અમદાવાદ ચાંદખેડામાં રહેતા યુવકના સસરાની રાજકોટમાં ગાડી ચોરાઇ હતી જે તેને બોડકદેવ પાસેના ગાર્ડન પાસે બીનવારસી હાલતમાં મળી આવતા યુવકે તરતજ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. જેથી બોડકદેવ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યા દારૂની ખેપનો પર્દાફાશ થયો હતો. યુવકે પોતાના સસરાની જે ગાડી બતાવી હતી તે દારૂ ભરેલી હતી. આ સિવાય ગાડીની બાજુમાં પડેલા એક પીકઅપ જીપમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગાડી અને પીકઅપ જીપના ડ્રાઇવરની ધરપકડ કરીને લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીકઅપ જીપમાં ચોરખાનુ બનાવીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી અને દારૂનો જથ્થો મોજામાં વીંટાળેલો હતો જેનો ઘટસ્ફોટ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આવેલા પંચસ્લોક રેસીડેન્સીમાં રહેતા પાર્થ કોરડીયા નામના યુવકે ગઇકાલે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો કે, મારા સસરાની ગાડી રાજકોટથી ચોરાઇ હતી, જે બોડકદેવ ગાર્ડન પાસે પડી છે. પાર્થની ફરિયાદના આધારે કંટ્રોલરુમની ટીમે બોડકદેવ પોલીસને જાણ કરી હતી. બોડકદેવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પાર્થનો સંપર્ક કર્યો હતો. પાર્થે દૂરથી પોલીસને તેના સસરાની બલેનો ગાડી બતાવી હતી. પાર્થે પોલીસને જણાવ્યું હતું કે, બલેનો ગાડી મારા સસરાની છે જે રાજકોટ ખાતેથી ચોરી થઇ હતી. પોલીસે ગાડી પાસે જઇને તપાસ કરી તો તેમાં ત્રણ થેલા પડ્યા હતા અને ડ્રાઇવરની સીટની બાજુમાં એક દારૂની બોટલ પડી હતી. પોલીસે આસપાસમાં ચેક કર્યું તો કોઇ ગાડીચાલક મળી આવ્યો નહી, પરંતુ બલેનો ગાડીની પાસે એક પીકઅપ જીપ હતી જેનો પણ ડ્રાઇવર હાજર હતો નહીં. બન્ને ગાડીઓ શંકાસ્પદ હોવાથી પોલીસની ટીમે ડ્રાઇવર આવે ત્યાં સુધી રાહ જાેઇ હતી. થોડા સમય બાદ બે યુવકો આવ્યા હતા જેમાં એક યુવક બલેનોમાં આવીને બેઠો હતો જ્યારે બીજાે યુવક પીકઅપમાં આવીને બેઠો હતો. પોલીસે બન્ને ગાડીઓને કોર્ડન કરીને બન્ને યુવકોને ઝડપી લીધા હતા. એક યુવકનું નામ છત્રપાલસિંગ સિસોદીયા અને બીજાનું નામ જીતેન્દ્રસિંઘ ચૌહાણ જે બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પોલીસે બલેનો ગાડી ચેક કરતા પગમાં પહેરવાના મોજામાં દારૂની બોટલો વિંટાડેલી મળી આવી હતી. બાદમાં પોલીસે જીતેન્દ્રની પીકઅપ જીપ ચેક કરી હતી જેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પરંતુ પોલીસને શંકા હોવાથી પીકઅપની જીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, જીતેન્દ્રએ પોતાના વાહનમાં ચોરખાનું બનાવ્યું હતું. ચોરખાનું જાેતા તેમાં મોજામાં વીંટાળેલી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની ટીમ બન્નેની ધરપકડ કરીને તેમને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યાં તેમની આગવી ઢબથી પુછપરછ કરી હતી. પોલીસે બલેનો અને પીકઅપ જીપમાંથી ૩.૩૪ લાખ રૂપિયાની કિંમતની ૩૪૯ દારૂની બોટલો મળી આવી હતી. જ્યારે ૪૬૦૮ રૂપિયાની કિંમતના ૪૮ બીયરના ટીન મળી આવ્યા હતા.