વડોદરા, તા. ૧૮
કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલા શટલિયા વાહનોના ગેરકાયદે સ્ટેન્ડ પરથી ગઈ કાલે ૧૦ મુસાફરોને ભરીને નીકળેલી અર્ટિકા કારને એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતાં કારચાલક અને તમામ ૧૦ નિર્દોષ મુસાફરો સહિત ૧૧ના મોતના બનાવના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે સ્ટેન્ડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈ કાલની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર પર માછલા ધોવાતા આબરુ બચાવવા માટે સફાળી જાગેલી પોલીસે આજે સવારથી ગેરકાયદે સ્ટેન્ડ પરથી મુસાફરોની ગેરકાયદે હેરફેર બંધ કરાવી હતી. જાેકે આવા ગંભીર બનાવ બાદ પણ તંત્રની માનવતા જાણે મરી પરવારી હોય તેમ અમિતનગર સર્કલ પાસેના ગેરકાયદે સ્ટેન્ડના બદલે મંદિરની પાછળથી તેમજ થોડાક અંતરે ચોરી-છુપીથી તેમજ દુમાડચોકડી અને સોમતળાવ ચારરસ્તા સહિતના અન્ય વિસ્તારોમાં શટલિયા કારચાલકોએ બિન્ધાસ્ત પણે મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને અમદાવાદ-ડભોઈની ટ્રીપ મારી હતી.
એક્સપ્રેસ હાઈવે પર અર્ટિકાકારને અકસ્માત નડતા કુલ ૧૧ના મોત નિપજયા હતા અને આ અર્ટિકા કાર વડોદરાના અમિતનગર સર્કલ પાસેથી ભરાઈ હોવાની વિગતો સપાટી પર આવતા અમિતનગર પાસે ચાલતું ગેરકાયદે સ્ટેન્ડ ફરી વિવાદમાં સપડાયું છે. જાેકે ગઈ કાલની ગોઝારી દુર્ઘટના બાદ હોબાળો મચતા શહેર ટ્રાફિક પોલીસ આજે સવારથી જ જાંઘ છુપાવવા માટે દોડતી થઈ હતી. કાયમ મુસાફરો અને ઈક્કો કારના જમાવડાથી ધમધમતા કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આજે પોલીસે શટલિયા ઈક્કો કારને ઉભી રહેવા દીધી નહોંતી અને કડક કામગીરીનો દેખાડો કર્યો હતો.
જાેકે પોલીસની કામગીરી દેખાડો હોય તે ખુલ્લેઆમ નજરે ચઢતું હતું. અમિતનગર સર્કલ પાસે મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગેરકાયદે સ્ટેન્ડ ચાલતું હોઈ અમદાવાદ જવા માટે અનેક મુસાફરો આજે પણ આ ગેરકાયદે સ્ટેન્ડ પર આવ્યા હતા, પરંતુ પોલીસે અગાઉથી સૂચના આપી હોવાના કારણે આ સ્થળે કોઈ વાહન ઊભું નહોતું. જાેકે, વાહનચાલકોએ તેઓની કારને ગેરકાયદે સ્ટેન્ડથી થોડાક જ અંતરે આગળની તરફ તેમજ મંદિરના પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે તેઓની કાર પાર્ક કરીને સાઈડમાં ઉભી કરી હતી અને દરવાજા ખુલ્લા રાખ્યા હતા.
દરમિયાન ગેરકાયદે સ્ટેન્ડ પર આંટાફેરા મારતા ઈક્કો અને અર્ટિગા કારના માથાભારે ચાલકોએ ખેડા, નડિયાદ અને અમદાવાદ તરફ જવા માગતાં મુસાફરો સાથે ભાવતાલ કરીને તેઓને થોડાક અંતરે આગળ તેમજ મંદિરની પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી રાખેલી પોતાની કારના નંબરો આપીને કારમાં જઈને બેસવા માટે સુચના આપી હતી જેથી મુસાફરો ત્યાંથી ચાલતા કારમાં બેસી ગયા હતા અને જેવી કાર ભરાઈ જતા કારચાલકો તુરંત ત્યાં જઈને કારને હંકારીને આગળ રવાના થયા હતા.
માત્ર અમિતનગર સર્કલ જ નહી પરંતું દુમાડ ચોકડી, કીર્તિસ્તંભ અને સોમાતળાવ પાસેથી પણ ખાનગી વાહનચાલકોએ મુસાફરોને વાહનોમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને ગેરકાયદે હેરફેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળોએ ટ્રાફિક પોલીસના જવાનો હોવા છતાં તેઓ આંખ આડા કાન કરતા નજરે ચઢ્યાં હતા અને લોકસત્તા-જનસત્તાની ટીમે ટ્રાફિક પોલીસ જવાનોને તેઓની સામે શટલિયા વાહનોમાં નિયત મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડીને વાહનચાલકો અવરજવર કરતા હોવા છતાં કામગીરી કેમ નથી કરતા તેવો પ્રશ્ન કરતા તેઓએ કામગીરી કરીયે છે તેમ કહી વધુ કઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.