જૂનાગઢ-
રાજ્યમાં વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્યુ છે. ખાડાના કારણે થયેલા અકસ્માતમાં લોકોના મોત થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. લોકો ખાડાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને તંત્ર વહેલામાં વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરે તેવી માગણી કરી રહ્યા છે.
કોર્પોરેશન વિસ્તારમાં ખખડધજ બની રહેલા માર્ગોને લઈને હવે પ્રદેશ એનસીપી પણ મેદાનમાં આવી છે. આજે મહિલા મોરચાના અધ્યક્ષ રેશમાં પટેલની હાજરીમાં 10 જેટલા કાર્યકરોએ પ્રતિકાત્મક રેલી કાઢીને શહેરના માર્ગો પર જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવાનો પ્રયાસ કર્યો હતો. રેશમા પટેલ સહિત એનસીપીના કાર્યકરો ગાંધી ચોક નજીક ધરણા પર બેસી જતા પોલીસે રેશમા પટેલ સહિત 10 જેટલાકાર્યકરોની અટકાયત કરી હતી.
પોલીસ દ્વારા અટકાયત કરવાની શરૂઆત કરવામાં આવતા રેશમા પટેલ સહિત અન્ય કાર્યકરોએ અટકાયતનો વિરોધ કર્યો હતો અને આ અટકાયત સરકારના ઈશારે કરાઈ રહી છે તેવું જણાવ્યું હતું. રેશમા પટેલે સ્થળ પરથી નહીં ઉઠવાનો નિર્ધાર વ્યકત કરતાં મહિલા પોલીસ કર્મચારીઓને રેશમા પટેલને ઊંચકી લઇને તેની અટકાયત કરવાની ફરજ પડી હતી. આ સમયે રેશમા પટેલ અને પોલીસ મહિલા કર્મચારીઓ વચ્ચે થોડી રકઝક પણ થઇ હતી. પરંતુ અંતે પોલીસની મહિલા કર્મચારીઓએ રેશમા પટેલની અટકાયત કરીને તેને પોલીસ પરેડ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.