દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજની 19 વર્ષીય વિદ્યાર્થી એશ્વર્યા રેડ્ડી દ્વારા આપઘાત કરવાના કેસમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારે જાણી જોઈને કરેલી નોટબંધી અને લોકડાઉનના લીધે અસંખ્ય લોકોના જીવન બરબાદ થયા છે, આ સત્ય છે. તેમણે વિદ્યાર્થીના પરિવારજનો સાથે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
નોટબંધી, લોકડાઉન જેવા પગલા ભરવા માટે રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. રવિવારે નોટબંધીના ચાર વર્ષ પૂરા થવા પ્રસંગે તેમણે તેને ગરીબ વિરોધી ચાલ ગણાવી હતી. રાહુલે આરોપ લગાવ્યો હતો કે નોટબંધી દ્વારા કેટલાક મૂડીવાદીઓને ફાયદો થયો હતો. એશ્વર્યા તેલંગણાના રંગારેડિ જિલ્લાની રહેવાસી હતી અને તેના પિતા મોટર મિકેનિક હતા. પિતાનું કહેવું છે કે તેમની પુત્રી આઈએએસ બનવાનું સ્વપ્ન જોતી હતી, પરંતુ લોકડાઉન દરમિયાન તેની પાસે જૂનું લેપટોપ ખરીદવા માટે તેની પાસે એટલા પૈસા નહોતા.