ગાંધીનગર ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે, તેમ તેમ રાજકીય નેતાઓ દ્વારા કરાયેલા નિવેદનો પણ લોકોમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં છવાઈ જવા નેતાઓ કે ઉમેદવારો મર્યાદા વટાવી જતા હોય છે અને હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલું નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો ગયો છે. આ અંગે ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ ગુજરાતની ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. તેમજ આ નિવેદનથી પીએમનું નહીં ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે તેવું જણાવાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચાલતા પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, ‘શું મોદી પાસે રાવણની જેમ ૧૦૦ મોઢાં છે? મને સમજાતું નથી.’ જ્યારે આ અગાઉ ગત રવિવારે સુરત ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેરસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુઠ્ઠાણાંના સરદાર ગણાવ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સાંજે બહેરામપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી દરેક સમયે પોતાના વિશે વાતો કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો દેખાવ જાેઈને મત આપો. લોકો તમારો ચહેરો કેટલી વાર જુએ? કાઉન્સિલરની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, ધારાસભ્ય (વિધાનસભા)ની ચૂંટણીમાં જુઓ તમારો ચહેરો, સાંસદ (લોકસભા)ની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા ૧૦૦ ચહેરા છે?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પીએમ મોદી કામ પર કેમ કંઈ બોલતા નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. આ જુમલા એવી રીતે બોલે છે કે જે જૂઠાણાંની ઉપર જ છે. તેઓ માત્ર જૂઠું બોલે છે. કહેવામાં આવ્યું હતું કે, વાર્ષિક ૨ કરોડ નોકરીઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીને ઉદઘાટન કરવાની આદત છે. કોઈએ કંઈ પણ તૈયાર કર્યું હોય તો ચૂનો, કલર લગાવીને તેનું ઉદઘાટન કરે છે. ત્યારે તેઓ કહે છે કે, આ મારું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ આ અગાઉ રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જાતને ગરીબ કહે છે, પણ હું તો અછૂત છું, મારી સાથે તો કોઈ ચા પણ પીતું નથી.
ખડગે ચૂંટણીનું દબાણ સહન નથી કરી શકતા માલવિયા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી અંગે કરેલા નિવેદન અંગે ભાજપ દ્વારા વળતો પ્રહાર કરાયો હતો. જે અંગે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું દબાણ સહન કરી શકતા નથી. જેના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે.
ગુજરાત અને દેશનું અપમાન સંબિત પાત્રા
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પરના નિવેદન અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાવણ’ કહેવા એ ઘોર અપમાન છે. સૌ પ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને ‘રાવણ’ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું.