વડોદરા : ગોત્રી હાઈપ્રોફાઈલ રેપકાંડમાં ઝડપાયેલા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટને શુક્રવારે મોડી રાત્રે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ લઈને જવા રવાના થઈ હતી. જ્યાં તેને સાથે રાખી તપાસ કરવામાં આવશે. પ્રથમ અમદાવાદ બાદમાં રાજકોટ અને છેલ્લે જૂનાગઢ ખાતે રાજુ ભટ્ટને સાથે રાખી જ્યાં જ્યાં સંતાયો હોય, આશ્રયસ્થાન લીધા હોય ત્યાં લોકોના નિવેદન લઈ પુરાવા એકત્ર કરવામાં આવશે. બીજી તરફ દુષ્કર્મના મામલાના મુખ્ય આરોપી અશોક જૈન અને આ મામલામાં આરોપી નહીં હોવા છતાં મહત્ત્વના ગણાતા બૂટલેગર અલ્પુ સિંધીને શોધવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. ત્યારે રાજુ ભટ્ટની કોલ ડિટેઈલ જાહેર થાય તો મોટો ભૂકંપ સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું બહાર આવ્યું છે.
રાજુ ભટ્ટ સામે દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો. તે અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ ગયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું, જેથી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ગતરોજ પીડિતાના ફલેટમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કર્યા બાદ આજે ક્રાઈમ બ્રાન્ચ રાજુ ભટ્ટને લઈને અમદાવાદ પહોંચી છે અને તપાસ કરી રહી છે. ત્યાર બાદ રાજકોટ અને જૂનાગઢ પોલીસ તપાસ કરશે. રાજુ ભટ્ટને કોણે આશ્રય આપ્યો હતો, તેની તપાસ કરાશે અને હોટેલ, ગેસ્ટહાઉસમાં રોકાયો હશે ત્યાં પણ તપાસ કરાશે. હાલ રાજુ ભટ્ટને આશ્રય આપનારા પોલીસની રડારમાં છે અને ફરાર રહ્યા દરમિયાન રાજુ કોને કોને મળ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માગણી કરતાં કુલ ૧૧ મુદ્્ા રજૂ કરી આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જાેઈએ, એવી રજૂઆત કરવામાં આવી હતી, એની સામે બચાવપક્ષે રજૂઆત કરી હતી કે દુષ્કર્મ કેસમાં રિ-કન્સ્ટ્રકશન પંચનામું થઈ શકે નહીં. આરોપીને કોણે ભગાડયો અને મદદ કરી એના પુરાવા નથી. સીસીટીવી અને મોબાઈલ રેકોર્ડિંગ વગેરે ટેકનોલોજી પુરાવા છે એટલે એમાં રિમાન્ડની જરૂર નથી. જ્યુડિ. મેજિસ્ટ્રેટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ગતરોજ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરાના નિસર્ગ કોમ્પલેક્સના ફલેટ નં. ડી/૯૦૩ માં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સાથે રાખીને એસઆઈટી (સીટ) દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીડિયાને ફલેટ નં.ડી/૯૦૩માં એન્ટ્રી આપવામાં આવી નથી અને બંધબારણે જ રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
રાજુ ભટ્ટની કોલ ડિટેઈલમાં અનેક મોટા માથાઓના નંબરો સાથે વાતચીત!
રાજુ ભટ્ટનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલાયો છે, જ્યાં એને ડિલીટ કરેલો ડેટા રિકવર કરાયા બાદ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે. પરંતુ પોલીસે દુષ્કર્મની ઘટનાના એક મહિના પહેલાંની કઢાવેલી કોલ ડિટેઈલમાં શહેર અને ગાંધીનગર સુધીની અનેક રાજકીય હસ્તીઓ અને મોટા માથાઓ જાેડે વાતચીત કરી હોવાનું બહાર આવ્યું છે. જાે આ યાદી જાહેર થાય તો મોટો ભૂકંપ સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થશે. જાે કે, પોલીસનું હાલ ફોક્સ અશોક જૈન અને બૂટલેગર અલ્પુ સિંધીને ઝડપી પાડવાનું છે, એ ઝડપાયા બાદ રાજુ ભટ્ટ સાથે સંપર્ક રાખનારા દરેકની કડક પૂછપરછ થશે અને જરૂર પડ્યે ધરપકડ પણ કરાશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.
વતનમાં માતા-પિતાને મળી પીડિતા પરત ફરી
જાણીતા સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર પીડિતા માતા-પિતાને મળવા બે દિવસ માટે વતન ગઈ હતી, અને એ પરત ફરી છે, અને તપાસ કરનાર અધિકારીઓના સતત સંપર્કમાં છે. પોતાના વકીલ સમક્ષ પીડિતાએ ક્રાઈમ બ્રાન્ચની તપાસ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. રાજુ ભટ્ટ ઝડપાયા બાદ વહેલી તકે મુખ્ય આરોપી અશોક જૈનને પણ ઝડપી લેવા માટે પોલીસને અપીલ કરી છે. ધમકી મળ્યા પછી હાલ પોલીસના સંરક્ષણમાં પીડિતા સલામતી અનુભવતી હોવાનું પણ જણાવ્યું છે.