ છે.
રિનેશાંના સમયગાળામાં ફ્લોરેન્સ શહેરમાં સ્થાપત્ય અને કળાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ હતી. આ પુલ તે પહેલાના સમયનો છે અને તેથી તેમાં રિનેશાં પ્રકારની સ્થાપત્ય શૈલી દેખાતી નથી. આ એક માત્ર ઉપયોગીતા માટેની રચના છે. અહીં નદીના બે કિનારાને જાેડવાના હતા, આ જાેડાણની બંને તરફ દુકાનો બનાવવાની હતી અને આ કામ પાર પડે તે માટે પ્રાપ્ય તકનીકી જ્ઞાનને પૂર્ણ રીતે પ્રયોજવાનું હતું. અહીં દ્રશ્ય અનુભૂતિનું એટલું મહત્વ જ નથી. અહીં લાગણીઓને આધારે રચના નથી કરાઈ. અહીં તો નિર્ધારિત કામ પાર પાડવાનું હતું. આ પુલની “ઉંમર” વધતાં તેનું મહત્વ સ્થપાતું ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી તેનું મહત્વ ઓર વધી ગયું. ફ્લોરેન્સની આમ પણ ઘણા પ્રવાસીઓ મુલાકાત લેતા જ હોય છે. મુલાકાત માટેનું આ એક વધુ સ્થાન છે.